પુરુષોત્તમ (અધિક માસ) માસનું મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક પરંપરામાં, પરિપાટી, પ્રણાલિકામાં અનેક ઉત્સવો, મહોત્સવોનું આગવું મહત્ત્વ, મહિમા, મૂલ્ય, કિંમત, માહાત્મ્ય વર્ણવવામાં આવેલું છે. જેમ કે નવરાત્રિ, શ્રાવણ માસ, હોળી, ધુળેટી, દિવાળી આદિનું અનેક રીતે આગવું મહત્ત્વ છે.
આવી જ રીતે દર ત્રણ વર્ષે આવતા અધિક માસનું પણ આગવું મહત્ત્વ, મહિમા, માહાત્મ્ય છે.
અધિક માસ કે જેને પુરુષોત્તમ મહિના તરીકે ઓળખવામાં આવે છે.
અધિક માસ એટલે વિચાર કરીએ. પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે છે તેને ચંદ્રમાસ કહેવાય છે. આવી ચંદ્રની પ્રદક્ષિણા પૂરી થતાં 354 દિવસ, 8 કલાક, 48 મિનિટ અને 33.55 સેકંડ જેટલો સમય લાગે છે.
બીજી રીતેઃ પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થતાં તેને સૌરમાન વર્ષ કહેવાય છે. આ પ્રદક્ષિણા પૂરી કરતાં 365 દિવસ, પાંચ કલાક, 48 મિનિટ, 47.5 સેકંડ જેટલો સમય લાગે છે.
આમ, ચંદ્રમાસ વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહિ દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરાયેલા માસ કે મહિનાને અધિક માસ કહેવાય છે.
આ અધિક માસ 32 મહિના 16 દિવસ અને ચાર ઘડીના અંતરે આવ્યા કરે છે. આપણને થાય કે અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવાય છે. એનું એક કારણ છે.
વર્ષના બાર મહિના છે. દરેક મહિનાના અધિષ્ઠાતા દેવ જુદા જુદા છે. જેમ કે બાર મહિનાઓના દેવ વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંડ, રવિ, ગભસ્તિ, અર્યમા, મિત્ર હિરણ્યરેતા, દિવાકર અને વિષ્ણુ આ બાર સૂર્ય હોય છે, પરંતુ અધિક માસ તેરમો હોવાથી એના કોઈ દેવ નહોતાં. તેને મળમાસ પણ કહેવાય છે.
લોકોની ઉપેક્ષા, કોઈ દેવ ન હોવાથી મળમાસ કહેવાતો હોવાથી અધિક માસ દુઃખી હતો. લોકો નિંદા કરવા લાગ્યા.
અધિક માસ મનમાં ને મનમાં દુઃખી થવા લાગ્યો. છેવટે તે ભગવાન શ્રીકૃષ્ણના શરણે ગયો.
જેને જેને સમાજે તપાવ્યા છે, તરછોડ્યા છે, ફગાવ્યા છે, તિરસ્કાર્યા છે, ફેંકી દીધા છે, છોડી દીધા છે, હેરાન કર્યા છે તેને તેને ભગવાન શ્રીકૃષ્ણે સ્વીકાર્યા છે. વધાવ્યા છે.
ભગવાને અધિક માસની વાત સાંભળી પોતાના શરણમાં લીધો. એને વરદાન આપ્યું કે તું મારા શરણમાં છે. માટે મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા કરશે નહિ. તારી નિંદા એ મારી નિંદા ગણાશે.
હવેથી તું પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ. ભગવાને સ્વયં અધિક માસને પોતાનું નામ આપ્યું. ભગવાન સ્વયં આ મહિનાના અધિષ્ઠાતા રક્ષક દેવ બન્યા. ભગવાન સ્વયં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છે. માટે ભગવાને પોતાનું નામ અધિક માસને આપ્યું છે. ભગવાને સ્વયં શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેલું છેઃ
યસ્માત્ ક્ષરમીતતોઽહમ અક્ષરાદપિ યોત્તમઃ ૤
અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથતિઃ પુરુષોત્તમઃ ૤૤
અધ્યાય 15-18
હે અર્જુનઃ
હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું.
