પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશના વિકાસનો ધોરીમાર્ગઃ મોદી

 

સુલ્તાનપુર (યુપી)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુપીમાં ૩૪૦ કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાને રિમોટનું બટન દબાવીને આ એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ તકે તેમણે એક તકતીનું અનાવરણ પણ કર્યું હતું. મોદીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના વિકાસનો ધોરીમાર્ગ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજપુરીમાં કહ્યું હતું કે, જે ધરતી ઉપર હનુમાનજીએ કાલનેમિનો વધ કર્યો એ ધરતીને આપણે પ્રણામ કરીએ છીએ. ૧૮પ૭ના સંગ્રામમાં અહીંના લોકોએ અંગ્રેજોને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દીધું હતું. આજે અહીંના લોકોને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની સોગાત મળી છે. વડા પ્રધાને આગળ કહ્યું હતું કે, જ્યારે તેમણે ૨૦૧૮માં આ એક્સપ્રેસ વેની આધારશિલા રાખી ત્યારે કલ્પના પણ નહોતી કે તેના ઉપર જ પોતે વિમાનમાં ઉતરશે. આ પરિયોજના સંકલ્પથી સિદ્ધિનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ ઉત્તરપ્રદેશની શાન છે. અગાઉની સરકારોએ પૂર્વ યુપીને માફિયાવાદ અને ગરીબીના હવાલે કરી દીધું હતું. ભાજપની સરકાર હવે અહીં વિકાસનો નવો અધ્યાય આલેખી રહી છે. આ એક્સપ્રેસ વે બનતા અવધ, પૂર્વાંચલની સાથોસાથ બિહારના લોકોને પણ લાભ મળશે. બિહારથી દિલ્હીની મુસાફરી વધુ આસાન બની જશે. યુપીના વિકાસ માટે બહેતરીન જોડાણની આવશ્યકતા છે. રાજ્યનો ખૂણેખૂણો જોડાવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન ભારતીય વાયુસેનાના સી-૧૩૦ જે હરક્યુલસ વિમાનથી એક્સપ્રેસ વે રન વે ઉપર ઉતર્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોદીનું સ્વાગત કર્યું હતું. આશરે ૨૨,પ૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલો આ એક્સપ્રેસ વે યુપીનાં પાટનગર લખનઉને ગાઝીપુર સાથે જોડશે. આની કુલ લંબાઈ ૩૪૧ કિ.મી. છે. જે માત્ર ૪૦ માસના વિક્રમી ટૂંકાગાળામાં તૈયાર થયો છે. એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પછી અહીં વાયુસેનાનાં યુદ્ધ વિમાનોનો એર-શો પણ યોજાયો હતો.