‘પુત્ર ને ત્યાં સુધી જ લાડ લડાવવાં જોઈએ, જ્યાં સુધી એ પાંચ વર્ષની ઉંમરનો થાય’

0
1059

(ગતાંકથી ચાલુ)
આ પાપીઓને મૃત્યુ પછી કેવાં મહાદુઃખ વેઠવાં પડે છે અને તેમની કેવી અધોગતિ થાય છે એ વિશે સુમનાએ સોમશર્માને કહ્યુંઃ યમદેવનો માર્ગ ધગધગતા અંગારાઓથી વ્યાપ્ત હોય છે. એ માર્ગ પર એ પાપીને યમદૂતો ઘસડીને લઈ જાય છે. એ વેળા એ દુષ્ટાત્મા બળવાને કારણે તરફડે છે. એ યમલોકનો માર્ગ કોઈક સ્થળે બારે સૂર્યના મહાતીવ્ર તાપ વડે તપી રહ્યો હોય છે. કોઈક સ્થળે દુર્ગમ પહાડો રહેલા હોય છે. એ રસ્તે લઈ જવાતો પાપી ભૂખ અને તરસનાં દુઃખ વડે પીડાય છે. એ પાપીને યમદૂતો ગદાઓ, તલવારો અને ચાબુકો વડે મારા માર્યા કરે છે. આગળ જતાં યમલોકનો માર્ગ બરફથી છવાયેલો હોય છે. આ રસ્તે થઈને યમદૂતો પાપીને યમદેવ પાસે લઈ જાય છે. એ પાપી કાળા આંજણના ઢગલા જેવા યમદેવનું દર્શન કરે છે. યમદેવની સામે તેમનો મુખ્ય પ્રધાન ચિત્રગુપ્ત પણ હાજર હોય છે. યમરાજા એક પાડા ઉપર બેઠેલા હોય છે. તેમનું મોઢું દાઢોથી વિકરાળ અને ઉગ્ર હોય છે. કાળ જેવું ભયાનક હોય છે. યમદેવ પીળાં વસ્ત્ર પહેરે છે. હાથમાં ગદા ધારણ કરે છે. રાતાં પુષ્પોની માળાથી શોભે છે. હાથમાં ગદા હોવાના કારણે ભયંકર ભાસે છે. એવા યમદેવ પાપીને શિક્ષા કરાવે છે. હજારો યુગો સુધી અનેક પ્રકારનાં નરકમાં તે પાપીને વારંવાર પકવવામાં આવે છે. પછી એ કરોડો કીડાઓની યોનિને પામે છે. પછી કૂતરા, વાઘ, ગધેડા, બિલાડા, ભૂંડ, સર્પ અને પશુપક્ષીની યોનિમાં જન્મે છે. પછી ચંડાળની, ભીલની તથા પુલિન્દી નામની જાતિમાં પણ જન્મે છે.
આમ સુમના ધર્મ-અધર્મ અને પાપ-પુણ્ય વિશે અગાધ જ્ઞાન ધરાવતી હતી. એ જ જ્ઞાન એણે એના પતિ સોમશર્માને પણ આપ્યું.