આમ ભગવાનનું પોતાનું નામ મળવાથી અધિક માસનું જ્યાં અપમાન, નિંદા, તિરસ્કાર થતાં હતાં ત્યાં હવે સન્માન, સ્વીકાર, પૂજા થવા લાગી. મળમાસ હવે ધર્મ માસ ગણાવા લાગ્યો.
ભગવાને અભયવચન આપતાં કહ્યું, પુરુષોત્તમ માસમાં જે કોઈ સ્નાન, દાન, તપ, ઉપવાસ, ભગવદ્કથા શ્રવણ ધારણાં-પારણાં, સેવા, ભક્તિ, પૂજા, મનોરથ કરશે તેને અધિકમાં અધિક ફળની પ્રાપ્તિ થશે.
આમ વિચારવું, જેનું કોઈ નથી એનો ભગવાન છે. હું એકલો ક્યારેય નથી, હું અનાથ નથી, પરંતુ સનાથ છું, કારણ કે મારો નાથ જગતનો નાથ છે. સ્વયં પુરુષોત્તમ છે. માટે જ અધિક માસનું એક આગવું અનેરું, મહત્ત્વ, મહિમા, મૂલ્ય, કિંમત, માહાત્મ્ય છે.
આ મહિનામાં કરેલી ઠાકોરજીની ભક્તિ, સેવા, પૂજા, આરાધના, અર્ચન, યજ્ઞ-યાગાદિ કર્મ, ઉપાસના અનંત ફળ આપે છે. માટે સહભક્તો, સાધકો, મુમુક્ષુ, વૈષ્ણવો વિવિધ રીતે ઠાકોરજીની ભક્તિ કરે છે. મનોરથ કરે છે, જેમ કે ચીરહરણ લીલાનો મનોરથ, રથનો મનોરથ, જલવિહાર, પનઘટ, માખણચોરી લીલા, નાવ મનોરથ, છપ્પનભોગ મનોરથ, ઘનઘોરની સવારીનો મનોરથ, સૂકા મેવાના બંગલાનો મનોરથ, ચંદ સરોવર મહા રાસ મનોરથ આવા અનેક મનોરથ વિશ્વની અનેક હવેલીઓમાં આવા પરમ પવિત્ર, પુણ્યશાળી અધિકમાસમાં જે પુરુષોત્તમ માસ છે તેમાં કરવામાં આવે છે.
આ મહિનામાં કરેલી ઠાકોરજીની, પ્રભુની, પરમાત્માની સેવા, ભક્તિ, મનોરથ સાચા શુદ્ધ વિચાર-ભાવનાથી કરવામાં આવે તો ઠાકોરજીની કૃપા, આશીર્વાદ, અનુકંપા, આશિષ આપણા ઉપર ઊતરતાં રહે છે, કારણ કે ભક્તિની શક્તિ અનેરી છે. ભગવાન સામેથી ભક્ત પાસે આવે છે.
શાસ્ત્રોમાં અનેક વર્ણન છે. ભક્તોની સેવાથી, સમર્પિત ભાવથી કરેલા અર્પણ, તર્પણ, સમર્પણથી ઠાકોરજી સામેથી ભક્ત પાસે ગયા છે.
જેમ કે (1) શબરીની ભક્તિ, વિશ્વાસ, પ્રતીક્ષા જોઈ ભગવાન રામ સામેથી ગયા. શબરી અમર બની ગઈ. કવિ કહે છેઃ
રામનું સ્વાગત કરતાં કરતાં
ઋષિઓ જાપ જપતાં રહી ગયા,
એઠાં બોર અમર કરીને,
રામ શબરીના થઈ ગયા.
(2) વિદુરની ભક્તિ જોઈ ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના મેવા ત્યાગી વિદુરની ભાજી ખાવા ગયા.
(3) દ્રૌપદીની ભક્તિનો આર્તનાદ, પોકાર સાંભળી શ્રીકૃષ્ણ નવસો નવ્વાણું ચીર પૂરવા આવ્યા છે.
(4) કરમાબાઈની પ્રેમયુક્ત ભક્તિ જોઈ એનો ભાવ ભર્યો ખીચડો ખાધો છે.
(5) પુંડરીકની માતપિતાની નિષ્ઠાયુક્ત ભક્તિ જોઈને વિઠ્ઠલનાથ એક ઈંટ ઉપર ઊભા રહ્યા છે.
