પી.પી. પંડ્યાને શતાબ્દી વર્ષે  SGVP દ્વારા પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ

 

રાજકોટઃ પ્રાગ ઐતિહાસિક અને આધુનિક સમયના ભારતના ૨૦૦ ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધનાર ગુજરાત રાજ્યના પૂર્વ પુરાતત્ત્વવિદ વડા  પી.પી. પંડ્યાસાહેબને લ્ઞ્સ્ભ્ ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ગુજરાતના માનવંતા પુરાતત્ત્વવિદ પંડ્યાસાહેબને શતાબ્દી વર્ષે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

ઉના પાસે મચ્છુન્દ્રીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવ તથા હનુમાનજી મહારાજની સાંનિધ્યમાં પવિત્ર પુરુષોત્તમ માસમાં ચાલી રહેલ ઓન લાઇન કથા પ્રસંગે એકાદશીના પાવનકારી દિવસે આ એવોર્ડ અર્પણ થયો ત્યારે ઓન લાઇન કથા શ્રવણ કરતા દેશ-વિદેશના સેંકડો ભક્તોએ તાલીઓના ગડગડાટથી વધાવ્યો હતો. એવોર્ડનો સ્વીકાર પંડ્યાસાહેબના પુત્ર પિયુષભાઇ પંડ્યાએ કર્યો હતો.

સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતુ કે, રાજકોટ પાસેના કોટડા-સાંગાણી ગામે તા. ૮-૧૧-૧૯૨૦ના રોજ પી. પી. પંડ્યાસાહેબ અર્થાત્ પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા સાહેબનો જન્મ થયો હતો. ૨૬ વર્ષની ઉંમરે એમની પુરાતત્ત્વ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી શરૂ થઈ હતી. ૩૯ વર્ષની નાની ઉંમરે એમની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી.

પોતાની કારકિર્દીના આરંભના દસ વર્ષના ટૂંકા ગાળામાં એમણે બે હજાર કિ.મી. પગપાળા યાત્રા કરી હતી અને મધ્યકાલિન પાષાણ યુગના પાંચ સ્થળો, લઘુપાષાણ ઓજારો બનાવતા માનવના પાંચ સ્થળો, હરપ્પન સંસ્કૃતિના ૬૫ ટીંબાઓ, પંદરસો વર્ષ પૂર્વે પ્રાચીન ક્ષત્રપકાલિન ૧૧૦ વસાહતો, મૈત્રક કાલિન મંદિરો, પ્રભાસ પાટણની ૧૮૦૦ વર્ષની સંસ્કૃતિનો ઇતિહાસ, રાજકોટ જિલ્લાના રોજડી (શ્રીનાથગઢ) ખાતે ઉત્ખલન કરી હડપ્પા સમયનું ૪૫૦૦ વર્ષનું પ્રાચીન કિલ્લેબંધ નગર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખંભાલિડા ખાતે આવેલ પ્રાચીન બૌદ્ધ ગુફા, વગેરે શોધ્યા હતા. ખાસ કરીને તેમણે ભગવાન શ્રીકૃષ્ણની ઐતિહાસિકતા વિષે નક્કર ભૂમિકા સર્જી હતી. 

પી. પી. પંડ્યા સમગ્ર ભારતના શ્રેષ્ઠ પુરાતત્ત્વવિદ હોવા છતાં મહત્ત્વની વાત એ છે કે એમણે સૌરાષ્ટ્રની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી. સૌરાષ્ટ્રના કાળના ગર્તમાં સમાયેલ હજારો વર્ષના ઇતિહાસને એમણે ઉજાગર કર્યો હતો. પોતાની કારકિર્દીના કુલ ૨૪ વર્ષના ટૂંકા ગાળામાં કલ્પી ન શકાય એટલા સંશોધનો કરનાર અને સૌરાષ્ટ્રની પ્રાચીનતમ સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનાર પી. પી. પંડ્યાસાહેબ પુરાતત્ત્વ વિભાગના મહાન ઋષિ હતા. 

સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના કેટલાંક ધર્મો ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષ જૂની ઐતિહાસિકતાને નકારે છે. આ લોકો પોતાના ધર્મના વર્તુળમાં કેદ થયેલા છે. તેઓ સનાતન સત્ય સ્વીકારવા તૈયાર નથી. આ જ લોકોએ દ્રવિડો અને આર્યોના ભેદ પાડી ભારતવર્ષને અંદરોઅંદર લડાવવાનો પ્રયાસ કરે છે. 

આવા વિષમ વાતાવરણમાં ભારતવર્ષના હજારો વર્ષ જૂના ઇતિહાસ વિષે તેમજ ભગવાન શ્રીકૃષ્ણ અને મહાભારત, ભગવાન શ્રીરામ અને રામાયણ ઉપરના સંશોધનો અમને ગમે છે. સદ્ભાગ્યે આજે આપણા પ્રાચીન મહાપુરુષોના ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ થયા છે. આજે સરસ્વતી નદીને કિનારે સાત હજાર વર્ષ જૂની સંસ્કૃતિની ખોજ થઈ છે. આ ખોજે કહેવાતા અનેક મોટા ધર્મોની માન્યતાઓને શીર્ષાસન કરાવી દીધું છે. એમણે કલ્પેલી અને આપણા માથા ઉપર થોપેલી ઉટપટાંગ થીયરીઓ ખોટી સાબિત થતી જાય છે. આજના સમયે ન કેવળ ભૂમિખનન, પરંતુ આકાશમાં રહેલા નક્ષત્રોને આધારે સંશોધન કરીને ભારતીય મહાપુરુષો વિષે કાલનિર્ધારણ કરવું અત્યંત આવશ્યક છે. સ્વામીજીએ પોતાના પ્રવચનમાં પોરબંદર નિવાસી પુરાતત્ત્વવિદ નરોત્તમભાઈ પલાણસાહેબને પણ યાદ કર્યા હતા. પી. પી. પંડ્યાસાહેબના દ્વિશતાબ્દી વર્ષે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરતી વખતે લ્ઞ્સ્ભ્ ગુરુકુલ તરફથી પુષ્પાંજલિ રૂપે, પંડ્યાસાહેબની સ્મૃતિમાં રચાયેલ જયાબેન ફાઉન્ડેશનને પચ્ચીસ હજાર રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા. જયાબેન ફાઉન્ડેશન વતી પંડ્યા પરિવારના પિયુષભાઇ પંડ્યા, મનીષભાઇ પંડ્યા, યજ્ઞદત્તભાઇ પંડ્યા વગેરેએ પોતાના પૂજ્ય પિતાશ્રીના કાર્યની કદર કરવા બદલ લ્ઞ્સ્ભ્ ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પ્રત્યે ભાવપૂર્વક આભારની લાગણી વ્યકત કરી હતી