પુરાણકાળની કેટલીક કન્યાઓ ચોસઠે કળાઓમાં પારંગત હતી

0
840

(ગતાંકથી ચાલુ)
પદ્મપુરાણની જરાની જેમ સુનીથા પણ ગીત ગાવામાં નિપુણ હતી. તે મેરુ પર્વતના શિખર પર હીંચકા ખાતી ખાતી વીણાના તાલ સાથે વિશ્વને મોહ પમાડે તેવું ઉત્તમ ગીત ગાતી હતી. એ જ રીતે અશ્રુબિંદુમતી એક હાથમાં વીણા રાખીને બીજા હાથે વગાડી રહી હતી. વળી તાલના પ્રમાણ તથા લય સાથે ઉત્તમ ગીતને સુંદર સ્વરે તે ગાતી હતી. એ ગીતના પ્રભાવથી દેવોને, દૈત્યોને, ગંધર્વોને, કિન્નરોને અને મુનિઓને મોહ પમાડી રહી હતી. આ જ પુરાણમાં ચિત્રસેન ગંધર્વની પુત્રી પુષ્પવંતી પણ ગીત ગાવામાં નિપુણ હતી.
પૌરાણિક કન્યાઓ ગાયનની સાથે વાદનમાં પણ કુશળ હતી. પદ્મપુરાણની નોંધ પ્રમાણે, ગૌતમના ઘરમાં સ્ત્રીઓ વાજિંત્રો વગાડતી. વીણા, વાંસળી તથા ભેરી વગાડતી. ઘરની ચારે દિશામાં તેઓ એક જ સમયે નૃત્યગીત કરતી અને વાજિંત્રો વગાડતી. મંજુઘોષા અપ્સરા પણ ગાયન ને વાદન કરતી. એ ગીત ગાતી ને વીણા વગાડતી. સુલોચના ગાયન, વાદન ને નૃત્ય દ્વારા ભગવાનની આરાધના કરતી. મોહિની નૃત્યગીતમાં નિપુણ હતી. એ જ રીતે પ્રમોદિની, સુશીલા, સુસ્વરા, સુતારા અને ચંદ્રિકા નામની ગંધર્વકન્યા ગાયન, વાદન ને નૃત્યમાં નિષ્ણાત હતી. એ પાંચેય ગાનના સ્વર, વિવિધ મૂર્છના તાલ તેમ જ વીણાવાદનમાં તથા મૃદંગના નાદ સાથે લાસ્ય વગેરે નૃત્યમાં પારંગત હતી.
પદ્મપુરાણની જેમ અન્ય પુરાણોમાં પણ કન્યાઓ ગાયન – વાદન ને નૃત્યમાં નિપુણ હતી. શિવ મહાપુરાણમાં સતી ઉત્તમ ગીતો ગાતાં. અપ્સરાઓ વીણા, સિતાર, નરઘાં અને ઢોલના અવાજો સાથે નૃત્ય કરતી. આ જ પુરાણમાં વિશ્વાનરની પત્ની શુચિષ્મતીએ પુત્ર ગૃહપતિને જન્મ આપ્યો ત્યારે વિદ્યાધર સ્ત્રીઓ, કિન્નર સ્ત્રીઓ, હજારો દેવાંગનાઓ અને ગંધર્વોની, સર્પોની તથા યક્ષોની સ્ત્રીઓ પણ ઉત્તમ સ્વરે મંગળ ગીતો ગાતી આવી હતી. નંદિગ્રામમાં પ્રસિદ્ધ મહાનંદા નામની વેશ્યા સંગીતની સર્વ વિદ્યાઓમાં હોશિયાર હતી. તેના ગાયનથી રાજારાણી ખુશ થતાં. એ શિવનો ઉત્તમ યશ ગાતી અને પરમ ભક્તિથી નૃત્ય કરતી. એક માંકડાને તથા કૂકડાને રુદ્રાક્ષથી શણગારી હાથની તાળીઓના તાલે ગીતો ગાતી ને નૃત્ય કરતી. ઉપરાંત મૃદંગ, તાલ, ગીત આદિમાં તથા વીણા વગાડવામાં હોશિયાર હોય એવી સ્ત્રીઓનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