(6) ધ્ર્રુવની અડગ નિષ્ઠા, દઢ નિશ્ચયવાળી ભક્તિ જોઈ પ્રભુએ દર્શન આપી ધ્રુવપદ આપ્યું છે.
(7) મીરાંબાઈની સંપૂર્ણ સમર્પણયુક્ત ભક્તિ જોઈ ઠાકોરજીએ ઝેરને અમૃત બનાવી દીધું.
માટે કહેવાનું મન થાય,
મીરાંએ તો ગોવિંદની
પ્યાસ રાખી છે,
પણ ઝેરને અમૃત બનાવીને
ગોવિંદે ભક્તિની લાજ રાખી છે.
(8) બલિરાજાના શ્રેષ્ઠ ત્યાગ, સમર્પણભાવયુક્ત ભક્તિ જોઈ પ્રભુ પાતાળલોકમાં એના દ્વારપાળ બનીને રહ્યા છે.
(9) પ્રહ્લાદની ભક્તિ જોઈને પ્રભુએ ભક્તની રક્ષા માટે નૃસિંહ અવતાર ધારણ કર્યો.
(10) નરસિંહની ભક્તિ જોઈને પ્રભુએ શામળશા શેઠ બનીને હૂંડી સ્વીકારી, કુંવરબાઈનું મામેરું કર્યું.
(11) હનુમાનજીની ભક્તિ જોઈને સ્વયં રામજી લક્ષ્મણ, સીતા સહિત એમના હૃદયમાં બિરાજમાન થયા.
(12) રાધાની વ્યાકુળતા, પ્રેમ, સમર્પણ, ભક્તિ, શરણાગતિ, સમર્પિત ભાવ જોઈને પ્રભુ રાધામય થઈ ગયા અને રાધાને પોતાનાથી આગળ સ્થાન આપ્યું. રાધે કૃષ્ણ. માટે કબીર કહે છેઃ
પ્રેમ પ્રેમ ક્યા કરો, જાઓ યમુના કે તટ
એક ગોપી કે પ્રેમ મેં, બહ ગયે લાખો કબીર.
આઠ આઠ પટરાણી છતાં રાધાનું નામ કૃષ્ણની આગળ લેવાય છે.
(13) અર્જુનની શરણાગતિ જોઈને પ્રભુ એને વશ થઈને એના રથના સારથિ બન્યા.
ભક્તિની શક્તિ, સામર્થ્ય, દિવ્યતા, શ્રેષ્ઠતા, સૌંદર્ય, માધુર્ય, અદ્ભુત અલૌકિક, ઉત્તમ અનુપમ છે.
સ્વયં ભગવાન કહે છેઃ ભક્તિ માન્યઃ સ ચ મે પ્રિયઃ ૤૤
અધ્યાય 12-17.
આવો જે ભક્તિવાળો છે તે ભક્ત મને અતિશય પ્રિય છે.
ભગવાન અભય વચન આપતાં કહે છેઃ
ન મે ભક્તઃ પ્રણશ્યતિ ૤૤
અધ્યાય 9-39
મારો ભક્ત નાશ પામતો નથી.
આમ વિચારવું. જેણે પ્રભુનું, ઠાકોરજીનું, પરમાત્માનું, ભગવાનનું શરણ લીધું છે, સમર્પિત ભાવે ભક્તિ કરી છે તેનું કલ્યાણ, શ્રેય નિશ્ચિત છે.
ભક્તિ જેવા ભાવથી જેમાં ભળી જાય તે પ્રમાણે થઈ જાય છે. માટે જ કહેવાય છે,
ઘી, દૂધ, દહીં, મધ, સાકર ભેગાં મળી જાય તો પંચામૃત બની જાય.
ચોખ્ખા ઘીના શીરામાં માત્ર એક તુલસીપત્ર નાખો તો પ્રસાદ બની જાય.
ગમે તેવો કાટ ખાધેલો લોખંડનો સળિયો હોય, પરંતુ પારસમણિનો સ્પર્શ થવાથી સોનું બની જાય.
વર્ષો જૂનું ગુફામાં અંધારું હોય, પરંતુ પ્રકાશનું એક કિરણ આવતાં ઉજાસ ફેલાઈ જાય.
