પાકિસ્તાનને એક હાથે પરચો, બીજા હાથે દોસ્તી..

0
892

અટલ બિહારી વાજપેયીજી ત્રણ વખત વડા પ્રધાન બન્યાઃ તેર દિવસ, તેર મહિના અને પછી લગભગ પાંચ વર્ષ માટે. 1977માં મોરારજીભાઈ દેસાઈ જનતા પાર્ટીના નેતા તરીકે વડા પ્રધાન હતા, પણ કોંગ્રેસની કરામતથી કેન્દ્રમાં પહેલવહેલી બિન-કોંગ્રેસી સરકાર ટકી નહિ. બે વખત વાજપેયીજીની સરકાર પણ કોમવાદ – અર્થાત્ હિન્દુવાદના નામે તોડવામાં આવી અને તે પછી પ્રાદેશિક પક્ષોને સમજાયું અને ખાતરી થઈ કે આ બધી રાજરમત અને કરામત છે – ત્યારે રાજકીય અસ્પૃશ્યતાનો અંત આવ્યો અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ટકી શકી. અટલજીનો શાસનકાળ ઐતિહાસિક છે. લાલબહાદુર શાસ્ત્રીએ અલ્પ સમયમાં જય જવાન – જય કિસાનનું સૂત્ર આપ્યું અને પાકિસ્તાનનું નાક 1965માં કાપી નાખ્યું. ઇન્દિરાજી સાથે મતભેદ હોવા છતાં બાંગલાદેશની લડાઈ પછી વાજપેયીજીએ એમને દુર્ગાનાં નામથી નવાજ્યાં હતાં. આવી ખેલદિલી અને દેશપ્રેમ વિપક્ષોના નેતાઓ અપનાવે ખરા? અટલજીના અવસાન પછી એમના યોગદાન વિશે ઘણું કહેવાયું, લખાયું છે. રાજતંત્રમાં, અર્થતંત્રમાં એમણે સુધારા આગળ ધપાવ્યા. એમના શાસનકાળ દરમિયાન પોખરણ – (બે) અણુશક્તિ પ્રયોગો, લાહોરની બસયાત્રા, સંસદ ભવન ઉપર આતંકી હુમલો અને કારગિલનો વિજય હંમેશાં યાદ રહેશે.
અણુબોમ્બ – ભારતે બનાવવો જોઈએ એવો મુદ્દો 1967ની ચૂંટણીના ઘોષણાપત્રમાં સૌપ્રથમ હતો. વાજપેયી સરકારે 1998માં સત્તા ઉપર આવ્યા પછી બે જ મહિનામાં આ વચનની પૂર્તિ કરી બતાવી. 1996માં સરકાર – સત્તા માત્ર તેર દિવસની હતી. 1998માં તેર મહિના સત્તા હતી ત્યારે આ સિદ્ધિ રાષ્ટ્રના ચરણે ધરવામાં આવી. હકીકતમાં તો 1996ના તેર દિવસમાં જ અણુવૈજ્ઞાનિકોને અણુધડાકો કરવાની તૈયારી શરૂ કરવા જણાવાયું હતું, પણ તે પહેલાં સરકારની બહુમતી થઈ નહિ અને રાજીનામું આપ્યું. 1998માં 11મી અને 13મી મેના રોજ કુલ પાંચ અણુધડાકા સફળતાથી કરવામાં આવ્યા. 11મીએ બુદ્ધપૂર્ણિમાના દિવસે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને અટલ અને અડવાણીજી ઉપરાંત જ્યોર્જ ફર્નાન્ડિસ, જશવંત સિંહ, યશવંત સિન્હા, પ્રમોદ મહાજન અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર બ્રજેશ મિશ્રા સંદેશાની રાહ જોતા હતા ત્યાં જ અત્યંત ખાનગી ટેલિફોનની ઘંટડી રણકીઃ ટેસ્ટ્સ સફળ – તમામ પ્રયોગો સફળ થયા છે.
પહેલા દિવસે ત્રણ ભૂગર્ભ ધડાકા થયા, સાથે અણુસત્તાના ગ્રુપમાં ભારતે ધડાકા સાથે અન્ટ્રી કરી. ભારે ઉત્તેજના હતી. વડા પ્રધાન અટલજીએ ડો. એપીજે અબ્દુલ કલામ, આર. ચિદમ્બરમ અને ડો. અનિલ કાકોડકરનો આભાર માન્યો અને થોડી વાર પછી બહાર બગીચામાં પત્રકારો સમક્ષ આ જાહેરાત કરી. મે, 1974માં ઇન્દિરાજીએ પોખરણમાં કરેલા ધડાકા પછી 11મીએ ત્રણ અને 13મીએ બે વધુ પ્રયોગ થયા.
