
ન્યુ યોર્કઃ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) યુથ માટે ‘નો ઇન્ડિયા પ્રોગ્રામ’ શરૂ કરવાની પહેલ સાથે ન્યુ યોર્કમાં 20મી ફેબ્રુઆરી, મંગળવારે ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીને અને અન્ય કોન્સ્યુલેટના સત્તાધીશોને ગોપિયોના સત્તાવાળાઓ અને કેટલાક ચેપ્ટરના પ્રતિનિધિઓ મળ્યા હતા.
સપ્ટેમ્બરમાં ગોપિયોનું પ્રતિનિધિમંડળ ભારતનાં વિદેશમંત્રી સુષમા સ્વરાજને મળ્યું હતું અને આ ઉનાળા દરમિયાન નો ઇન્ડિયા પ્રોગ્રામ (કેઆઇપી) શરૂ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ બીજી અને ત્રીજી પેઢીના ભારતીય મૂળના યુવાનો કે જેમણે ક્યારેય ભારતની મુલાકાત લીધી નથી તેમના માટે છે. મંત્રાલયે આ દરખાસ્ત સ્વીકારી હતી અને આ દરખાસ્ત ન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસને મોકલી હતી. ન્યુ યોર્કસ્થિત ઇન્ડિયન કોન્સ્યુલેટે ગોપિયોના ડેલિગેશનને આ અંગે ફોલો-અપ માટે આમંત્રણ આપ્યું હતું અને પીઆઇઓ યુથ માટે સમર દરમિયાન નો ઇન્ડિયા પ્રોગ્રામ (કેઆઇપી) લોન્ચ કરવા ચર્ચાવિચારણા કરી હતી.
ભારતીય દૂતાવાસના સત્તાવાળાઓમાં કેટલાક અન્ય કોન્સલનો પણ સમાવેશ થતો હતો, જ્યારે ગોપિયોના સત્તાવાળાોમાં ચેરમેન ડો. થોમસ અબ્રાહમ, વાઇસ પ્રેસિડન્ટ રામ ગઢવી, સેક્રેટરી ડો. રાજીવ મહેતા, ચેપ્ટર રિવ્યુ કમિટી ચેર દિનેશ મિત્તલ, જીઆઇસીસી કો-ચેર પ્રકાશ શાહ, ગોપિયો મિડિયા કાઉન્સિલ ચેર નામી કૌર અને ગોપિયો કાઉન્સિલ ઓન સિનિયર્સ ચેર સુધા આચાર્યનો સમાવેશ થતો હતો.
ગોપિયોએ અન્ય વિવિધ મુદ્દાઓની પણ ચર્ચા કરી હતી, જેમાં એનઆરઆઇ-પીઆઇઓને જરૂરી સહાય પૂરી પાડવા તેમ જ કોન્સ્યુલેટ સાથે સંયુક્ત કાર્યક્રમો કરવાની બાબતોનો સમાવેશ થતો હતો.
ગોપિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નો ઇન્ડિયા પ્રોગ્રામનો હેતુ મૂળ ભારતીયોની ત્રીજી અને આગામી પેઢી કે જે ક્યારેય ભારતની મુલાકાતે અગાઉ ગઈ નથી તેને ભારતની સંસ્કૃતિ, વારસા વિશે માહિતગાર કરાવવાનો છે, જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે.