પાવડરથી કેન્સર થવાની આશંકા છતાં જોનસન એન્ડ જોનસને વંશીય માનસિકતાથી ઉત્પાદન વેચ્યા

નવી દિલ્હીઃ અમેરિકામાં અશ્વેત મહિલાના જૂથ નેશનલ કાઉન્સિલ ઓફ નીગ્રો વુમને જોનસન એન્ડ જોનસન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે, કંપનીએ પોતાના પાવડરથી કેન્સર થઈ શકે છે તેમ જાણવા છતાં છેતરપિંડીવાળા માર્કેટિંગ દ્વારા તેને અશ્વેત મહિલાઓને વેચવા પર ભાર આપ્યો છે. કાઉન્સિલના કહેવા પ્રમાણે જોનસન એન્ડ જોનસને વંશીય માનસિકતા સાથે અમેરિકાની અશ્વેત મહિલાઓને પાવડર અને સંબંધિત ઉત્પાદનો વેચ્યા. કંપની જાણતી હતી કે, આ ઉત્પાદનો અશ્વેત મહિલાઓ વાપરી તો શકે છે પરંતુ જો તેમને બીમારીઓ થઈ તો બાકીની મહિલાઓની સરખામણીએ ઘણી વધારે મુશ્કેલીઓ સહન કરવી પડશે. અમેરિકામાં અશ્વેત મહિલાઓને જલ્દી ચિકિત્સા સુવિધાઓ નથી મળી શકતી. મોટા ભાગની મહિલાઓ પાસે સ્વાસ્થ્ય વીમો પણ નથી હોતો. કાઉન્સિલના પ્રવક્તા વાંડા ટિડલાઈને જણાવ્યું કે, તેમને ૨૦૧૨માં ઓવેરિયન કેન્સર થયું, જ્યારે તેમના પરિવારના ઈતિહાસમાં કોઈને આ બીમારી નહોતી. તેઓ અનેક વર્ષથી જોનસન એન્ડ જોનસનનો બેબી પાવડર વાપરતા હતા કારણ કે, કંપની પોતાની જાહેરાતમાં તેને સુરક્ષિત ગણાવતી આવી છે. ઉલ્લેખનીય છે કે, જોનસન એન્ડ જોનસન પહેલેથી પોતાના પાવડર અને અન્ય ઉત્પાદનો સાથે સંકળાયેલા ૨૫,૦૦૦ કેસનો સામનો કરી રહ્યું છે. આરોપ છે કે, આ ઉત્પાદનોના કારણે મહિલાઓને ઓવેરિયન કેન્સર અને મેસોથેલિયોમા જેવી બીમારીઓ થઈ. અનેક મહિલાઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. કંપનીએ દર વર્ષે ૩,૦૦૦ કરોડ રૂપિયા આવા કેસ માટે ખર્ચ કરવા અલગ રાખવાનું ચાલુ કરી દીધું છે.