ભારતની આ સિદ્ધિ – ધડાકાની ગુંજ પશ્ચિમના દેશોમાં સંભળાઈ અને તેઓ ચોંકી ઊઠ્યા. અમેરિકા, બ્રિટન કે સોવિયેત સંઘની ગુપ્તચર એજન્સીઓને આપણા કાર્યક્રમની ગંધ પણ આવી નહિ.
પોખરણમાં રાત્રિ દરમિયાન વાહનો અને સાધનસામગ્રીની હેરફેર – હલચલ – કોઈ વાતનો અણસાર અમેરિકાની એજન્સીઓ આકાશમાંથી પણ જોઈ શકી નહિ. ભારતના ભૂગર્ભ ધડાકાઓની વાત અને પડઘા પ્રસરતાં પ્રમુખ ક્લિન્ટન છળી ઊઠ્યા અને ભારતને કોઈ પણ નાનીસરખી ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો, પણ ભારતમાં સ્વદેશી ભાવના – ઉમળકા સામે પ્રતિબંધ કોઈ વિસાતમાં ન હતા. વાજપેયીજીએ જો આ નિર્ણય લીધો ન હોત તો પાકિસ્તાન અને ચીન સામે આપણે કેવા વામણા બન્યા હોત તેની કલ્પના કરો, પણ વાજપેયી તો રાજપુરુષ હતા. સંસદમાં ઘોષણા કરી કે આ ધડાકા આપણા સંરક્ષણ માટે છે. આક્રમણ માટે નહિ. અમેરિકાને શાંત પાડવાનો માર્ગ ઇસ્લામાબાદ થઈને જાય છે!
તેથી એમણે અમૃતસરથી લાહોરની બસયાત્રા યોજીને પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને મળવાની જાહેરાત કરી. બસયાત્રામાં લેખકો, કલાકારો અને પત્રકારો પણ સાથે રાખ્યા. દેવ આનદ અને જાવેદ અખ્તર, મલ્લિકા સારાભાઈ વગેરે… બસ ઊપડ્યા પછી વાજપેયીજીને ખબર મળ્યા કે બાર હિન્દુઓની કતલ જમ્મુના ઉપરવાસમાં થઈ છે. હવે યાત્રા ચાલુ રાખવી? પણ પાકિસ્તાની સેના અને આઇએસઆઇની આ ચાલબાજી વાટાઘાટ તોડવા માટે હતીઃ બાજી નિષ્ફળ ગઈ. યાત્રા આગળ વધી. લાહોર વિમાનમથકે ઢોલ-નગારાં વગાડાતાં હતાં. નવાઝ શરીફે વાજપેયીને ભેટીને આવકાર્યા. પાકિસ્તાની સેનાના અધિકારીઓ હાજર હતા, પણ સલામી આપવા તૈયાર નહિ – પરવેઝ મુશર્રફનો હુકમ હતો!
ઓપરેશન શક્તિ – બોમ્બ પછી બસયાત્રા અને યશવંત સિન્હાના બજેટની વાહ-વાહ થઈ અને એનડીએના ભાગીદાર પક્ષોની એકતા મજબૂત થઈ ત્યારે કોંગ્રેસની કરામત શરૂ થઈ. તામિલનાડુમાં ડીએમકે સરકારને બરતરફ કરવાની માગણી કરી અને તેનો સ્વીકાર નહિ થતાં અન્ના ડીએમકે – જયલલિતાએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી, રાષ્ટ્રપતિ નારાયણને પણ ભાગ ભજવ્યો – વાજપેયીજીને ત્રણ દિવસમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું અને એકમાત્ર એક મતે સરકાર હારી. આ મત ઓડિશાના કોંગ્રેસી સભ્ય ગિરધર ગોમાંગોનો હતો – મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી લોકસભામાં સભ્ય તરીકે વોટ આપવા – ભુવનેશ્વરથી તાબડતોબ બોલાવવામાં આવ્યા હતા! આ પછી સોનિયાજીએ સરકાર રચવાનું આમંત્રણ મેળવ્યું, પણ મુલાયમ સિંહ ફરી બેઠા અને આખરે ચૂંટણી કરવી પડી!
પોખરણ બે બદલ વાજપેયી સરકારનો વિરોધ કરીને વખોડવા માટે સોનિયાજી ઉપર માર્ક્સવાદી નેતાઓનું દબાણ હતું. બંગાળનાં અખબારમાં ઝુંબેશ ચાલી, સોનિયાજીનું નિવેદન પણ તૈયાર હતું. આ દરમિયાન સિનિયર નેતા શરદ પવારે સરકારને અભિનંદન આપી દીધાં તેથી ટીકા કરતા નિવેદનનો નિર્ણય રદ થયો!
