પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ દ્વારા રૂ. 1.51 કરોડના દાનનો સંકલ્પ

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, સામાજિક અગ્રણી, દિલાવર દાતા દિનશા પટેલ દ્વારા દાનની સરવાણી વહેવડાવવાનો અભિગમ યથાવત રાખતા રૂ. 1.51 કરોડના માતબર દાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં એક બેઠક દરમિયાન આ ચેક દિનશા પટેલના હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઇ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેળવણી મંડળના સહમંત્રી મધુબહેન પટેલ, ઇન્ટરનલ ઓડિટર બિપિનભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થાના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો તેમજ દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી ઘનશ્યામભાઈ પટેલ, વિનયભાઈ પટેલ, હાર્દિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યા હતા.
આ પ્રસંગે દિનશા પટેલે જણાવ્યુ હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત ગમતની સુવિધા સ્થપાય તે વાત જાણી મને આનંદ થયો. રૂબરૂ ચર્ચા દરમિયાન જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે. 3 માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ્નેસ્ટીક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશીયમ, એરોબીક્સ એકસરસાઈઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડીટેશન સેન્ટર, એડમીન ઓફીસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝીયોથેરાપી ટ્રીટમે ન્ટ કલીનીક, રીફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા ઉપલબ્ધ થશે. સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ ધરાવતા દિનશા પટેલ વર્ષોથી નડિયાદમાં સ્પોર્ટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ક્રિકેટ સ્ટેડિયમની સુવિધા ઊભી કરનાર દિનશા પટેલ માને છે કે યુવા પેઢી સદા સ્પોર્ટ્સ સાથે જોડાયેલી રહે અને દેશદુનિયામાં ચરોતરનું નામ રોશન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here