પુટીન-મોદી વચ્ચે અનૌપચારિક મંત્રણાઃ મોદીએ કહ્યું, આપણો સંબંધ અતૂટ છે


રશિયાના સોચી શહેરની એક દિવસની મુલાકાતે આવેલા ભારતના વડા પ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન સાથે અનૌપચારિક મંત્રણા કરી હતી. મોદી અને પુટીન બ્લેક સીના કિનારે મુલાકાત કરી હતી. 

ૃસોચી (રશિયા)ઃ રશિયાની એક દિવસની મુલાકાતે આવેલા ભારતના વડા પ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન સાથે અનૌપચારિક મંત્રણા કરી હતી. રશિયાના સોચી શહેરમાં મોદીનું ઉષ્માભેર સ્વાગત થયું હતું. બન્ને નેતાઓ એકબીજાને ઉમળકાભેર ભેટ્યા હતા. મોદી અને પુટીને ભારત-રશિયાના દ્વિપક્ષી સંબંધો અંગે યોટ પર સફર કરી વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. મોદી અને પુટીને સોચીમાં બ્લેક સીમાં યોટની સફર માણી હતી.
મોદીએ બન્ને દેશો વચ્ચેના જૂના સંબંધોને યાદ કરીને જણાવ્યું હતું કે બન્ને દેશો ઘણા લાંબા સમયથી મિત્રો છે. પુટીને આપેલા આમંત્રણ બદલ મોદીએ તેમનો આભાર માન્યો હતો.
પુટીન ભારે બહુમતીથી રશિયાના ચોથી વાર પ્રમુખ ચૂંટાયા તે બદલ મોદીએ તેમને 125 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવ્યાં હતાં. અટલ બિહારી વાજપેયીના શાસનમાં પુટીનની ભારત મુલાકાતને યાદ કરીને મોદીએ જણાવ્યું કે આપ 18 વર્ષથી અમારી નિકટ છો. બે દેશોના સબંધો અતૂટ છે. 2001માં પદભાર સંભાળ્યા પછી તમારો ભારત સાથે અતૂટ નાતો છે. પ્રથમ વાર રશિયાના પ્રમુખ બન્યા પછી તમે ભારત આવ્યા હતા ત્યારે વાજપેયીજી વડા પ્રધાન હતા. વાજપેયીજીએ બે દેશો વચ્ચે ગાઢ સંબંધ સ્થાપવાનો અને વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો નાખ્યો હતો.
પુટીને જણાવ્યું હતું કે મોદીનો પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકશે.
મોદીએ કહ્યું કે અમે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર અને બ્રિક્સ પર એકસાથે કામ કરી રહ્યા છીએ. મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સ્થાયી સભ્યપદ અપાવવામાં ભારતની મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ રશિયાનો આભાર માન્યો હતો.
આ એજન્ડા વગરની અનૌપચારિક મુલાકાત હોવાથી કોઈ કરારો થયા નહોતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ દેશના વડા સાથે આ બીજી અનૌપચારિક મંત્રણા છે. આ અગાઉ તેઓ બે દિવસના ચીનના પ્રવાસે ગયા હતા અને પ્રમુખ શી જિનપિંગ સાથે અનૌપચારિક મંત્રણા કરી હતી.