1999માં ફરીથી લોકસભાની ચૂંટણીમાં – ત્રીજી વખત ભાજપને સૌથી વધુ બેઠકો મળી, પણ મિશ્ર સરકારનો યુગ હોવાથી પ્રાદેશિક પક્ષો સાથે એલાયન્સ કરવું પડે અને બાંધછોડ પણ કરવી પડે, તેથી અયોધ્યામાં રામમંદિર અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 રદ કરવાનો આગ્રહ પડતો મુકાયા પછી એનડીએ સરકાર આવી શકી. 31મી ડિસેમ્બર, 1999માં કંદહારમાં આતંકવાદીઓને છોડીને આપણા ઇન્ડિયન એરલાઇન્સના 170 ભારતીય પ્રવાસીઓને બચાવવા પડ્યા. આ નિર્ણય આસાન નહોતો. વિદેશમંત્રી જશવંત સિંહ વિમાનમાં એમની સાથે આતંકવાદીઓને લઈ ગયા અને આ નિર્ણય એમણે પોતે લીધો છે, એમ કહ્યું… ભૂતકાળમાં વી. પી. સિંહની સરકાર વખતે કાશ્મીરી મુફતી મહમદ સઇદ ગૃહમંત્રી હતા અને એમની બેટી રુબિયાને આતંકવાદીઓ પાસેથી છોડાવવા માટે પણ આવી મોટી કિંમત ચૂકવવી પડી હતી.
લાહોરમાં નવાઝ શરીફ અને વાજપેયીજી મળી રહ્યા હતા અને બેક ચેનલ પરદા પાછળ વાટાઘાટ દ્વારા કાશ્મીર સમાધાન -નો તખતો રચાઈ રહ્યો હતો ત્યારે પરવેઝ મુશર્રફ કારગિલ હડપ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એમનો વ્યૂહ શ્રીનગર – લેહ હાઈવે કાપી નાખવાનો હતો. સિયાચીનના ગ્લેશિયર્સમાંથી ભારતીય સૈનિકોને પાછળ ધકેલીને કાશ્મીરનો કબજો લેવાની મુરાદ હતી. આ સાથે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ વધારવી અને આંતરરાષ્ટ્રીય તખતા ઉપર કાશ્મીરની ફરિયાદ કરવી.
આપણે ઓપરેશન વિજયની શરૂઆત કરી, પણ સેનાને સૂચના હતી કે અંકુશરેખા ઓળંગવી નહિ. સિનિયર અફસરોની માગ હતી કે આપણે આઝાદ કાશ્મીર સહિત પાકિસ્તાનમાં આતંકવાદીઓની છાવણી ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ. વિનોદ પુતને આ ઓપરેશનના ઇનચાર્જ બનનાર હતાઃ પણ વાજપેયીજીએ મંજૂરી આપી નહિ, કે આમ કરવાથી મોટું યુદ્ધ થઈ શકે. આના બદલે આપણા એરફોર્સ દ્વારા સરહદ ઉપરની પાકિસ્તાની છાવણીઓ ઉપર ભારે બોમ્બમારો કરવામાં આવ્યો અને ખતમ કરવામાં આવી. પોતાનો પ્લાન ધૂળમાં મળતો જોઈને મુશર્રફ નવાઝ પાસે દોડ્યા હતા કે બચાવો – અમેરિકાને કહો… પણ આ નામોશી ઢાંકવા માટે આખરે મુશર્રફે બળવો કરીને નવાઝને સત્તાભ્રષ્ટ કર્યાં…
પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા વાજપેયીજીએ મુશર્રફને આગરા શિખર પરિષદ માટે બોલાવ્યા, પણ મુશર્રફની દાનત સાફ નહોતી. બાંગલાદેશમાં વિજય મેળવ્યા પછી જનસંઘે ઇન્દિરાજીને બિરદાવ્યાં હતાં, પણ કારગિલ વખતે કોંગ્રેસના નેતાઓ રાજકારણ છોડી શક્યા નહિ. પ્રશ્ન અને પ્રતિષ્ઠા ભારતનાં છે તે સ્વીકાર્યું નહિ. ઓક્ટોબર, 2007માં વડા પ્રધાન ડો. મનમોહન સિંહે કહ્યુંઃ અમે જાણીએ છીએ કે કારગિલ લડાઈ શા માટે થઈ… કારગિલ યુદ્ધ ચાલતું હતું ત્યારે કપિલ સિબ્બલે કહ્યું હતું – કારગિલ ફિયાસ્કા માટે વાજપેયી સરકાર જવાબદાર છે. એમને ઘૂસણખોરીની જાણ હતી છતાં ઊંઘતા રહ્યા…

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી છે.