અંતે વિચારવું ભક્તિની શક્તિ કેવી અને કેટલી છે.

માટે અંતે વિચારવું ભક્તિની શક્તિ કેવી, કેટલી છે…
અન્નમાં ભક્તિભાવ મળે તો અન્નકૂટ બની જાય.
ઇમારતમાં ભક્તિભાવ મળે તો ગુરુદ્વારા બની જાય.
ઉજાગરામાં ભક્તિભાવ મળે તો જાગરણ બની જાય.
એકાંતમાં ભક્તિભાવ મળે તો ધ્યાન બની જાય.
કર્મમાં ભક્તિભાવ મળે તો ધર્મ બની જાય.
ગીતમાં ભક્તિભાવ મળે તો ભજન બની જાય.
ચારિત્ર્યમાં ભક્તિભાવ મળે તો સંસ્કાર બની જાય.
ત્યાગમાં ભક્તિભાવ મળે તો વૈરાગ્ય બની જાય.
ધનમાં ભક્તિભાવ મળે તો દાન બની જાય.
પાણીમાં ભક્તિભાવ મળે તો ગંગાજળ બની જાય.
પુસ્તકમાં ભક્તિભાવ મળે તો ધર્મગ્રંથ બની જાય.
ભોજનમાં ભક્તિભાવ મળે તો પ્રસાદ બની જાય.
સંસ્કૃતિમાં ભક્તિભાવ મળે તો સમૃદ્ધિ બની જાય.
હાથમાં ભક્તિભાવ મળે તો વંદન બની જાય.
ત્રાજવામાં ભક્તિભાવ મળે તો ન્યાય બની જાય.
સત્યમાં ભક્તિભાવ મળે તો શ્રદ્ધા બની જાય.
પ્રેમમાં ભક્તિભાવ મળે તો સમર્પણ બની જાય.
રઝળપાટમાં ભક્તિભાવ મળે તો તીર્થયાત્રા બની જાય.
ઠાકોરજીમાં ભક્તિભાવ મળે તો હવેલી બની જાય.
સેવામાં ભક્તિભાવ મળે તો સમર્પિત થઈ જવાય.
પૂજનમાં ભક્તિભાવ મળે તો પ્રભુમય થઈ જવાય.
ક્ષમામાં ભક્તિભાવ મળે તો ભૂષણ બની જાય.
પથ્થરમાં ભક્તિભાવ મળે તો શાલિગ્રામ બની જાય.
ફરજમાં ભક્તિભાવ મળે તો યોગ બની જાય.
મૂર્તિમાં ભક્તિભાવ મળે તો ભગવાન બની જાય.
નિરાહારમાં ભક્તિભાવ મળે તો ઉપવાસ બની જાય.
જમણવારમાં ભક્તિભાવ મળે તો ભંડારો બની જાય.
ઘડપણમાં ભક્તિભાવ મળે તો તો સંન્યાસ બની જાય.
ટેકમાં ભક્તિભાવ મળે તો વરદાન બની જાય.
ડાયરામાં ભક્તિભાવ મળે તો સત્સંગ બની જાય.
શ્રોતામાં ભક્તિભાવ મળે તો શ્રવણ બની જાય.
છોડમાં ભક્તિભાવ મળે તો રણછોડ બની જાય.
શિવલિંગમાં ભક્તિભાવ મળે તો શંકર બની જાય.
સજ્જનમાં ભક્તિભાવ મળે તો સંત બની જાય.
મનુષ્યમાં ભક્તિભાવ મળે તો ભક્ત બની જાય.
ખુદામાં ભક્તિભાવ મળે તો ઇબાદત બની જાય.
ઈશ્વરમાં ભક્તિભાવ મળે તો પ્રાર્થના બની જાય.
જીવમાં ભક્તિભાવ મળે તો શિવ બની જાય.
જીવાત્મામાં ભક્તિભાવ મળે તો પરમાત્મા બની જાય.
રુદ્રાક્ષના મણકામાં ભક્તિભાવ મળે તો શંકર બની જાય.
તુલસીના મણકામાં ભક્તિભાવ મળે તો વિષ્ણુની જાય.

લેખક આધ્યાત્મિક સંત છે