પુરાણકાળમાં પુત્રીના વિવિધ સંસ્કાર પુત્રની જેમ જ કરાતા હતા

0
918

(ગતાંકથી ચાલુ)
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કાન્યકુબ્જ દેશના રાજા ભનન્દનને યજ્ઞકુંડમાંથી કન્યા પ્રાપ્ત થઈ હતી. ભનન્દને તેને ખોળામાં લીધી. પછી હર્ષથી રાણી કલાવતીને આપી. કલાવતીએ તેનું પ્રેમથી પાલનપોષણ ર્ક્યું. તેના અન્નપ્રાશન અને નામકરણના દિવસે રાજા સભાજનો વચ્ચે બેઠા હતા ત્યારે આકાશવાણી થઈ કે આ કન્યાનું નામ કલાવતી રાખો. રાજાએ એ જ નામ રાખ્યું. ભનન્દનની જેમ કેદાર રાજાએ પણ યજ્ઞકુંડમાંથી જ પુત્રી પ્રાપ્ત કરી હતી. રાજાએ ભક્તિપૂર્વક તેની પૂજા કરી. પછી પુત્રી પત્નીને સમર્પિત કરી. એ વૃંદા નામે પ્રસિદ્ધ થઈ. સ્કંદ મહાપુરાણમાં મિત્રવર્મા રાજાના પુત્ર આકાશે યજ્ઞ કરાવવા માટે નદીકિનારે ભૂમિશોધન કરાવ્યું. સોનાના હળથી ખેડાતી ધરતીમાંથી તે સમયે એક કન્યા પ્રગટ થઈ. તે કમળદળ પર સૂતી હતી અને સોનાની પૂતળી જેવી સુંદર હતી. રાજાએ આશ્ચર્ય પામીને તેને ખોળામાં લીધી. પછી ખુશીના માર્યા ‘આ મારી પુત્રી છે’ એમ બોલવા લાગ્યા. એવામાં આકાશવાણી થઈઃ ‘હે રાજન, આ તમારી જ પુત્રી છે. તમે એનું પાલનપોષણ કરો…’ રાજા પ્રસન્ન થયા. તેમણે એ કન્યા રાણીને આપીને કહ્યુંઃ ‘આપણને સંતાન નથી. તેથી આ આપણી પુત્રી છે.’ એ કન્યા પદ્મિની તરીકે જાણીતી થઈ.

દેવી ભાગવત પુરાણમાં પણ આ પ્રકારની કથા જોવા મળે છે. આ પુરાણમાં માતાપિતા કન્યાપ્રાપ્તિ માટે યજ્ઞ કરતાં. એ વિશે લજ્જાવતીએ ‘દેવી ભાગવત પુરાણ મેં નારી કી સ્થિતિ’માં નોંધ્યું છે કે, ‘રાજા રૈભ્ય અને તેમની રાણીએ યજ્ઞ કર્યો હતો. તેમાંથી કન્યા ઉત્પન્ન થઈ. તેનું નામ અકાવલી રાખવામાં આવ્યું હતું.’

પૌરાણિક કાળમાં પુત્રીપ્રાપ્તિ માટે આ પ્રકારે યજ્ઞ કરવાનાં ઉદાહરણે ઠેકઠેકાણે જોવા મળે છે, પણ અપવાદરૂપે કન્યા દત્તક લેવાનું દષ્ટાંત પણ સાંપડે છે. વિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે દશરથ રાજાએ પોતાના નિઃસંતાન મિત્ર ચિત્રરથ ઉર્ફે રોમપાદને પોતાની શાંતા નામની કન્યા દત્તક આપી હતી.

