પુરાણોમાં પુત્રીપ્રેમ અનેક શાપ માટે નિમિત્ત બનતો

0
920

(ગતાંકથી ચાલુ)
માંધાતાએ કન્યાઓને પરણાવી તો દીધી, પણ આખરે એ દીકરીના બાપ હતા. તેમને દીકરીઓના સુખદુઃખની ચિંતા સતાવતી હતી. એટલે પુત્રીપ્રેમથી આકર્ષાઈને તેમના કુશળમંગળ જાણવાનો નિર્ધાર કર્યો. સૌભરિ ઋષિના આશ્રમે જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સ્ફટિક મણિનાં જ બાંધેલાં રાજમહેલોની આખી પંકિત જોઈ. દરેકની આસપાસ અતિસુંદર બાગબગીચા તથા જળાશયો જણાતાં હતાં. માંધાતા એક મહેલમાં પ્રવેશ્યા. પોતાની એક પુત્રીને ભેટી પડ્યા. પછી આસન પર બેઠા. પુત્રી પ્રત્યેના સ્નેહને કારણે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ગળગળા થઈને બોલ્યાઃ ‘દીકરી, તું સુખી છે કે તને કંઈ દુઃખ છે? મહર્ષિ સૌભરિ તારા પર પ્રેમ રાખે છે કે? આપણા ઘરનો સહવાસ તને યાદ આવે છે?’
દીકરી બોલીઃ ‘આ મહેલ અતિશય સુંદર છે. મનગમતો બગીચો છે. કલરવ કરતાં પક્ષીઓ છે. જળાશયોમાં ખીલેલાં કમળો છે. ભાવતાં ભોજન છે. વિલેપનો, વસ્ત્રો અને આભૂષણો છે. કોમળ શયનો છે. મારો ગૃહસ્થાશ્રમ સર્વ સંપત્તિથી યુક્ત છે. તો પણ પોતાની જન્મભૂમિ કોને યાદ ન આવે? આપની કૃપાથી અહીં બધું ઉત્તમ છે. પણ એક જ વાતનું દુઃખ છે કે મારા પતિ ઘરમાંથી બહાર નીકળતા જ નથી. માત્ર મારી પાસે રહે છે. મારી બીજી બહેનો પાસે જતા જ નથી. એથી મારી બહેનો એ રીતે દુઃખી છે. આ એક જ મારા દુઃખનું કારણ છે.’ દરેક પુત્રીએ માંધાતાને આ જ શબ્દો કહ્યા. તેથી રાજાને સંતોષ થયો કે દીકરીઓ સુખી છે. માંધાતાએ મનોમન સૌભરિને આશીર્વાદ આપ્યા. ને કહ્યુંઃ જમાઈ હો તો આવા હજો…

માંધાતાએ જમાઈને આશીર્વાદ આપ્યા, જ્યારે દક્ષ પ્રજાપતિએ જામાતાને શાપ આપ્યો. શિવ મહાપુરાણ અને વરાહ મહાપુરાણ અનુસાર દક્ષની દાક્ષાયણી તરીકે ઓળખાતી 27 કન્યા સોમ એટલે કે ચંદ્રની પત્નીઓ હતી. તેમાંથી રોહિણી ચંદ્રને સૌથી પ્રિય હતી. ચંદ્ર રોહિણી પાસે જ રહેતો. એટલે બીજી બહેનો દુઃખી થઈ ગઈ. એ બધી પિતાને શરણે ગઈ. ચંદ્રના રોહિણી પ્રત્યેના પક્ષપાત વિશે ફરિયાદ કરી. દીકરીઓના દુઃખે દક્ષ દુઃખી થયા. તેમે ચંદ્રને સમજાવ્યો કે, ‘તું નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો છે. છતાં તને તારા સર્વ આરશ્રતો પ્રત્યે ઓછોવધતો ભાવ કેમ છે? હવે આવું ન કરતો. મારી દીકરીઓને દુઃખી ન કરતો.’ ચંદ્રે પત્નીઓમાં ભેદભાવન ન કરવાની ખાતરી આપી, પણ વચન ન પાળ્યું. રોહિણીમાં આસક્ત બની તેણે અન્ય પત્નીઓ પ્રત્યે દુર્લક્ષ જ સેવ્યું. તેમણે ફરી એક વાર દક્ષ સમક્ષ ધા નાખી. એટલે દક્ષે ફરી ચંદ્રને સમજાવ્યો. ઉત્તમ નીતિનો બોધ આપ્યો. છતાં ચંદ્ર તો એનો એ જ. બોલીને ફરી જતો. એટલે દક્ષ ક્રોધે ભરાયા. જમાઈને શાપ આપ્યોઃ તારો ક્ષય થશે!
દક્ષની જેમ ઔર્વ ઋષિએ પણ જમાઈને શાપ આપ્યો હતો. બ્રહ્મવૈવર્ત પુરાણની કથા મુજબ ઔર્વ ઋષિની કન્યાનું નામ કંદલી હતું. તે દુર્વાસા ઋષિને ચાહતી. એટલે ઔર્વે કંદલીને દુર્વાસા સાથે પરણાવી. ઔર્વે દુર્વાસાને કહ્યુંઃ ‘મારી દીકરીમાં બધા ગુણ છે, પણ એક દોષ છે. તે અત્યંત ઝઘડાળુ છે. અને ગુસ્સામાં કડવું બોલનારી છે. એટલે તમે એને સાચવી લેજો.’ દુર્વાસાએ ઔર્વને નિશ્ચિંત રહેવા જણાવ્યું. અને કંદલીને લઈને પોતાને ઘેર ગયા. એ વખતે પ્રિય કન્યાના વિરહમાં ઔર્વ બેહોશ થઈ ગયા, પણ હોશમાં આવ્યા પછી તેમને સતત કંદલીની ચિંતા થયા કરતી. એ ચિંતા વાજબી પણ હતી, કારણ કે ક્રોધી કંદલી દુર્વાસાને કટુ વચનો કહેતી. ન બોલવાનું બોલતી. દુર્વાસા પોતે પણ અત્યંત ક્રોધી સ્વભાવના. છતાં એ કંદલીની કડવી વાણી સાંભળી લેતા. સહી લેતા, પણ એક વાર એમની ધીરજ ખૂટી ગઈ. સહનશક્તિનો અંત આવ્યો. એમણે ક્રોધમાં ને ક્રોધમાં કંદલીને ભસ્મ કરી દીધી. ત્યારે ઔર્વ ઋષિએ દુર્વાસાને ઠપકો આપતાં કહ્યુંઃ ‘જો તમે મારી કટુવાદિની દીકરીનો ત્યાગ કર્યો હોત તો હું તેનું પાલન કરત, પણ તમે તો એને બાળી મૂકી. એટલે હું તમને શાપ આપું છું કે તમારું અમંગળ થશે.’ આ શાપના મૂળમાં તો ઔર્વ ઋષિનો પુત્રીપ્રેમ જ હતો.

