પાકિસ્તાન મુસ્લિમ લીગના સાંસદ પરવેજ રાશિદનો દાવો : વાજપેયી અને નવાજ શરીફ કાશમીર સમસ્યા ઉકેલવા માગતા હતા ત્યારે જ જનરલ મુશર્રફે કારગિલ યુધ્ધ શરૂ કર્યુ હતું..

0
905

પાકિસ્તાનના સાંસદ પરવેજ રાશિદે જણાવ્યું હતું કે, 1999માં જયારે ભારત- પાકિસ્તાનના વડાપ્રધાન વાજપેયી અને નવાજ શરીફ મંત્રણા દ્વારા કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવા બાબત સહમતિ ધરાવતા હતા, કાર્યવાહી આગળ ધપી રહી હતી ત્યારે જ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ મુશર્રફે કારગિલ યુધ્ધની શરૂઆત કરી હતી. બન્ને દેશના વડાઓ વચ્ચે ગંભીરતા સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવી રહી હતી, ક્રમશઃ એ દિશામાં ગતિ થઈ રહી હતી તે સમયે આ મંત્રણાને  નિષ્ફળ બનાવવાના એક માત્ર ઈરાદાથી પાક સૈન્યના વડા જનરલ મુશર્રફે કારગિલ મોરચે યુધ્ધનો આરંભ કરીને પરિસ્થિતિને બગાડી નાખી હતી. તેમણે યુધ્ધ અંગે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફની મંજૂરી પણ લાધી નહોતી. દેશના વડાને જાણ કર્યા વગર જ મુશર્રફે આ પગલું ભર્યું હતું. નવાજ શરીફની સરકારનું પતન કરાવીને મુશર્રફે ગંભીર ગુનો કર્યો હતો. પરંતુ વાજપેયી- શરીફની મંત્રણાઓ નિષ્ફળ બનાવીને મુશર્રફે એનાથીય મોટો અપરાધ કર્યો હતો. કારગિલની લડાઈ શરૂ થતાની સાથે ભારત અને  પાકિસ્તાન – બન્ને દેશોએ પરસ્પરની મંત્રણાને તત્કાળ અટકાવી દીધી હતી. જો કારગિલનું યુધ્ધ શરૂ ના થયું હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. કાશ્મીરની સમસ્યાનો ઉકેલ બન્ને દેશોએ પરસ્પરની સહમતિથી મંત્રણા દ્વારા શોધી કાઢ્યો હોત.

75 વરસની વયના જનરલ મુશર્રફ હાલમાં દુબઈમાં રહે છે. પાકિસ્તાનની અદાલતમાં તેમના પર અનેક કેસ ચાલી રહ્યા છે. 2016માં મુશર્રફ સારવાર માટે દુબઈ ગયા હતા, પરંતુ તેઓ હજી સુધી પાકિસ્તાન પાછા ફર્યા નથી.