પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમારો વતન પરત ફર્યા

અમદાવાદ: પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમૂહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી વડોદરામાં આવી પહોંચ્યા હતા. ચાર વર્ષના અંતરાલ બાદ વડોદરામાં આ સમૂહનું ટ્રેન મારફત આગમન થતાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સીમામાંથી પકડાયેલા મોટા ભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૮૪, આંધ પ્રદેશના ૩, દિવના ૪, મહારાષ્ટ્રના ૫ અને ઉત્તર પ્રદેશના બેનો સમાવેશ થાય છે. ગુજરાતના ૧૮૪ વ્યક્તિમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨, દેવભૂમિ દ્વારકાના ૨૨, જામનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.