પાકિસ્તાનમાં હિન્દુઓ પર સૌથી વધારે અત્યાચાર થઈ રહ્યો છેઃ સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હીઃ એક તરફ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈ હિંસક વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અલ્પસંખ્યકો સાથે ભેદભાવનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સ્થિતિનો અહેવાલ ખૂબ જ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)ના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં હિન્દુઓ સહિત અલ્પસંખ્યક સમુદાયના તમામ લોકોની સ્થિતિ ખૂબ જ કપરી છે અને તેમના સાથેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ દર્શાવતા યુએનના સીએડબ્લ્યુ અહેવાલમાં પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે ૪૭ પાનાંનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર અલ્પસંખ્યકોનાં હિતોની રક્ષા કરવાને બદલે કટ્ટરપંથી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહી છે. પાકિસ્તાનમાં હિંદુ અને ઈસાઈ સમુદાયના લોકોને સૌથી વધારે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યાંના લોકો આ બંને અલ્પસંખ્યક સમુદાયના લોકોને નિશાન પર લઈ હેરાન કરે છે અને તેમની યુવતીઓ અને મહિલાઓનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવે છે.
આ ઉપરાંત અલ્પસંખ્યક સમુદાયની સ્ત્રીઓને મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરવા માટે પણ વિવશ કરવામાં આવે છે. અલ્પસંખ્યક સમુદાયનાં બાળકો સાથેની વાતચીત દરમિયાન તેમણે પણ શાળામાં શિક્ષકો અને સહાધ્યાયીઓ તેમનું અપમાન કરતા હોવાની ફરિયાદ કરી હતી.