એ જ રીતે નારદ મહાપુરાણમાં પણ નૃત્યવાદન કરતી સ્ત્રીઓના ઉલ્લેખ જોવા મળે છે. રાણી સત્યમતી વિષ્ણુમંદિરમાં સદા પવિત્રતાપૂર્વક નૃત્ય કરતી ને કર્ણમધુર વાદ્યો વગાડતી. આ જ પુરાણમાં મોહિની સંગીતગાન દ્વારા શંકરનું પૂજન કરતી. માર્કંડેય પુરાણમાં દુર્વાસા ઋષિને મોહિત કરવા વપુ નામની અપ્સરાએ કોયલ જેવા મધુર સ્વરે ગાન કર્યું હતું. એ જ રીતે વરુથિની અપ્સરાએ વીણાવાદન કરી સુંદર સંગીત સંભળાવ્યું હતું. વામનપુરાણમાં ચિત્રાંગદા અને દમયંતીએ શિવાલયમાં ગાન કર્યું. કૂર્મપુરાણની ભ્રાન્તલોચના ગાવામાં નિપુણ હતી. તેણે પુત્ર શોભન અને પુત્રી હૃીમતીને બાલ્યાવસ્થામાં જ ગાનવિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. હરિવંશ મહાપુરાણમાં બ્રહ્મદત્તની પાંચસો પત્નીઓ દુર્વાસાના વરદાનને કારણે સંગીત અને નૃત્યની પૂરેપૂરી જાણકાર હતી.
આ સંગીત અને નૃત્યને ચોસઠ કળામાં સ્થાન મળ્યું હતું. પુરાણકાળની કેટલીક કન્યાઓ ગાયનવાદન ને નૃત્ય જેવી કળાઓમાં તો કેટલીક અન્ય કળાઓમાં પારંગત હતી, પણ અપવાદરૂપે કેટલીક કન્યાઓ ચોસઠે કળામાં નિષ્ણાત હતી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કલાવતી, વરાહ મહાપુરાણમાં ચંદ્રપુર નગરની રાજપુત્રી અને અન્ય રાજકન્યા ચોસઠ કળાથી યુક્ત હતી. શ્રીમદ્ ભાગવત પુરાણમાં શૈવતંત્રને ટાંકીને આ ચોસઠ કળાનું વર્ણન કરવામાં આવ્યું છેઃ
(1) ગાયનકળા (2) વાદ્યકળા (3) નૃત્યકળા (4) નાટ્યકળા (5) પુસ્તકો વગેરેની લેખનકળા અથવા ચિત્રકળા (6) કાગળ વગેરેમાંથી ઝાડ, ચાંદલા વગેરે કોતરવા તે વિશેષ કચ્છેદ્યકળા (7) ચોખાના કે પુષ્પોના સાથિયા વગેરે જુદા જુદા આકારો કરવા તે તંદુલકુસુમબલિકળા (8) શૈયા વગેરેમાં પુષ્પો પાથરવાં અથવા પુષ્પોના ઓછાડ બનાવવાં તે પુષ્પાસ્તરણકળા (9) દાંત, કપડાં વગેરે પર રંગ ચડાવવાની તથા શરીર પર કેસર વગેરેના રંગ લગાવવાની દશનવસનાંગરાગકળા (10) ઘરોમાં કે મંદિરોમાં મણિઓ જડવાની રીત કે જેથી દીવાઓ વિના પણ પ્રકાશ રહ્યા કરે તે મણિભૂમિકાકર્મકળા (11) સૂવાની સગવડ કેમ કરવી તે શયનરચનકળા (12) જળતરંગ વગેરે જળનાં વાજિંત્રો તથા જળમાં તરવું-પડવું વગેરે જાણવું તે ઉદકવાદ્ય અથવા ઉદકઘાતકળા (13) જાતજાતના અક્ષરો લખવા અથવા અનેક જાતના ચમત્કારો કરવા તે ચિત્રયોગકળા (14) અનેક રીતે ફૂલો ગૂંથી જાણવા તે માલ્યગ્રંથન – વિકલ્પકળા (15) મસ્તક માટે અનેક જાતની પાઘડીઓ બાંધી જાણવી અથવા ફૂલો વગેરેની ટોપીઓ ગૂંથી જાણવી તે