ભારત- પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં સ્ફોટક અને તનાવપૂર્ણ છે. સમગ્ર વિશ્વે પાકિસ્તાન પર દબાણ લાવીને આગ્રહ કર્યો છેકે, હવે તે ત્રાસવાદી સંગઠનો સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરે… પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ અને પ્રોત્સાહન પૂરાં પાડી રહ્યું છે એ હકીકત હવે જગતભરના દેશોને ખબર છે. આમ આખી દુનિયાના અગ્રણી રાષ્ટ્રોના વડાઓના દબાણને કારણેપાકિસ્તાને દેખાવ પૂરતી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે પાકિસ્તાને જૈશ.એ- મોહમ્મદના નેતા મસૂદ અઝહરના ભાઈ સહિત ત્રાસવાદી સંગઠનના 44 જેટલા સભ્યોની ધરપકડ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી શહેરિયાર ખાને પત્રકારોને જણાવ્યું હતું કે, મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રૌફ હમાદ અઝહરને પકડી લેવામાં આવ્યા છે. સરકારે પાકિસ્તાનમાં સંચાલિત તમામ પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિ જપ્ત કરી લીધી છે. હકીકત તો એ છે કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં હંમેશા સક્રિય રહ્યા છે. દુનિયાને ગેરમાર્ગે દોરવાના પાકિસ્તાનના પ્રયાસોને ભારત સહિત જગતના શાણા નેતાએ સારી રીતે ઓળખી ચૂક્યા છે. આવા માહોલમાં ભારત તો ખૂબ જ કઠોર બનીને , પાકિસ્તાનને સબક શીખવાડવાના જ મૂડમાં છે. એ પાકિસ્તાનની કોઈ પણ વાત હવે જલ્દીથી વિશ્વાસ નહિ કરે. પાકિસ્તાનની તમામ ગતવિધિ પર ભારતની નજર છે.