પાકિસ્તાનમાં બે ટંક ખાવાના પણ ફાંફાં: ઘઉંના લોટની કિંમત ‚રૂ૨૦૦ને પાર

 

બલૂચિસ્તાન: પાકિસ્તાનમાં લોકો બે ટંકના ભોજન માટે ટળવળી રહ્યા છે. પાકિસ્તાનમાં ઘઉંનો લોટ એટલો મોંઘો થઈ ગયો છે કે ગરીબ માણસ તેને ખરીદવા પણ સક્ષમ નથી. એક કિલો લોટની કિંમત ‚રૂ ૨૦૦ને પાર કરી ગઈ છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોટનું વેચાણ બંદૂકની છાયામાં થઈ રહ્યું છે. હજારોની ભીડ વચ્ચે કેટલાક લોકો ઘઉંના લોટના થેલાઓ પર બેઠા હતા, પરંતુ તેમ છતાં આ બોરીઓ લૂંટવાની હોડ લાગી હતી. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોરીઓ લોટથી ભરેલી હતી. જેને જોઈને લોકો તૂટી પડ્યા હતા. હજારો લોકો ભેગા થાય તો લોટ લૂંટીને ભાગી ના જાય એ માટે પાકિસ્તાન પોલીસે પોતાની બંદૂકો બહાર કાઢવી પડી હતી. પાકિસ્તાન ઘઉંના સંકટનો સામનો કરી રહ્યું છે. લોટના ભાવ આસમાને છે. ગરીબ લોકો માટે રોટલી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર લોકોને સબસિડી પર લોટ આપી રહી છે. લોટને લઈને ધિંગાણાની આ વાત માત્ર બલૂચિસ્તાનની નથી. સિંધ પ્રાંતમાંથી આવા જ સમાચાર બહાર આવ્યા છે. સિંધના મીરપુરમાં, ખાદ્ય વિભાગ તરફથી ટ્રક પર લાવવામાં આવેલા લોટના પેકેટ જોઈને ભીડ એકઠી થઈ ગઈ અને લૂંટ મચાવી હતી. લોટ ઝૂંટવવામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાકિસ્તાન સરકાર વતી લોટના વિતરણ દરમિયાન અકસ્માતો ટાળવા માટે સશસ્ત્ર પોલીસ તૈનાત કરવામાં આવી છે. આમ છતાં ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે. સૌથી ખરાબ સ્થિતિ ખૈબર પખ્તુનખ્વામાં છે. જ્યાં લોટની ટ્રક જોતા. મહિલાઓ પણ તેના પર તૂટી પડે છે કારણ કે હાલમાં પાકિસ્તાનમાં એક કિલો લોટની કિંમત રૂ ૨૦૦થી વધુ છે. પરંતુ સરકાર તરફથી લોટ ૬૫‚રૂપિયા પ્રતિ કિલોના સબસિડી દરે વેચાઈ રહ્યો છે. એક પરિવારને માત્ર પાંચ કિલો લોટ આપવામાં આવે છે.