પાકિસ્તાને પ્રોક્સી વોર શરૂ રાખ્યું છે, સરહદે ૪૦૦ આતંકી સક્રિય

 

નવી દિલ્હીઃ ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાને ભારત સાથે શસ્ત્ર વિરામના કરારો કર્યા હતા. જોકે તે બાદ પાકિસ્તાન આતંકીઓને સરહદ પાર કરાવવાનું ચાલુ જ રાખ્યું છે. એવા અહેવાલો છે કે હાલ સરહદ પાર પાકિસ્તાને ૪૦૦ જેટલા આતંકવાદીઓને ઘુસણખોરી માટે તૈયાર રાખ્યા છે. આ જાણકારી સૈન્ય વડા જનરલ એમ એમ નરવણેએ આપી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પ્રોક્સી વોર કરી રહ્યું છે.  સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામની સમજૂતી થઇ હતી. જોકે આ સમજૂતી વર્ષો પહેલા જ કરાઇ હતી પણ પાકિસ્તાન તેનુ વારંવાર ઉલ્લંઘન કરી રહ્યું હતું. ગયા વર્ષે કરારો થયા તે બાદ જોકે પાકિસ્તાન દ્વારા થતો ગોળીબાર ઓછો થઇ ગયો છે. આ કરારો પછી ઉલ્લંઘનની માત્ર બે જ ઘટનાઓ બની હતી. તેથી સ્થિતિ સામાન્ય થઇ રહી છે તે દિશામાં બંને દેશો કામ પણ કરી રહ્યા છે. સૈન્ય વડાએ કહ્યું કે એવા ઇનપૂટ મળ્યા છે કે ૩૫૦થી ૪૦૦ આતંકીઓ હાલ સરહદ પાર છે, લોંચપેડ પર પાકિસ્તાને આ આતંકીઓને તૈયાર રાખ્યા છે. તેથી સ્પષ્ટ છે કે સરહદે ખતરો ઓછો નથી થયો અને આપણે વધુ એલર્ટ રહેવાની જરૂર છે.