પાકિસ્તાનમાં હિન્દુ વેપારીની હત્યાથી વિરોધ પ્રદર્શન, હાઈવે જામ કરાયો

 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વેપારીએ એક હિન્દુ વેપારીની ગોળી મારીને હત્યા કરતા ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધને લીધે ખુજદાર અને કરાચી વચ્ચે કલાકો સુધી ચક્કાજામ થઈ ગયો હતો. 

સોમવારે એક હિન્દુ વેપારીની હત્યાના વિરોધમાં બલુચિસ્તાનના ખુજદાર જિલ્લાના વાઘ શહેરમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. પોલીસના મતે મોટરસાઈકલ સવાર કેટલાક અજાણ્યા શખ્સોએ વાઘ બજારમાં અશોક કુમાર નામના એક વેપારીને ગોળી મારી દીધી હતી. અશોક કુમાર દુકાનમાં બેઠો હતો ત્યારે હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. તેમને સરકારી હોસ્પિટલમાં ખસેવડવામાં આવતા ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

હિન્દુ વેપારીની હત્યાના સમાચાર આગની જેમ ફેલાતા વાઘ બજારમાં વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી અને વિરોધ પ્રદર્શ કરીને ખુજદાર-કરાચી વચ્ચે પરિવહન થંભાવી દીધું હતું. બેરિકેડ્સ લગાવીને નેશનલ હાઈવેને જામ કરી દીધો હતો. બલુચિસ્તાન નેશનલ પાર્ટીના સમર્થક વેપારીઓ તેમજ કાર્યકરોએ સ્થાનિક તંત્ર તેમજ સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિરોધ કરી રહેલા ટોળાંએ વેપારીની હત્યાની આકરી નિંદા કરી અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની ફરિયાદ કરી હતી. વેપારીના હત્યારાઓને વહેલી તકે પકડીને સખત સજાની માંગ પણ કરવામાં આવી હતી.

સૂત્રોના મતે પાકિસ્તાન લશ્કરનું સમર્થન ધરાવતી જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરતા શફિક મેંગલ દ્વારા અશોક કુમારની હત્યા કરવામાં આવી છે. શફિક સામે આવા આક્ષેપો પ્રથમ વખત નથી થઈ રહ્યા. અગાઉ પણ લઘુમતિ હિન્દુઓની હત્યાનો આરોપ તેના પર લાગ્યો છે. ક્વેટા-કરાચી નેશનલ હાઈવે ઉપર પણ અડચણો ઉભી કરીને વેપારીઓએ વિરોધ કર્યો હતો. થોડા સમય બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવીને દૂર કરાતા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો હતો અને હાઈવે પર ટ્રાફિક હળવો થયો હતો.