પીઓકેમાં અબ્દુલ ક્યૂમ નિયાઝી નવા પીએમ

 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તહેરિક-એ-ઈન્સાફ પક્ષના અબ્દુલ ક્યૂમ નિયાઝીની બુધવારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના નવા વડ ાપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. જોકે, પાકિસ્તાન દ્વારા પીઓકેમાં હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયાનો ભારતે વિરોધ નોંધાવ્યો હતો.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું કે વડા પ્રધાન ઈમરાન ખાને વ્યાપક ચર્ચા-વિચારણા અને બધી દરખાસ્તોની સમિક્ષા પછી અબ્દુલ કય્યૂમ નિયાઝીને પીઓકેના વડા પ્રધાનપદે નોમિનેટ કર્યા હતા. પીઓકેમાં નવી રચાયેલી ૫૩ સભ્યોની વિધાનસભામાં નિયાઝીને ૩૩ વોટ મળ્યા હતા જ્યારે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર ચૌધરી લતિફ અકબરને ૧૫ વોટ મળ્યા હતા. નિયાઝી પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝના રાજા ફારૂક હૈદરનું સ્થાન ગ્રહણ કરશે.

વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષે ૫૩ સભ્યોના ગૃહમાં ૩૨ બેઠકો મેળવી હતી. પીઓકેમાં સૌપ્રથમ વખત પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફની સરકાર રચાશે. જોકે, પીઓકેમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી તેમજ વડા પ્રધાનની નિમણૂકનો ભારતે વિરોધ કર્યો છે. ભારતે પીઓકેમાં થયેલી ચૂંટણીને નકારી કાઢી છે. ભારતનું કહેવું છે કે આ બધું માત્ર દેખાડો છે. પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજો કરેલા કાશ્મીર પર ચૂંટણી કરાવી શકે નહીં. ભારત આ મુદ્દે આકરો વિરોધ નોંધાવે છે. ભારતના ક્ષેત્રો પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. તેણે વહેલી તકે પીઓકેનો વિસ્તાર ખાલી કરી દેવો જોઈએ.