પીએમ મોદી ક્વોડ સમિટમાં ભાગ લેવા ૨૪મીએ યુએસ જશે

 

નવી દિલ્હીઃ ૨૪મી સપ્ટેમ્બરે અમેરિકાના વોશિંગ્ટનમાં યોજાનારી ક્વોડ સમિટના નેતાઓની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ સમિટમાં મોટે ભાગે ઇન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક પડકારો વિશે ચર્ચા કરવામાં આવશે. 

વિદેશ મંત્રાલયે વડા પ્રધાનની અમેરિકાની યાત્રાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે ત્યાર બાદ ૨૫મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા (યુએનજીએ)ને સંબોધશે.

વોશિંગ્ટનમાં નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે અલગથી બેઠક યોજીને અફઘાનિસ્તાનની કટોકટી સહિતના મુદ્દે ચર્ચા કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ અગાઉ ૨૦૧૯માં નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા અને ત્યાં એમણે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે હ્યુસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમ વખતે સંબોધન કર્યું હતું. 

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગા અને અમેરિકાના પ્રમુખ જો બાયડેન આ બેઠકમાં મોદી સાથે ભાગ લશે. 

વિદેશ મંત્રાલયના નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે આ સમિટમાં નેતાઓ આ અગાઉ એમણે ૧૨મી માર્ચે યોજેલી વર્ચ્યુઅલ બેઠક બાદની પ્રગતિની સમીક્ષા કરશે અને રિજનલ બાબતના સમાન હિતના મુદ્દે ચર્ચા કરશે. 

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ખાળવાના એમના સહિયારા પ્રયાસના ભાગ રૂપે માર્ચમાં જાહેરાત કરાયેલા ક્વોડ વેક્સિન ઇનિશિયેટિવની તેઓ સમીક્ષા કરશે. ક્વોડ જૂથમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. 

વ્યવહારિક રીતે ઇન્ડો-પેસિફિક રિજનમાં સહયોગ વધારવા અને વોશિંગ્ટનની આ જૂથ માટેની સક્રિય કટિબદ્ધતાનો સંદેશ વહેતો કરવા માટે અમેરિકા વ્યક્તિગત રીતે આ બેઠકનું આયોજન કરી રહ્યું છે.