આ પ્રકારે અથવા બીજી કોઈ પણ રીતે કન્યા પ્રાપ્ત કર્યા પછી તેનો આનંદ અને ઉત્સવ મનાવવામાં આવતો. શિવ મહાપુરાણમાં વીરિણીની કૂખે સતીનો જન્મ થતાં જ ચારેકોર ખુશાલીનું વાતાવરણ સર્જાયું હતું. ગીત અને વાજિંત્રોનો ઉત્સવ થયો હતો. દક્ષે વેદના તથા કુળના આચારવિધિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દીધાં. બીજાઓને પણ ધન આપ્યું. સર્વત્ર ગીતો તથા નૃત્ય થઈ રહ્યાં. મંગળ વાજાં વાગવા લાગ્યાં. વિષ્ણુ અને અન્ય દેવોએ પોતાના અનુચરો તથા મુનિગણો સાથે આવીને વિધિ પ્રમાણે ઉત્સવ કર્યો. દેવોએ સતીને નમસ્કાર કર્યા. ઉત્તમ સ્તોત્રોથી તેમની સ્તુતિ કરી તથા આનંદિત થઈને જયજયકાર કર્યો.
સતીના જન્મોત્સવની જેમ જ પાર્વતીના જન્મનો ઉત્સવ પણ મનાવાયો હતો. પદ્મપુરાણની નોંધ પ્રમાણે, મેનાએ ઉત્તમ બ્રાહ્મમુહૂર્તમાં પુત્રી પાર્વતીને જન્મ આપ્યો ત્યારે જ્યોતિઓનું તેજ વધી ગયું. આકાશ નિર્મળ થયું. વનની ઔષધિઓ સ્વાદિષ્ટ ફળો તેમ જ સુગંધી ફૂલ આપવા માંડી. દિશાઓ મનોહર જણાવા લાગી. પૃથ્વી ઋતુ અનુસાર ફળો ઉત્પન્ન કરનારી થઈ. ભૂમિ ઉજ્જવળ બની. તીર્થોનો પ્રભાવ પુણ્યકારી બન્યો. વરુણ, વાયુ અને અગ્નિ જેવા દેવો હિમાલય પર્વત પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વો ગીતો ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. એ કાળે હિમાલય પર્વતોમાં ઉત્તમ બન્યો. દેવો પાર્વતીના જન્મોત્સવનો આનંદ માણીને પોતપોતાના સ્થાને ગયા. શિવ મહાપુરાણમાં પણ પાર્વતીના જન્મ સમયે થયેલા ઉત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મુજબ વસંત ઋતુમાં, ચૈત્ર મહિનામાં નોમની તિથિએ, મૃગશીર્ષ નક્ષત્રમાં, અડધી રાત્રે પાર્વતી પ્રગટ થયાં. તેમણે મેનાની કૂખે જન્મ લીધો. અંતઃપુરમાં રહેતા દાસીવર્ગે હિમાલયને પુત્રજન્મના સમાચાર આપ્યા. આ શુભ સમાચાર આપનારને હિમાલય રાજછત્ર સિવાય બધું જ ઇનામમાં આપી દેવા તૈયાર હતો. હિમાલય પુરોહિતો અને બ્રાહ્મણો સાથે પ્રેમથી પુત્રી પાસે ગયો. ઉત્તમ કાંતિથી શોભતી પુત્રીને જોઈ. કાળા કમળની પાંખડી જેવી કાળી, સુંદર ચમકતી અને અતિશય સુંદર કન્યાને જોઈને પર્વતરાજ હિમાલય અત્યંત ખુશ થયો. તે વેળા મોટો ઉત્સવ થયો. વાજાં વાગવા લાગ્યાં. મંગળગીતો ગવાઈ રહ્યાં. ગણિકાઓ નાચવા લાગી. હિમાલયે બાલિકાના જન્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન દીધાં. ભિક્ષુકોને દ્રવ્યદાન દીધાં. પછી શુભ મુહૂર્તમાં પુત્રીનું નામ ‘કાલી’ પાડ્યું. એ વખતે પણ બ્રાહ્મણોને પુષ્કળ દાન દીધાં. જાતજાતના ઉત્સવ કરાવ્યા. હિમાલય પત્ની સાથે વારંવાર કાલીને જોતો હતો અને પોતાના ઘણા પુત્રો હતા છતાં પુત્રીને જોઈને આનંદ પામતો હતો.

હિમાલયની જેમ જ સાધુ નામનો વાણિયો પણ પુત્રીને જોઈને ખૂબ ખુશ થતો હતો. ભવિષ્ય પુરાણના સાધુએ પુત્રીજન્મની ખુશાલીમાં ધનનું દાન કર્યું. વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવીને કન્યાના જાતકર્મ આદિ મંગળ સંસ્કાર કર્યા. બાલિકાની જન્મકુંડળી બનાવી અને પુત્રીનું નામ કલાવતી પાડ્યું. એ જ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં યજ્ઞકુંડમાંથી કલાવતી નામની પુત્રી પ્રાપ્ત કરનાર રાજા ભનન્દને બ્રાહ્મણો, ભિક્ષુકો અને બંદીજનોને ધન આપ્યું તથા સૌને ભોજન કરાવ્યું. દેવી ભાગવત પુરાણમાં રાજા રૈભ્યને યજ્ઞકુંડમાંથી અકાવલી નામની પુત્રી પ્રાપ્ત થઈ ત્યારે નૃત્યગાન તથા ઉત્સવનું આયોજન કરાયું હતું. તેના વિવિધ સંસ્કાર પણ પુત્રની જેમ કરાયા હતા. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.