એ જ રીતે સુદેવાની માતાએ પોતાના પતિ વસુદત્તને જ્ઞાન આપ્યું. પદ્મપુરાણની આ સ્ત્રીએ વસુદત્તને બાળઉછેર, લાડકોડ અને સંસાર અંગેનું દુન્યવી જ્ઞાન આપ્યું. વાસુદત્તે સુદેવાનાં લગ્ન શિવશર્મા સાથે કર્યાં. પણ સુદેવા પ્રત્યેના મોહને કારણે શિવશર્માને ઘરજમાઈ બનાવ્યા. સુદેવા લાડકી દીકરી હોવાને કારણે મોઢે ચડાવેલી હતી. એનાથી કંટાળીને શિવશર્મા ઘર છોડીને ચાલ્યો ગયો. એ વખતે સુદેવાની માતાએ વાસુદત્તને વ્યાવહારિક જ્ઞાન આપ્યુંઃ
પુત્રને ત્યાં જ સુધી જ લાડ લડાવવાં જોઈએ જ્યાં સુધી તે પાંચ વર્ષની ઉંમરનો થાય. પછી તો તેને શિક્ષણ આપવાની બુદ્ધિથી અને તે જ મોહથી પોષવો જોઈએ. સ્નાન, આચ્છાદન, કપડાં, ભોજન, દૂધ વગેરે પૂરાં પાડી તે પુત્રને પોષવો જોઈએ એમાં સંશય નથી, પણ સાથે જ એ પુત્રને હંમેશાં ગુણોમાં તથા ઉત્તમ વિદ્યાઓમાં પણ જોડ્યા કરવો જોઈએ. એકંદર ગુણોનું શિક્ષણ આપવામાં પિતાએ પુત્ર ઉપરના મોહથી રહિત જ થવું જોઈએ. કેવળ એ પુત્રના પાલન તથા પોષણ માટે જ તે પુત્ર પર પિતાનો મોહ હોવો જોઈએ. પણ ગુણ, શિક્ષણ તથા વિદ્યા ભણાવવા માટે તો મોહરહિત જ થવું જોઈએ. પોતાનો પુત્ર ગુણવાન છે એમ તો પિતાએ પુત્ર સમક્ષ કદી ન બોલવું જોઈએ, પણ હંમેશાં તેની નિંદા કરવી જોઈએ તેમ જ પુત્ર સમક્ષ કઠોરતા દર્શાવીને જ પિતાએ બોલવું અને વચનો દ્વારા તે પુત્રને સુધારવા માટે પીડવો જોઈએ, જેથી તે પુત્ર જ્ઞાન માટે તત્પર બની ઉત્તમ વિદ્યા મેળવે. જો પુત્ર અભિમાન કરે તો અમુક બહાનું કાઢીને પણ તે પાપ દૂર થાય એવું કરવું જોઈએ. એમ પિતાના વર્તવાથી પુત્ર હોશિયાર થાય છે તેમ જ વિદ્યાઓમાં અને ગુણોમાં પણ ચતુર થાય છે.
એ જ પ્રમાણે માતાએ પણ કન્યાને મારવી જોઈએ. સાસુએ વહુને અને ગુરુએ શિષ્યને મારવો જોઈએ. અન્યથા કન્યા, વહુ કે શિષ્ય સુધરે જ નહિ. એ જ પ્રમાણે પતિએ પત્નીને સુધારવા મારવી જોઈએ. એ રીતે જ રાજાએ પોતાના પ્રધાનને શિક્ષા કરવી જોઈએ. ઘોડેસવારે પોતાના ઘોડાને મારવો જોઈએ. હાથીને વશમાં રાખવા તેને મહાવતે મારવો જોઈએ. એમ તેમને શિક્ષણ આપવાની બુદ્ધિથી માર મારવાથી અને સાથે જ તેમના પાલનથી તેઓ સુધરે છે.
એ જ રીતે કન્યાને આઠ વર્ષની ઉંમર સુધી ઘરમાં રાખવી જોઈએ. પછી તેને પરણાવી દેવી. ઘરમાં કદી રાખવી જ ન જોઈએ, કારણ કે પિતાના ઘરમાં રહેલી પુત્રી જે પાપ કરે છે તે પાપને તે પુત્રી, જમાઈ તથા તેનાં માબાપ બધાંય એકસાથે જ ભોગવે છે. એ કારણે સમર્થ થયેલી પુત્રીને તેનાં માતાપિતાએ પોતાના ઘરમાં રાખવી ન જોઈએ, પણ જેની સાથે તે પુત્રી પરણાવી દીધી હોય તો જ પોતાના પતિને ભક્તિપૂર્વક વશ કરી શકે છે. એથી તે પુત્રીના પિતાના પતિને ઘેર રહી હોય તો જ પોતાના પતિને ભક્તિપૂર્વક વશ કરી શકે છે. એથી તે પુત્રીના પિતાના તથા સસરાના કુળની કીર્તિ થાય છે. સાસરિયાંમાં રહીને તે સ્ત્રી હંમેશાં સદાચારી રહીને પુત્રો તથા પૌત્રોની સાથે વધ્યા કરે છે. પુત્રીનો પિતા એ સદ્ગુણોને લીધે કીર્તિ મેળવે છે. એથી માતાપિતાએ પુત્રીને તેના પતિની સાથે પોતાને ઘેર કદી પણ ન રાખવી જોઈએ.
