
ઈમરાન ખાન હતાશ છે. જમ્મુ- કાશ્મીરના મુદે્ કલમ 370 અને 35-એ હટાવી લેવાના ભારતના નિર્ણય સામેો પાકિસ્તાનના વિરોધનું માત્ર ચીન સિવાય દુનિયાના કોઈ પણ દેશે સમર્થન કર્યું નથી. જમ્મુ- કાશ્મીર ભારતનું રાજ્ય છે અને કલમ 370 રદ કરવાનો મોદી સરકારનો નિર્ણય એ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાનની સરકારને એની સાથે કશી નિસબત નથી. આ વાત મોદીસરકારે – ભારતના વિદેશ વિભાગે દુનિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધી છે. ફ્રાંન્સ, રશિયા, માલદીવ, શ્રીલંકા અને યુએઈ- દ્વારા ભારતના નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું છે. દુનિયાભરમાં કોઈએ પાકિસ્તાનની વાત કાને ધરી નથી. યુનાઈટેડ નેશન્સમાં પણ ચીનની દરખાસ્તને કારણે સિક્યુરિટી કાઉન્સિલમાં મુદા્ની ચર્ચા કરવામાં આવી પરંતુ વાત આગળ ના વધી. જમ્મુ- કાશ્મીર ભારત- પાકિસ્તાનનો દ્વિપક્ષી મામલો છે, તેમાં બહારના કોઈની દરમિયાનગિરી શક્ય નથી. આવી પરિસ્થિતિમાં હતાશ અને નિરુપાય થયેલા પાકિસ્તાને ભારત સામે વિવિધ પ્રકારના પ્રતિબંધ અને નિર્ણય લેવાના શરૂ કર્યાં છે. હાલમાં પાકિસ્તાનની સિવિલ એવિયેશન ઓથોરિટીની તરફથી નોટિસ જારી કરીને કરાચી એરસ્પેસના ત્રણ રુટ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એરસ્પેસ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ આંતરરાષ્ટ્રીય વિમાન- સેવાઓને કરાચી રૂટબંધ હોવાનું જણાવીને કોઈ વૈકલ્પિક રૂટ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાનના પ્રધાન ફવાદ હુસૈન ચૌધરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારત માટે પોતાનું એરસ્પેશ પૂરી રીતે બંધ કરવા માટે વિચાર કરી રહ્યું છે. અફઘાનિસ્તાન સાથે થતા વેપાર માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા અંગે ભારત પર પ્રતિબંધ મૂકવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય બાબત એ છેકે, 26 ફેબ્રુઆરીએ થયેલા બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. ત્યારબાદ 27 માર્ચે પાકિસ્તાને પોતાનું એરસ્પેશ ખોલ્યું પરંતુ નવી દિલ્હી, બેંગકોક તેમજ મલેશિયા જતી ફલાઈટસના માર્ગ બંધ હતા.
ભારત સામે મોરચાો માંડવાના, સરહદ પર સીમા- ભંગ કરવાના, હુમલાઓ કરવાના જાતજાતના પેંતરા અજવાવતું પાકિસ્તાન પોતાના આવા બાલિશ કૃત્યો દ્વારા જગતભરમાં હાસ્યાસ્પદ બની રહ્યું છે.