પાકિસ્તાન અણુ પંચને ગેરકાયદે કોમ્પ્યુટર સાધનો મોકલતો પાકિસ્તાની ઝડપાયો

 

વોશિંગ્ટનઃ સત્તાવાર મંજૂરી વિના અમેરિકાથી પાકિસ્તાન અણુ ઉર્જા પંચને હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટર ઇક્વિપમેન્ટ અને સોફ્ટવેર એપ્લિકેશન સોલ્યુશનની નિકાસ કરવા બદલ મૂળ પાકિસ્તાનના અમેરિકી નાગરિકને ઝડપી લેવાયો છે. પાકિસ્તાનસ્થિત બિઝનેસ સિસ્ટમ ઇન્ટરનેશનલ (બીએસઆઇ) પ્રા.લિ., જ્યારે શિકાગોસ્થિત બીએસઆઇ, યુએસએ નામની કંપનીનો માલિક ઓબૈદુલ્લાહ સૈયદ જો ઉપરોક્ત ગેરકાયદે કામ માટે ગુન્હેગાર ઠરશે તો એને મહત્તમ ૨૦ વર્ષની કેદ થઇ શકે. સૈયદ હાલમાં જેલમાં છે. સૈયદ સામેની ફરિયાદમાં જણાવાયાનુસાર એની બે કંપનીઓએ હાઇ પરફોર્મન્સ કોમ્યુટિંગ પ્લેટફોર્મ, સર્વર અને સોફ્ટવેર એપ્લિકેશન સોલ્યુશન પૂરા પાડયા છે. સૈયદ અને બીએસઆઇએ ૨૦૦૬થી ૨૦૧૫ દરમિયાન પાકિસ્તાનસ્થિત કંપનીના કર્મચારીઓ સાથે મળીને અમેરિકાના વાણિજ્ય વિભાગની જરૂરી મંજૂરી વિના કોમ્પ્યુટરને લગતા સાધનોની પાકિસ્તાન અણુ ઊર્જા પંચને નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક પાવર્સ એક્ટનો ભંગ કરવાનું કાવતરું કર્યું હતું, એમ શિકાગોની જિલ્લા કોર્ટને સુપરત કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ અને ફોરેન ટ્રેડ રેગ્યુલેશનનો ભંગ કરવાનો તેમજ આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી પાવર્સ એક્ટનો ભંગ કરવાનો આરોપ મૂકાયો છે.