પુત્રીનું સપનું સાકાર કરવા આતુર પિતાની કહાની ફન્ને ખાન

સપનાંઓની સાથે બે જ વાત થઈ શકે છે, સપનાંઓ સાકાર થાય છે અથવા તો સપનાં તૂટી જાય છે. અતુલ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ફન્ને ખાન એક પિતાની વાર્તા છે, જે પોતાની પુત્રીના સપનાને સાકાર કરવા માટે કંઈ પણ કરવાની શક્તિ ધરાવે છે.
ફિલ્મની વાર્તાની શરૂઆત પ્રશાંત શર્મા (અનિલ કપુર)થી થાય છે, જે એક ઓર્કેસ્ટ્રામાં ગાયક છે અને મિત્રો વચ્ચે ફન્ને ખાન નામથી લોકપ્રિય છે. તે શમ્મી કપૂરનો ચાહક છે અને મોહમ્મદ રફીની જેમ લોકપ્રિય ગાયક બનવા આતુર છે, પરંતુ ગરીબીના કારણે તે પોતાનાં સપનાં સાકાર કરી શકતો નથી.
આ દરમિયાન તેનું જીવન તેની પુત્રી લતા (પીહુ સંદ) સાથે જોડાયેલું છે. પિતાની જેમ ફન્ને ખાન પણ માને છે કે જે પોતાને મળ્યું નથી તે તેની દીકરીને મળવું જોઈએ. તે પોતાની પુત્રીને લોકપ્રિય ગાયિકા બનાવવા માગે છે. તે પોતાની દીકરીમાં પોતાનાં સપનાં સાકાર થયેલાં નિહાળે છે.
લતા પણ પિતાની જેમ સારું ગાય છે અને જોડે જોડે ડાન્સ પણ કરે છે. તેની આઇડિયલ સિંગર બેબી સિંહ (ઐશ્વર્યા રાય) છે જેના લાખો ચાહકો છે. સારી ગાયિકા હોવા ઉપરાંત તે જાડી હોવાના કારણે તેની મજાક લોકો ઉડાવતા હોય છે. ગરીબીના કારણે તેનાં સપનાં સાકાર થતાં નથી. અંતે ફન્ને ખાન પોતાના મિત્ર આદિલ (રાજકુમાર રાવ) સાથે બેબી સિંહનું અપહરણ કરે છે. આ પછી વાર્તામાં વળાંક આવે છે, રાજકુમાર રાવ અને ઐશ્વર્યા રાવ વચ્ચે પ્રેમ થઈ જાય છે, પરંતુ એક પિતા પોતાની પુત્રીનું સપનું પૂ​રું કરશે કે કેમ? લતા ગાયિકા બનશે કે કેમ? પોલીસ બેબી સિંહને ફન્ને ખાન અને રાજકુમાર રાવની કેદમાંથી છોડાવશે? આ બધા સવાલોના જવાબો માટે આ ફિલ્મ જોવી જોઈએ.
આ ફિલ્મ મ્યુઝિકલ ડ્રામા છે. ફિલ્મની વાર્તા મધ્યમ વર્ગના પરિવારની છે, જે પોતાનાં સંતાનોની જરૂરિયાતો કોઈ પણ ભોગે પૂરી કરવા માગતા હોય છે. સેકન્ડ હાફમાં વાર્તા આમથી તેમ ભટકાય છે, વાર્તા વાસ્તવિકતાથી દૂર છે, જે વાસ્તવિક જીવનમાં શક્ય નથી.
અનિલ કપૂર પિતાની ભૂમિકામાં બિલકુલ ફિટ લાગે છે. રાજકુમાર રાવનો અભિનય લાજવાબ છે. ઐશ્વર્યા રાય ગ્લેમરસ સિંગર અને અભિનય બન્ને સાથે કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here