પાકિસ્તાનમાં મોંઘવારીનો હાહાકારઃ પેટ્રોલ-ડીઝલના ભાવ 270 રૂપિયાને પાર

ઇસ્લામાબાદઃ વધતી જતી મોંઘવારીને કારણે પાકિસ્તાનના લોકોની હાલત કફોડી બની રહી છે. સમગ્ર દેશ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. એવા સમયે શાહબાઝ સરકારે લોકોને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. હવે પાકિસ્તાન સરકારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 19 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જેના કારણે અહીં પેટ્રોલની કિંમત 272.95 રૂપિયા અને ડીઝલની કિંમત 273.40 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે આ ભાવવધારાને ‘રાષ્ટ્રીય હિત’માં ​​ગણાવ્યો છે.
પાકિસ્તાની મીડિયા ન્યૂઝ અનુસાર, નાણાં પ્રધાન ઈશાક ડારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 19 રૂપિયાનો જંગી વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની માંગણીઓ અનુસાર લેવામાં આવ્યો છે. સુધારેલી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ થશે. નાણાં પ્રધાને કહ્યું હતું કે જો સરકારે IMF સાથે કરાર ન કર્યો હોત, તો તેણે જનતાને રાહત આપવા માટે પેટ્રોલિયમ ડેવલપમેન્ટ લેવી (PDL)માં ઘટાડો કર્યો હોત.
અગાઉ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત નહોતી આપવામાં આવી. અગાઉ પાકિસ્તાનમાં પેટ્રોલ 253 રૂપિયા અને ડીઝલ 253.50 રૂપિયા પ્રતિ લીટર હતું. પાકિસ્તાન સરકારને આ કિંમતો વધારવાની ફરજ પડી છે કારણ કે તે IMFની શરતોથી બંધાયેલી છે. IMF એ પાકને લોન આપવા માટે કડક શરતો લાદી છે.કરારની જરૂરિયાતો પૈકી એક પેટ્રોલિયમ લેવીને વધારીને રૂ. 60 પ્રતિ લિટર કરવાની છે.