પીએમ કેર્સ ફંડમાં અધધધ ૩૦૭૬ કરોડ રૂપિયા દાન આવ્યું

 

નવી દિલ્હીઃ પીએમ કેર્સ ફંડના દાન બાબતે વારંવાર સવાલો થતા હતા. વિપક્ષો પીએમ કેર્સ ફંડના ડોનેશન બાબતે પારદર્શકતાની માગણી કરતા હતા. એ દરમિયાન સરકારે ઓડિટ રીપોર્ટ જાહેર કર્યો હતો. રીપોર્ટ પ્રમાણે પીએમ કેર્સ ફંડ શરૂ થયું તેેના પાંચ જ દિવસમાં ૩૦૭૬ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. કેન્દ્ર સરકારે વિગતો જાહેર કરી હતી એ પ્રમાણે ૨૭મી માર્ચે પીએમ કેર્સ ફંડની શરૂઆત થઈ હતી. તેના પાંચ જ દિવસમાં દુનિયાભરમાંથી એમાં ૩૦૭૬ કરોડ રૂપિયાનું ફંડ એકઠું થયું હતું. એમાંથી ૩૦૭૫.૮૫ કરોડ રૂપિયા દેશમાંથી મળ્યા હતા, જ્યારે ૩૯.૭૬ લાખ રૂપિયા વિદેશથી દાન પેટે મળ્યા હતા. સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે ૨.૨૫ લાખ રૂપિયાના ફંડ સાથે પીએમ કેયર્સની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં ૩૫ લાખ રૂપિયા વ્યાજ પેટે જમા થઈ ચૂક્યા છે. પીએમ કેર્સની વેબસાઈટમાં જાહેર કરાયેલા ઓડિટ રીપોર્ટમાં જોકે, ડોનર્સના નામ જાહેર થયા ન હતા. સરકારે ઘરેલું અને વિદેશી ડોનર્સ અંગે વધુ વિગતો આપી ન હતી. ૨૦૨૦ નાણાંકીય વર્ષ પ્રમાણે આ અહેવાલ અપાયો હતો.