પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરૂદ્ઘ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી

 

ઇસ્લામાબાદ: ઇસ્લામાબાદની કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરૂદ્ઘ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ છે. આ મામલો એક મહિલા જજને ધમકી આપવાનો છે. આ પહેલા ખાન વિરૂદ્ઘ ૩ કેસમા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. તેમાંથી એક કેસમાં તેને હાલ જેલમાં જવાથી રાહત મળી છે. કોર્ટે પોલીસને આપેલા આદેશમાં કહ્યું ઇમરાનની ધરપકડ કર્યા પછી, તેમને ૨૯ માર્ચે અમારી સમક્ષ હાજર કરો. ગયા વર્ષ ૨૦ ઓગસ્ટના રોજ ઇમરાને કોર્ટ પરિસરમાં તેની વિરૂદ્ઘ આદેશ આપનાર જેબા ચૌધરીને ધમકી આપી હતી. લાહોર પોલીસની એક ટીમ અને રેન્જર કમાન્ડોની ટૂકડી લાહોરમાં ઇમરાન ખાનના ‘જમાન પાર્ક’ ઘર પર પહોંચી ગઇ છે. એવું માનવામાં આવે છે કે હવે કોઇપણ સમયે પોલીસ અને રેન્જર્સની ટીમ ખાનના સમર્થકોને બહાર કાઢીને તેમની ધરપકડ કરશે.આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા ઇસ્લામાબાદ લાવવામાં આવી શકે છે. સુનાવણી દરમિયાન જિલ્લા ન્યાયાધીશ રાણા મુજાહિદ રહીમે આદેશમાં કહ્યું દેશના ન્યાયતંત્રનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઇ વ્યકિત ગમે તેટલો મોટો હોય કે ગમે તે હોદ્દો ધરાવતો હોય, જો તે ન્યાયાધીશોને ખુલ્લેઆમ ધમકી આપે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઇએ. નજીવી કિંમતે તોશાખાનાની ભેટ ખરીદવા અને પછી તેને કરોડો રૂપિયામાં વેચવા બદલ ગત સપ્તાહે ઇમરાન વિરૂદ્ઘ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન ઇમરાનના વકીલે દલીલમાં કહ્યું કે ખાનની ઉંમર ૭૧ વર્ષ છે. તેના પગ પર પ્લાસ્ટર છે. આ સિવાય જો તે ખતરામાં છે તેના પર જજ રાણા રહીમે કહ્યું આ દેશમાં સુરક્ષાની જવાબદારી પોલીસ અને અન્ય વિભાગોની છે. તમને દરેક કિસ્સામાં રાહત આપી શકાય નહીં. અમે ઇમરાનની ધરપકડ કરવાના આદેશ જારી કરી રહ્યાં છીએ. પોલીસે તેમને ૨૯ માર્ચ પહેલા હાજર કરવા જોઇએ.