પુરાણોમાં કન્યાકેળવણી તેના સર્વોચ્ચ શિખરે હતી!

0
789

(ગતાંકથી ચાલુ)
રત્નાવલીએ રાક્ષસને જ્ઞાન આપ્યું, જ્યારે રાક્ષસીએ કૌંડિન્ય નામના બ્રાહ્મણને બોધ આપ્યો. રાક્ષસીએ જૂઠું બોલવાથી જે પાપ ભોગવવાની તૈયારી દર્શાવી તેમાં તેનું શાસ્ત્રજ્ઞાન છતું થયું. એણે કહ્યુંઃ બ્રહ્મહત્યા કરવાથી માણસોને જે કુત્સિત ગતિ મળે છે તે હું ખોટું બોલતી હોઉં તો મને મળે. મદ્યપાન કરવાથી બ્રાહ્મણ જે ગતિને પ્રાપ્ત થાય છે તે ભયંકર ગતિ હું પામું. ગુરુપત્ની સાથે સંભોગ કરવાથી થતું પાપ મને મિથ્યાભાષણ કરવાથી પ્રાપ્ત થાય. સુવર્ણની ચોરી, જમીન પચાવી પાડવી કે પડાવી લેવી તેમ જ આત્મહત્યા કરવાથી જે પાપગતિ પ્રાપ્ત થતી હોવાનું મુનિઓએ કહ્યું છે તે ગતિ જો હું જૂઠું બોલું તો મને પ્રાપ્ત થાય. પંચમી તથા અષ્ટમી તિથિએ માંસભક્ષણ કરવાથી થતું પાપ, અમાવાસ્યાના દિવસે સ્ત્રીસંગ કરવાથી અને વૃક્ષ કાપવાથી થતું પાપ, દિવસે મૈથુન કરવાથી લાગતું પાપ, વૈશ્વદેવ ન કરનારા ગૃહસ્થ દ્વિજને થતું પાપ, ભિખારીઓને ભીખ ન આપનારાને લાગતું પાપ, બે વાર ભોજન કરવાથી વિધવાને લાગતું પાપ, સૂર્યસંક્રાંતે તેલ ખાનારને લાગતું પાપ, ઇન્દ્રિયોને સ્વચ્છંદપણે બહેકવા દઈને તીર્થયાત્રાએ જનારો, પારકાના જળાશયમાં માટી લીધા વિના સ્નાન કરનારો, નિષિદ્ધ વૃક્ષોનું દાતણ કરનારો, મૈથુનમાં આસક્ત રહીને પાખંડ માર્ગને અનુસરનારો, લાકડા અને પથ્થરના ખુલ્લા આસન પર બેસીને પિતૃઓ અને દેવનું પૂજન કરનાર, ગાય ન પાળતાં કેવળ ભેંસ જ પાળનાર, ભાંગેલા કાંસાના વાસણમાં જમનારો, પારકાનું ફાટેલું અને ધોયા વિનાનું વસ્ત્ર પહેરીને કાર્ય કરનારો, નગ્ન દશામાં રહેલી સ્ત્રીને જોનારો, ન ખાવા યોગ્ય એવા અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરનારો જે પાપથી લિપ્ત થાય તેમ જ શ્રીહરિની કથા થતી હોય તેમાં વિઘ્ન કરવાથી જે પાપ લાગે તે જ પાપ હું ખોટું બોલતી હોઉં તો મને લાગે.
રાક્ષસીનાં વચનોમાં એનું જ્ઞાન છતું થયું, જ્યારે સાવિત્રીના પ્રશ્નોમાં એની જ્ઞાનપિપાસા ઝલકતી હતી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં સાવિત્રીએ યમરાજને મનુષ્યનાં શુભ-અશુભ કર્મો, મૃત્યુ પછીની ગતિ, સ્વર્ગ-નરકની પ્રાપ્તિ, કર્મથી મુક્તિ અને કર્મથી ભગવાનની ભક્તિ, રોગીને નીરોગી રાખતાં કર્મો, દીર્ઘજીવીને અલ્પાયુ કરતાં કર્મો, સુખી અને દુઃખી કરતાં કર્મો, અંગહીન, કાણો, બહેરો, આંધળો, કૂપણ અને પાગલ કરતાં કર્મો, લોભી, વ્યાધ અને નરઘાતી કરતાં કર્મો, બ્રાહ્મણ અને તપસ્વી બનાવતાં કર્મો, વૈકુંઠ અને ગોલોકની પ્રાપ્તિ કરાવતાં કર્મો તથા કયા કર્મથી સ્વર્ગના ભોગ મળે છે એ અંગે સવાલો કર્યા હતા. ઉપરાંત નરકના પ્રકાર, તેમની સંખ્યા અને નામ તથા કયો જીવ નરકમાં જાય છે ને નરકમાં કેટલા દિવસ રહે છે એ અંગે પણ પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નોમાં સાવિત્રીનું શાસ્ત્રજ્ઞાન વ્યક્ત થતું હતું.
