પીએનબી સાથે હજારો કરોડોની છેતરપિંડી કરનારા હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ એક મહિના માટે સસ્પેન્ડ

         ભારતીય વિદેશ મંત્ર્યાલયે પીએનબી બેન્ક સાથે હજારોની છેતરપિંડી કરનારા હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ 4 સપ્તાહ માટે રદ કરી દીધાં છે. ભારતીય વિદેશ મંત્ર્યાલય કહે છેકે, અમને ખરેખર ખબર નથી કે નીરવ મોદી અને મેહુલ ચોકસી ખરેખર વિદેશમાં કયાં છે..ઉપરોક્ત આરોપીઓ જો એક સપ્તાહ દરમિયાન તેમના પાસપોર્ટ રદ કરવાના સવાલના જવાબ નહિ આપે તો તેમના પાસપોર્ટ રદ કરવામાં આવશે. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ – ઈડીએ નીરવ મોદી અને તેમના સગા- સંબંધીઓના પાસપોર્ટ રદ કરવાની  વિદેશ મંત્ર્યાલય પાસે માગણી કરી હતી.

    વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તા રવીશકુમાર કહે છેકે, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે નીરવ મોદી કે એમની સાથે સંબંધિત કોઈ વ્યકતિ સાથે અમારા અધિકારીઓ સંપર્કમાં નથી.

સીબીઆઈ અને ઈડીએ શુક્રવારે નીરવ મોદી અને મેહુલ ચોકસીના વ્યાવસાયિક અને ખાનગી સ્થળો પર દરોડા પા઼ડ્યા હતા. સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કના 4એ અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. તેણે જુદા જુદા શહેરોમાં 26 જેટલાં  સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગીતાંજલિ જેમ્સ ગ્રુપની મુંબઈ, પૂણે, સુરત, જયપુર, હૈદરાબાદ , કોઈમ્બતુર વગેરે 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

   નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુધ્ધ તાત્કાલિક એફઆઈ આર દાખલ કર્યા બાદ સીબીઆઈએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. સીબીઆઈનો આશય ઈન્ટરપોલની સહાય લઈને કહેવાતા આરોપીઓ કયા સ્થળે છે તે જાણવાનો અને તેમની સામે કાનૂની પગલાં લેવાનો માર્ગ મળે તે શોધવાનો છે.

REUTERS

 વાચકોને એ જાણવામાં રસ પડશે કે, ઉપરોક્ત છેતરપિંડીના આરોપી નીરવ મોદી ભારતના જાણીતા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના સંબંધી થાય છે. મુકેશ અંબાણીની બહેન દીપ્તિ સાલગાંવકરની દીકરી ઈશિતાના લગ્ન નીરવ મોદીના ભાઈ નીશલ મોદી સાથે 4 ડિસેમ્બર, 2016ના રોજ ગોવામાં થયા હતા. ભાણીના લગ્ન અગાઉ મામા મુકેશ અંબાણીે મુબઈમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડ તેમજ ક્રિકેટ જગતના મહાનુભાવો ઉપસ્થિત હતા. નીશલ બેલ્જિયમનો સિટિઝન છે અને તે પહેલી જાન્યુઆરીના દિવસે દેશ છોડીને જતો રહ્યો છે. નીરવ મોદીની પત્ની અમી પણ અમેરિકાની સિટિઝનશિપ ધરાવે છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાતા ભારતમાં વ્યાપારક્ષેત્રે  તેમજ રાજકીય ક્ષેત્રે હજારો- કરોડો રૂપિયાની ઉચાપત, છેતરપિંડી, ગોટાળા અને કૌભાંડો સતત થતાં રહે છે. દેશના રાજકીય પક્ષો દેશની ગરિમા  કે રાષ્ટ્રીય હિતના મુદા્ને લક્ષમાં ન રાખીને પરસ્પર દોષારોપણ કરીને પોતાની નૈતિક  જવાબદારીમાંથી છટકવાના શરમજનક બૌધ્ધિક પ્રયાસો કરી રહ્યા છે.

     પીએનબી ફ્રોડના કિસ્સામાં કોંગ્રેસે ભારત સરકાર સામે પ્રશ્નો રજૂ કયાૅ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે, નીરવ મોદી અને મેહુલ ચોકસીને અપાયેલા એલઓયુથી માત્ર 11,400 કરોડનું નુકસાન નથી થયું , આ છેતરપિંડી વાસ્તવમાં 30 હજાર કરોડથી વધુ નાણાની ઉચાપતની છે.

