‘પુસ્તકોના માણસ’: ઉમદા ગ્રંથપાલ જયંત મેઘાણીની વર્ચ્યુઅલ સ્મરણાંજલિ યોજાઈ

 

અમદાવાદઃ ૧૩મી ડિસેમ્બર, ૨૦૨૦, રવિવારે રાત્રે ૮.૦૦થી ૧૦.૩૦ દરમિયાન ‘પુસ્તકોના માણસ’ શ્રી જયંતભાઈ મેઘાણીની સ્મરણાંજલિ સભામાં દેશ-વિદેશથી ઘણા આત્મીયજનો જોડાયા અને જયંતભાઈ સાથેનાં સ્મરણો વાગોળ્યાં તથા પ્રેમથી ભરેલા હૃદયભાવ પણ રજૂ કર્યાં.

આ શ્રદ્ધાંજલિ સભા સેન્ટર ફોર એક્સેલન્સ (ભાવનગર), પોઝિટિવ મીડિયા પરિવાર, ગુજરાતી પ્રકાશક મંડળ, માતૃભાષા અભિયાન, ગાંધીનગર કલ્ચરલ ફોરમ, માતૃભારતી, શિશુવિહાર-બુધસભા (ભાવનગર), ગુજરાતી બુક ક્લબ, શબ્દ સંવાદ, આઈના (અમેરિકા), મારી ભાષા ગુજરાતી તથા વઢિયાર સાહિત્ય મંચ એમ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે યોજાઈ હતી. કાર્યક્રમનું સંચાલન રમેશ તન્નાએ કર્યું હતું.

પ્રારંભમાં તેમણે જયંતભાઈનો વિગતવાર પરિચય આપ્યો હતો. એ પછી સુભાષ ભટ્ટ અને નિશીથ મહેતાએ જયંતભાઈ સાથેના સ્મરણો વાગોળ્યા હતા. અમેરિકાથી જોડાયેલા, જયંતભાઈના ભાઈ અશોકભાઈ મેઘાણીએ બે વખત સ્મરણો રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે અમારા પિતા ઝવેરચંદ મેઘાણીનો સાચો પરિચય તેમણે મને કરાવ્યો હતો. લિટરલી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના રામ ગઢવીએ પણ તેમને યાદ કરતાં કહ્યું હતું કે અમે ગુજરાતમાંથી સાહિત્યકારને બોલાવતા ત્યારે કોને બોલાવવા એ પસંદગીમાં જયંતભાઈ અમને ખૂબ મદદ કરતા. તેમની સાથે કાર્ય કરનાર અરવિંદભાઈ શુક્લ અને ઈન્દુબહેન શુક્લએ પણ ભાવવાહી સ્વરમાં સ્મરણો વાગોળ્યાં હતાં. આશાબેન સરવૈયાએ જયંતભાઈનો ગ્રંથપાલ અને માણસ તરીકે પોતાના પર કેટલો પ્રભાવ પડ્યો તેની લાગણીશીલ વાતો કરી હતી.                                  

૯૩ વર્ષના પૂર્વ ગ્રંથપાલ વિનોદભાઈ પણ જોડાયા હતા અને તેમણે ખૂબ સુંદર સ્મરણો વાગોળ્યાં. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના મનુભાઈ શાહે જયંતભાઈની પુસ્તકના વ્યક્તિ તરીકેની પ્રતિભાની ઉદાહરણો આપીને અજાણી વાતો કરી હતી. સત્યમુનિ સ્વામીએ નાનકભાઈ સાથેના નાતાને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓ ખાવાના ખૂબ શોખીન હતા.

મારી ભાષા ગુજરાતી સંસ્થાવતી ભાગ્યેન્દ્ર પટેલે પણ સ્મરણો રજૂ કર્યાં હતાં. વઢિયાર સાહિત્ય મંચ તરફથી ડો. કિશોર ઠક્કરે શ્રદ્ધાંજલિ આપી હતી તો શબ્દ સંવાદ સંસ્થા તરફથી શ્યામભાઈએ હૃદયભાવ વ્યક્ત કર્યો હતો. ગ્રંથપાલ હેમાબહેને ગ્રંથપાલ તરીકે જયંતભાઈની ઊંચાઈ કેટલી જબરજસ્ત હતી તે જણાવ્યું હતું તો વલસાડથી જોડાયેલા રમેશ ચાંપાનેરીએ પણ જયંતભાઈને શબ્દાંજલિ આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમ આત્મીય બની રહ્યો હતો. પોઝિટિવ મીડિયા તરફથી આવો કાર્યક્રમ યોજવાનું સદ્ભાગ્ય મળે તે ધન્યતાની ક્ષણ ગણાય.

આ તબક્કે રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, સમૃદ્ધ ગણાતા આપણા ગુજરાત રાજ્યમાં પુસ્તકાલયોની સંખ્યા અને દશા પાંખી અને માઠી છે. એકલા પૈસાથી જીવન નથી જીવી શકાતું, સમૃદ્ધિ તો ઘણી વાર દૂષણો લાવતી હોય છે. એવું બની પણ રહ્યું છે. આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને ગુજરાતના પ્રત્યેક ગામમાં એક ધબકતું પુસ્તકાલય હોય એવી સ્થિતિનું નિર્માણ કરીને સ્વર્ગસ્થ જયંતભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આત્મનિર્ભર ભારત કરવું હશે, સ્વસ્થ સમાજની રચના કરવી હશે તો ગામોના ઉત્કર્ષ વિના આરો-ઓવારો નથી. એ જ એક વિકલ્પ છે. સમજ બદલાય તો સમાજ બદલાય. ગ્રામજનોની સમજને દઢ કરવામાં પુસ્તકો મોટો ભાગ ભજવી શકે. જેમ દરેક ગામમાં ધાર્મિક સ્થળ હોય છે તે રીતે પુસ્તકાલય પણ હોય જ તેવી સ્થિતિ ઊભી કરવી અશક્ય નથી.