પાટીદાર એમ્પાવરમેન્ટ હબ માટે સમાજના દાતાઓનું રૂ. 116 કરોડનું દાન

અમદાવાદઃ દુનિયાભરના પાટીદારોને એક મંચ પર લાવવા માટે અમદાવાદ શહેરમાં વૈષ્ણોદેવી નજીક નિર્માણ પામવા જઈ રહેલા પાટીદાર એમ્પાવરમેન્ટ હબ માટે દાતાઓએ સાડા ત્રણ કલાકમાં જ રૂ. 116 કરોડના દાનની જાહેરાત કરી છે. વૈષ્ણોદેવી નજીક 100 વીઘાં જમીનમાં આ હબ આકાર લઈ રહ્યું છે. પાટીદાર સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને રવિવારે મંદિર અને કોમ્યુનિટી કોમ્પ્લેક્સ માટે આ દાન એકઠું કર્યું છે. સમાજના લોકોએ 40 એકરમાં બનનારા ઉમિયા ધામ મંદિર માટે દાનની અપીલ કરી હતી, જેમાં દાતાઓએ ઉદારમને સરેરાશ દર મિનિટે રૂ. 55 લાખનું દાન આપ્યું છે.
સૌથી વધુ રૂ. 51 કરોડના દાનની જાહેરાત મુંબઈના ગોરેગાંવમાં રહેતા નારણભાઈ, મંગળભાઈ, હરગોવનભાઈ પટેલ પરિવાર નંદાસા તરફથી કરવામાં આવી હતી. આ પરિવાર થોડાં વર્ષો અગાઉ મહેસાણાથી મુંબઈ ગયો હતો. આ પરિવારે ગોરેગાંવમાં સાત વર્ષ અગાઉ ઉમિયા માતાના મંદિર માટે જમીન આપી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી. કે. પટેલે જણાવ્યું હતું કે આ પરિવાર લક્ષ્મીદાતાશ્રી બન્યો છે. પંચામૃત કાર્યક્રમમાં રૂ. 11 કરોડના દાતા મણિભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ એમ્પાવરમેન્ટ હબની ખાસ વાત એ છે કે ફાઉન્ડેશન દ્વારા ઉમિયા માતાનું 80 મીટર ઊંચું મંદિર બનશે. સાથે સાથે સામાજિક-આર્થિક-શૈક્ષણિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસના હેતુ માટે સમાજોપયોગી અત્યાધુનિક ભવનનું નિર્માણ થશે. ઉમિયા ધામમાં ઉમિયા માતાના મંદિરની સાથેસાથે હોસ્પિટલ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ કોમ્પ્લેક્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, હોસ્ટેલ બનાવવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here