પૂર સંબંધી ચેતવણી માટે નવી ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ જરૂરીઃ નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ પૂરના પુર્વાનુમાન માટે એક કાયમી વ્યવસ્થા ગોઠવવા કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ વચ્ચે બહેતર સમન્વય સાધવાની જરૂરિયાત પર વડા પ્રધાન નરન્ેદ્ર મોદીએ ભાર મુક્યો હતો. સાથે જ તેમણે પુર્વાનુમાન અને ચેતવણીમાં સુધારા માટે હાલની નવી ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. 

તેમણે આ ટીપ્પણી દેશના વિવિધ ભાગોમાંની પૂરની સ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં કરી હતી. દેશમાં હાલની પૂરની સ્થિતિ અને દક્ષિણ-પશ્ચીમ ચોમાસા સામેની પોતાની તૈયારીની સમીક્ષા બેઠકમાં આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.

વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે વડા પ્રધાન મોદીએ સ્થાનિક સ્તરે આગોતરી ચેતવણી પદ્ધતિમાં રોકાણ વધારવા પર ભાર મુક્યો હતો કે જેથી નદી પરના આડબંઘમાં તિરાડ પડતા, વિસ્તારોમાં પાણીના ભરાવા કે વીજળી પડવા જેવા જોખમો બાબતે સમયસર ચેતવણી મળી શકે. વડા પ્રધાને એ વાત પર પણ ભાર મુક્યો હતો કે કોવિડ-૧૯ રોગચાળાને ધ્યાને લઇને રાજ્યો દ્વારા લોકોને રાહત અને બચાવના પ્રયાસો દરમિયાન માસ્ક પહેરવા, હાથ સ્વચ્છ રાખવા અને એક બીજાથી પૂરતું અંતર જાળવી રાખવા જેવા આરોગ્ય સંબંધી પગલાંઓનું પાલન કરાવવું જોઇએ.

લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય અને જી. કિશન રેડ્ડીની સાથે કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સંગઠનોના સિનિયર અધિકારીઓ સામેલ થયા હતા.