શેખરાપીડયોજનકળા (16) તરેહ તરેહના અલંકાર – શણગાર વગેરે ધારણ કરી જાણવા તે નેપથ્યયોગકળા (17) કાનમાં પહેરવા માટે પુષ્પો કે કમળપત્રો વગેરેનાં આભૂષણો કરી જાણવાં તે કર્ણપત્રભંગકળા (18) અત્તરો વગેરે જાતજાતના સુગંધી પદાર્થો બનાવી જાણવા તે સુગંધયુક્તિકળા (19) જાતજાતના દાગીના કરી જાણવા તે ભૂષણયોજનકળા (20) જાદુ તથા નજરબંધી વગેરે ઇન્દ્રકળા (21) કૂચુમાર નામના આચાર્યે દર્શાવેલી બહુરૂપ કરી દેખાડનારી રીત કે અંગસંકોચ વગેરે કરી જાણવું તે કૌચુમારયગકળા (22) હાથચાલાકી કરી જાણવી તે હસ્તલાઘવકળા (23) જાતજાતનાં શાક તથા માલપૂડા વગેરે ખાવાના પદાર્થો કરી જાણવા તે ચિત્રશાકાપૂપભક્ષ્યવિકારક્રિયાકળા (24) જાતજાતનાં શરબતો, આસવો તથા મદિરા બનાવી જાણવાં તે પાનકરસરાગાસવયોજનકળા (25) સીવવું, ગૂંથવું, ભરતકામ વગેરે જાણવું તે સૂચિવાક્યકર્મકળા (26) દોરીસંચાર કરી પૂતળી વગેરે નચાવી જાણવી તે સૂત્રક્રીડાકળા (27) વીણા, ડમરુ વગેરે વાજિંત્રો બનાવી જાણવાં તે વીણાડમરુવાદ્યકળા (28) દ્વિઅર્થી વાક્યોવાળાં ગદ્ય-પદ્યો અથવા પરોલીની આવડત હોય તે પ્રહેલિકાકળા (29) સંસ્કૃતના અભ્યાસીઓ સામસામા અંત્યાક્ષરીથી વાદ કરે છે. જેવી રીતે પ્રથમ એક જણ એક શ્લોકનો આરંભ કરે તે શ્લોકમાં જે અક્ષર છેલ્લો આવે તે અક્ષરથી શરૂ થતો કોઈ શ્લોક પાછો પહેલો માણસ બોલે અથવા કોઈ વાર પહેલો અને છેલ્લો બન્ને અક્ષરો સરખા આવે તેમ સંપુટ કરીને સામસામા શ્લોકો બોલે અને તેમાં જેની પાસે તેવા શ્લોકો ખૂટી પડે તે હાર્યો ગણાય તે પ્રતિમાલાકળા (3) વાંચવાં કઠણ થઈ પડે તેવાં વાક્યો બોલી જાણવાં કે વાંચી જાણવાં અથવા જેનું વારંવાર કે જલદીથી ઉચ્ચારણ કરતાં ગરબડ થઈ જાય તેવાં વાક્યો સારી રીતે બોલવાની દુર્વાચક્રપ્રયોગકળા (31) વચ્ચે પડેલા અક્ષરો જોડી અટક્યા વિના ઉતાવળે પુસ્તકો વાંચી જાણવાં તે પુસ્તકવાચનકળા (32) નાટકો તથા આખ્યાયિકાઓ રચી બચાવવાં તે નાટકાખ્યાયિકા દર્શનકળા (33) કોઈએ સમસ્યારૂપે આપેલી કવિતાની કોઈ અધૂરી પંક્તિને પોતે નવી બનાવી પૂર્ણ કરવી તે કાવ્યસમસ્યાપૂર્ણકળા (34) પાટી તથા નેતરને જુદી જુદી રીતે ભરી જાણવાં તે પટ્ટિકાવેત્રવાન વિકલ્પકળા (35) સૂતર કાંતી જાણવું, ત્રાકડી ઉપર ચડાવી સોનેરી તાર વગેરે વીંટી જાણવા તે તર્કુકર્મકળા (36) સુથારીકામ કરી જાણવું તે તક્ષણકળા. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.