   તેમણે વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે, પીએમઓ, ઈડી, ફ્રોડની તપાસ કરનારી કચેરી, કોર્પોરેટ ઓફિસ અને મંત્ર્યાલય પાસે 7મે, 2015થી જ આ કૌભાંડની પૂરી જાણકારી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

    કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એવો પ્રતિ આક્ષેપ કર્યો છેકે, આ કૌભાંડનું સજર્ન તો કોંગ્રેસની યુપીએ સરકારના સમયનું છે.

બીજી તરફ અલ્હાબાદ બેન્કના ડિરેકટર દિનેશ દુબેએ કહ્યું હતું કે, ગીતાંજલિ જેમ્સને લોન આપવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું હતું. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, આ તો બેન્કનું કૌભાંડ છે, સરકારનું નથી. બેન્કો દ્વારા ખોટી રીતે લોનો આપવામાં આવી, પરંતુ સરકારે પોતાની કાર્યવાહી  કરી છે.

કોંગ્રેસના પ્રમુખ અને સંસદસભ્ય શ્રી રાહુલ ગાંધીએ ગુરૂવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતની જનતાને લૂંટવાની રીત નીરવ મોદીએ સમજાવી છે.

શુક્રવારે અલ્હાબાદ બેન્કના ભૂતપૂર્વ ડિરેકટર દિનેશ દુબેએ કહ્યું હતું કે, યુપીએ સરકારના વખતમાં જ આ કૌભાંડ થયું હતું. એનડીએ સરકારના શાસનકાળમાં એ 10થી 50 ગણું વધી ગયું. મેં 2013માં ગીતાંજલિ જેમ્સ વિરુધ્ધ અસહમતિનો પત્ર મોકલ્યો હતો. મેં રિર્ઝવ બેન્ક ઓપ ઈન્ડીયા અને કેન્દ્રીય સરકાૈરના મંત્ર્યાલયને આ પત્ર મોકલીને હકીકત જણાવી હતી. પરંતું કશું નિરાકરણ આવ્યું નહિ. મને આદેશ આપવામાં આવ્યો હતો કે, તમારે લોન મંજૂર કરવી પડશે. તેથી દબાણને વશ ના થઈને મારા હોદા્ પરથી રાજીનામું આપ્યું હતું.

 

પાંચ-છ દાયકા અગાઉ આવેલી રાજ કપુરની ફિલ્મ જાગતે રહો માં રજૂ થયેલા એક પ્રખ્યાત ગીતની પંકિતઓ યાદ આવે છેઃ- ની મૈં જૂઠ બોલિયા…     સચ્ચે ફાંસી ચઢ ગયે , ઓર જૂઠે મૌજ ઉડાયે…   લોગ કહે રબકી માયા, મૈં  કહૂં અન્યાય—-

વરસોના વરસો સુધી જેમણે ભરતના કોમન મેનને , આમ આદમીને, એના જીવનની ગતિ-વિધિ અને સંઘર્ષને કેન્દ્રમાં રાખીને જાણીતા અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના પહેલા પાને રોજ કાર્ટૂનો  રજૂ કર્યા હતા તે મહાન કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણની આ ક્ષણે યાદ આવે છે.. ભારતના કોમન મેનની ચિંતા કરનારું કોઈ છે ખરું?

રાજકારણ હોય કે જનજીવન, નૈતિક મૂલ્યોનું અધપતન હવે અત્રતત્ર સર્વત્ર છે. લલિત મોદી, વિજય માલ્યા , નીરવ મોદી અને મેહુલ ચોકસી ભારતની પ્રજાના ખૂન- પસીનનાં નાણાંની છડેચોક ઉચાપત કરીને વિદેશ ભાગી જાય છે. એશઆરામની વૈભવી જિંદગી જીવે છે…તેઓ બધા ફરાર થઈ જાય ત્યાર પછી જ તેમના કૌભાંડોનો પર્દાફાશ કરાય૟ છે….વાસ્તવિકતા શું છે?  સત્ય કયાં છુપાયેલું છે? મૂલ્ય- નિષ્ઠા, પ્રામાણિકતા, ઈમાનદારી, સચ્ચાઈ , સંસ્કારિતા- આ બધા શબ્દો હવે માત્ર શબ્દકોશમાંજ રહેવાના?? આપણી કોઈની પાસે આનો ઉત્તર છે?