એ જ રીતે શચીનાં વચનોમાં ગુરુ અંગેનું જ્ઞાન ઝળકતું હતું. શચીએ બૃહસ્પતિ સમક્ષ આ શબ્દોમાં ગુરુમહિમા કર્યોઃ
સર્વેષાં ચ ગુરુણાં ચ જન્મદાતા પરો ગુરુઃ ૤
પિતુઃ શતગુણા માતા પૂજ્ય વન્દ્યા ગરીયસી ૤૤
વિદ્યાદાતા મન્ત્રદાતા જ્ઞાનદો હરિભક્તિદઃ ૤
પૂજ્યો વન્દ્યશ્ચ સેવ્યશ્વ પાતુઃ શતગુણો ગુરુઃ ૤૤
એટલે કે બધા ગુરુજનોમાં જન્મદાતા પિતા મહાન ગુરુ છે અને પિતાથી સો ગણી અધિક માતા પૂજ્યા, વંદનીયા એવં ગૌરવશાલિની છે, તથા માતાથી સોગણી અધિક વિદ્યાદાતા, મંત્રદાતા, જ્ઞાનદાતા એવં ભગવાનને ભક્તિ દેનારા ગુરુ પૂજ્ય, વંદનીય અને સુસેવ્ય છે. બુધ લોકો મંત્ર આદિને પોતાના મુખમાંથી કાઢીને શિષ્યના હૃદયમાં પ્રવિષ્ટ કરાવવાના કારણે જ તેને ગુરુ કહે છે. જન્મદાતા, અન્નદાતા તથા અન્ય પ્રકારના ગુરુ આ ઘોર સંસારમાંથી પાર કરાવવામાં સમર્થ હોતા નથી. માત્ર વિદ્યા, મંત્ર અને જ્ઞાનદાતા ગુરુ જ પાર કરાવવાના કર્મમાં નિપુણ હોય છે. શિષ્યનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. એ જ ઈશ્વર એવં ઈશ્વરથી પણ વધીને છે.
ન ગુરોશ્ચ પ્રિયશ્ચાઽઽત્મા ન ગુરોશ્ચ પ્રિયઃ સુતઃ ૤
ધનં-પ્રિયં ચ ન ગુરોર્નં ચ ભાર્યા પ્રિયા તથા ૤૤
ન ગુરોશ્ચ પ્રિયો ધર્મો ન ગુરોશ્ચ પ્રિયં તપઃ ૤
ન ગુરોશ્ચ પ્રિયં સત્યં ન પુણ્યં ન ગુરોઃ પરમ્ ૤૤
અર્થાત્ ગુરુથી વધીને ન તો આત્મા પ્રિય છે, ન તો પુત્ર પ્રિય છે ન ધન પ્રિય છે અને ન સ્ત્રી પણ પ્રિય છે. ગુરુથી વધીને ન તો ધર્મ પ્રિય છે, ન તપ પ્રિય છે, ન સત્ય પ્રિય છે અને ન ગુરુથી વધીને કોઈ પુણ્ય છે. ગુરુથી વધીને કોઈ શાસક નથી અને ગુરુથી વધીને કોઈ બંધુ પણ નથી. શિષ્યો માટે ગુરુ સદા દેવતા, રાજા અને શાસક છે.
શચીએ ગુરુમહિમા કર્યો, જ્યારે સતીએ ઋતુમહિમા કર્યો. વામનપુરાણમાં સતીએ વર્ષાઋતુનું આ શબ્દોમાં સુંદર વર્ણન કર્યુંઃ ‘આ વર્ષાઋતુમાં પવન સખત વાય છે. આ મેઘો હૃદયને ફાડી નાખે એવી ગર્જનાઓ કરે છે. કાળાં વાદળાંમાં વીજળીઓ મકારા કરી રહી છે. મયૂરો કેકારવ કરી રહ્યા છે. આકાશમાંથી પાણીની ધારાઓ પડી રહી છે. બગપંક્તિઓ મેઘરાજને આવકાર આપે છે. કદંબ, શાલવૃક્ષ, અર્જુનવૃક્ષ અને કેતકીનાં ફૂલો વાયુના વેગથી ખરી રહ્યાં છે. મેઘની ભારે ગર્જનાઓ સાંભળી તળાવો હવે ગંદા પાણીથી છલકાઈ જશે એમ જાણી હંસો તેમનો ત્યાગ કરી રહ્યા છે. આ વિધાનો પરથી પુરવાર થાય છે કે સતી પ્રકૃતિ અંગેનું જ્ઞાન ધરાવતા હતા. એ જ રીતે પાર્વતી વૃક્ષનું મહત્ત્વ જાણતાં હતાં. મત્સ્ય મહાપુરાણમાં પાર્વતીએ વૃક્ષ-માહાત્મ્ય કરતાં કહ્યુંઃ દસ કૂવા સમાન પુણ્ય આપનારી એક વાવ છે. દસ વાવ સમાન ફળ આપનાર એક સરોવર છે. દસ સરોવર સમાન એક પુત્ર છે અને દસ પુત્ર સમાન એક વૃક્ષ છે! એ જ પ્રમાણે સ્કંદ મહાપુરાણમાં ભાનુમતી ફૂલની જાણકાર હતી. એણે કહ્યુંઃ ચાર પ્રકારનાં ફૂલ હોય છે. જંગલમાંથી લાવેલા, બગીચામાંથી લાવેલા, પૈસા દઈને ખરીદેલા અને દાનમાં મળેલા. જંગલમાંથી લાવેલાં ફૂલનું ફળ ઉત્તમ હોય છે. બગીચામાંથી તોડેલા ફૂલનું ફળ મધ્યમ હોય છે. ખરીદેલું ફૂલ નિકૃષ્ટ છે, પણ દાનમાં મળેલું ફૂલ તો નિષ્ફળ છે!
આટઆટલાં ઉદાહરણો પરથી એક જ વાત સ્પષ્ટ થાય છેઃ પુરાણોમાં કન્યાકેળવણી તેના સર્વોચ્ચ શિખરે હતી! (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.