પાકિસ્તાનના ૨૩મા વડાપ્રધાનપદે શાહબાદ શરીફે શપથ ગ્રહણ કર્યા

પાકિસ્તાન: પાકિસ્તાનમાં એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવી ગયો. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના નેતા શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતાં. આ પહેલા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના તમામ સાંસદોએ રાજીનામા આપી દીધા હતાં અને વડાપ્રધાનની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ તરફ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતાં. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે ભારત આતંકમુક્ત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે જેથી કરીને આપણે આપણા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની ભલાઇ અને સમૃદ્ઘિ સુનિશ્ર્ચિત કરી શકીએ.

આમ, પાકિસ્તાનમાં શાહબાઝ યુગની શ‚આત થઇ ગઇ છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ શાહબાઝ શરીફને વડાપ્રધાન તરીકે પસંદ કરી લીધા છે. તેમને નેશનલ એસેમ્બલીમાં કુલ ૧૭૪ મત મળ્યા હતાં. શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના અધ્યક્ષ છે. ગઇકાલ સુધી શાહબાઝ શરીફ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા હતાં, પરંતુ આજથી શાહબાઝ વડાપ્રધાન બની ગયા. તેમણે વડાપ્રધાન પદના શપથ લઇ લીધા છે.

આ પહેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અચાનક જ રજા પર ઉતરી ગયા હતાં. મીડિયા અહેવાલો મુજબ તેઓ શાહબાઝને વડાપ્રધાન પદે આ‚ઢ થતાં નથી જોવા માગતા ન હતાં. જોકે ડો. આરિફ અલ્વીએ ગભરામણ થઇ હોવાની ફરિયાદ કરી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું કે ડોક્ટરોએ તેમની સારી રીતે તપાસ કરી છે અને તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. આ તરફ વડાપ્રધાન તરીકે પસંદ થયા બાદ શાહબાઝ જેવા જ સંસદમાંથી બહાર નીકળ્યા તો ભત્રીજી મરિયમ નવાઝ તેમને ભેટી પડ્યાં અને તે સાથે જ ડૂમો ભરાઇ આવ્યો. શાહબાઝે તેમની પીઠ થપથપાવી હતી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં શાહબાઝ શરીફને સેનેટના ચેરમેને શપથ લેવડાવ્યા હતાં. 

સંસદમાં મતદાન પહેલા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના તમામ સાંસદો અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ રાજીનામું આપી દીધું હતું. ઇમરાનની પાર્ટી તરફથી પીએમ પદના ઉમેદવાર શાહ મહેમૂદ કુરેશીએ નામ પરત લઇ લીધું હતું. શહબાઝ શરીફે કહ્યું હતું કે સર્વશક્તિમાને પાકિસ્તાન અને દેશના ૨૨ કરોડ લોકોને બચાવી લીધા છે. આ પહેલી વખત છે જ્યારે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર મતદાન સફળતાપૂર્વક પસાર થયું છે. આ દેશના લોકો આ દિવસનો જય મનાવશે. 

સ્પીકર અયાઝ સાદિકે આ દરમિયાન ભૂલથી નવાઝ શરીફને નવા વડાપ્રધાન જાહેર કરી દીધા હતાં. પરંતુ તેમણે તુર્ત જ પોતાની ભૂલ સુધારી દીધી હતી અને કહ્યું હતું કે, હું માફી માંગુ છું. મિયાં મોહમ્મદ નવાઝ શરીફ દિલ-દિમાગમાં છવાયેલા છે. આ દરમિયાન ૩ એપ્રિલે અવિશ્ર્વાસ પ્રસ્તાવને ફગાવી દેનાર ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ એ ચર્ચાસ્પદ બનેલા પત્રને સંસદમાં બતાવ્યો હતો જે ૨૭ માર્ચે ઇમરાનની ઇસ્લામાબાદની રેલી બાદ ચર્ચામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે વિદેશી ષડયંત્રને કારણે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે. 

આ તરફ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શાહબાઝને પીએમ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે શાહબાઝ અને તેમની સરકાર સામે મોટા પડકારો છે. પરંતુ તેમને અનેક શુભકામનાઓ. સાથે જ કહ્યું કે અમારી પ્રતિબદ્ઘતા પૂરી થઇ છે. અમે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પીએમને હટાવી દીધા. બિલાવલે કહ્યું કે અમે ચૂંટણી સુધારા, લોકતંત્રની બહાલી અને તમામ માટે સમૃદ્ઘિ તરફ આગળ વધી રહ્યાં છીએ.