પીઢ ચરિત્ર અભિનેત્રી શમ્મીજીનું  નિધન – છ દાયકાની સુદીર્ઘ અભિનય કારકિર્દી

0
930

હિન્દી ફિલ્મ જગતના પીઢ ચરિત્ર અભિનેત્રી શમ્મીજીનું 6 માર્ચના મુંબઈમાં એમના લોખંડવાલા સ્થિત નિવાસ સ્થાને 88 વરસની જૈફ વયે અવસાન થયું હતું. પ્રતિભાસંપન્ન શમ્મીજી ખૂબજ હસમુખા અને મિલનસાર સ્વભાવના હતા. ફિલ્મજગતમાં શમ્મી આન્ટીના હુલામણા નામથી સહુ એમને સંબોધતાં હતા. ફિલ્મ જગતમાં તેમના અનેક મિત્રો હતા. આશા પારેખ, વહીદા રહેમાન , ફરીદા જલાલ, નરગિસ દત્ત જેવી અનેક જાણીતી અભિનેત્રીઓ સાથે તેમના નિકટના મૈત્રી સંબંધો હતા.

તેમણે રૂપેરી પરદે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. હીરોઈન, ચરિત્ર અભિનેત્રી, હાસ્યકલાકાર, વેમ્પ- વગરે જુદા જુદા રૂપમાં તેમણે અસરકારક અભિનયથી પોતાની પ્રતિભા પુરવાર કરી હતી. તેમણે આશરે 200 જેટલી હિન્દીફિલ્મોમાં અભિનય કર્યો હતો.  જેમાં દિલ અપના ઔર પ્રીત પરાઈ, ઉપકાર, સાજન, હલાકુ, પૂરબ પશ્ચિમ, હાફ ટિકિટ, સમાજ કો બદલ ડાલો, ધ ટ્રેન, રેડ રોઝ, કુલી નં 1, આંચલ, ગંવાર, આવારા બાપ , જબજબ ફૂલ ખિલે વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.

શમ્મીજીએ અનેક હિન્દી ટીવી સિરિયલોમાં પણ સરસ ભૂમિકાઓ ભજવી હતી જેમાં દેખ ભાઈ દેખ, જબાન સંભાલ કે, શ્રીમાન શ્રીમતી વગેરેનો સમાવેશ થાય છે.

    મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર સમયે આશા પારેખ, ફરીદા જલાલ, ફારાહ ખાન, બોમેન ઈરાની સહિત તેમના નિકટના  મિત્રો અને પ્રશંસકો ઉપસ્થિત રહ્યા હતા. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત અનેક કલાકારોએ ટવીટ કરીને શમ્મીજીને શ્રધ્ધાંજલિ આપી હતી.