આ વચનો પરથી પુરવાર થાય છે કે પૌરાણિક પત્ની જરૂર પડ્યે પોતાના પતિને પણ બોધ આપી શકતી હતી!
એટલે જ તો રાણી મધ્યંતીએ પોતાના પતિ રાજા મિત્રસહને બોધવચનો કહ્યાં હતાં. નારદ મહાપુરાણમાં રાજા મિત્રસહને એક વાર વસિષ્ઠ ઋષિએ શાપ આપ્યો. એ વખતે રાજા સામો શાપ આપવા તૈયાર થયો. ત્યારે મધ્યંતીએ પતિને બોધ આપતાં કહ્યુંઃ ‘તમે કોપ ન કરશો. તમારે જે કર્મનું ફળ ભોગવવાનું હતું તે તમને પ્રાપ્ત થયું છે. જે મૂઢ માણસ ગુરુની સાથે તુંકારથી વાત કરે છે તે નિર્જન વનમાં બ્રહ્મરાક્ષસ થાય છે. જે માણસો ઇન્દ્રિયો અને ક્રોધને વશમાં રાખીને ગુરુની સેવામાં તત્પર રહે છે તે બ્રહ્મલોકમાં જાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. આ કથન પરથી સ્પષ્ટ થાય છે કે મધ્યંતી શાસ્ત્રજ્ઞાન ધરાવતી હતી.
એ જ રીતે સંધ્યાવલી પણ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતી હતી. એણે પોતાના પતિ રાજા રુકમાંગદને અહિંસા અંગે જ્ઞાન આપ્યું હતું. વૈદિશ નગરના રાજા રુકમાંગદે જંગલી પશુઓને મારવા વનમાં જવાની વાત કરી ત્યારે સંધ્યાવલીએ ઉપદેશ કર્યોઃ રાજન, મૃગોની હિંસાનો ત્યાગ કરીને યજ્ઞો દ્વારા ભગવાન જર્નાદનની આરાધનો કરો અને ભોગોની અભિલાષા છોડી દઈ દેવનદી ગંગાનું સેવન કરો. આપના માટે હવે આ જ ન્યાયોચિત કર્તવ્ય છે. મૃગોના પ્રાણ હરવા ન્યાયયુક્ત નથી. પુરાણોમાં કહ્યું છે કે અહિંસા પરમ ધર્મ છે. જે હિંસામાં પ્રવૃત્ત થાય છે તેનો સર્વ ધર્મ વ્યર્થ થઈ જાય છે. વિદ્વાનોએ જીવહિંસા છ પ્રકારની કહી છે. પ્રથમ હિંસક એ છે, જે હિંસા કરવા માટે અનુમોદન આપે છે. બીજો એ છે જે જીવને મારે છે. ત્રીજો એ છે જે વિશ્વાસ ઉત્પન્ન કરીને જીવને ફસાવે છે. ચોથો એ છે જે મારેલા જીવનું માંસ ખાય છે. એ માંસને રાંધનારો પાંચમો અને વહેંચનારો તથા પીરસનારો છઠ્ઠો હિંસક છે. વિદ્વાનોએ હિંસાયુક્ત ધર્મને અધર્મ જ માન્યો છે. ધર્માત્મા રાજાઓમાં પણ મૃગો પ્રત્યે દયાભાવ હોવાનું જ શ્રેષ્ઠ મનાય છે! (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here