ઔર્વ ઋષિને પુત્રી કંદલી પ્રત્યે પ્રેમ હતો, એ જ રીતે વ્યાધને દીકરી અર્જુનકા માટે અપરંપાર સ્નેહ હતો. આ સ્નેહને કારણે જ તેમણે અર્જુનકાને દુઃખી કરનાર તેની સાસુને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ત્રીજાતિને શાપ આપ્યો હતો. વરાહ મહાપુરાણની કથા પ્રમાણે વ્યાધે પુત્રી અર્જુનકાને મતંગ ઋષિના પ્રસન્ન નામના પુત્ર સાથે પરણાવી. અર્જુનકા સાસરે ગઈ. શરૂઆતના થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ પછી સાસુને અર્જુનકાના દોષ દેખાવા લાગ્યા. એક વાર સાસુ અર્જુનકા પર ગુસ્સે થયાં. અમંગળ વચન કહ્યાંઃ ‘તને પતિની સેવા-શુશ્રૂષા કઈ રીતે કરવી તે આવડતું નથી. જીવહિંસા કરનારા વ્યાધની દીકરી તો આવી – તારા જેવી જ હોય ને?’
અર્જુનકાને માઠું લાગ્યું. નહિ જેવી બાબતે સાસુએ ઠપકો આપ્યો એટલે એને લાગી આવ્યું. એ રડતી રડતી પિતાને ઘેર ગઈ. બોલીઃ ‘મારાં સાસુએ અત્યંત ક્રોધે ભરાઈને ઊંચે સાદે મને વારંવાર કહ્યું કે તું જીવહિંસા કરનારની – પશુઓને મારી નાખનારની દીકરી છે. તેમણે એવું પણ કહ્યું કે તું વ્યાધથી પેદા થયેલી છે!’
વ્યાધને ગુસ્સો આવ્યો. તેમણે પોતાની પુત્રીને રડાવનાર સાસુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એ મતંગ ઋષિને ઘેર ગયા. કહ્યુંઃ ‘હું થોડું ભોજન લેવા ઇચ્છું છું, પણ તેમાં ચૈતન્ય ન હોવું જોઈએ. અર્થાત્ તે ભોજન જીવજંતુઓથી રહિત-નિર્જીવ હોવું જોઈએ.’ મતંગ ઋષિ બોલ્યાઃ ‘મારે ત્યાં અનાજ સાફ કરીને રાખેલું છે. આપની ઇચ્છા પ્રમાણે તેની રસોઈ બનાવીને જમો.’ આ વાતચીત પછી મતંગ ઋષિએ સૂપડું ભરેલા ઘઉં અને સૂપડું ભરેલા ચોખા બતાડ્યા. એટલે વ્યાધે કહ્યુંઃ ‘મારા કુટુંબના જીવનનિર્વાહ માટે હું તો દરરોજ અરણ્યમાં એક જ પશુની હિંસા કરું છું. અને પિતૃઓને સત્કારપૂર્વક તે અર્પણ કરીને મારા સેવકો સાથે જમું છું. તમે તો ઘણા પશુઓની હિંસા કરીને પોતાના અનેક ચાકરો સાથે જમો છો. તેથી તે હંમેશાં અભોજ્ય – ન ખાવા યોગ્ય છે એમ હું માનું છું. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.