પાકિસ્તાનના કરાચીમાં પ્રાચિન હિન્દુ મંદિરમાં તોડફોડ, ભગવાન ગણેશની પ્રતિમાને તોડી

 

કરાચીઃ પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં કટ્ટરપંથીઓની ભીડે એક બાળક પર પયગંબરની નિંદાનો આરોપ લગાવ્યો અને એક પ્રાચીન મંદિરમાં ખુબ તોડફોડ કરી હતી. લ્યારી વિસ્તારમાં થયેલી આ ઘટનામાં કટ્ટરપંથીઓની ભીડે પહેલા હિન્દુઓ પર નિંદાનો આરોપ લગાવ્યો અને પછી કેટલાક લોકોએ પ્રાચીન મંદિરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ગણેશ અને શંકર ભગવાનની મૂર્તિઓને તોડી નાખી હતી. 

કટ્ટરપંથીઓએ કોઈ પુરાવા વગર હિન્દુ બાળક પર નિંદાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનીક હિન્દુ સમુદાયે આરોપ લગાવ્યો કે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારની લી માર્કેટમાં આવેલું છે. એટલું જ નહીં મંદિરની અંદર લાગેલી ભગવાનની તસવીરોને પણ ફાડી દેવામાં આવી હતી. છેલ્લાં ૨૦ દિવસમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ ત્રીજી ઘટના છે. 

એ મહત્ત્વનું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને તેમના મંદિરો પર સતત હુમલા થઈ રહ્યાં છે. કરાચીની ઘટના પહેલા સિંધ પ્રાંતના થારપારકર જિલ્લાસ્થિત નાગારપારકરમાં ધર્માંધ લોકોએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી અને મંદિરમાં મોટું નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું કે, અડધી રાત્રે અજાણ્યા લોકો મંદિર પરિસરમાં ઘુસ્યા હતા. ત્યારબાદ તેમણે દરવાજાને બંધ કરી મૂર્તિને તોડી દીધી હતી. તેમણે જતા-જતા મંદિરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અત્યાર સુધી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. 

મંદિરની પાસે રહેતા હિન્દુ સંગઠનોઐ આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કરી જલદી દોષિતો વિરુદ્ધ કાર્યવાગીની માગ કરી છે. હિન્દુ સમુદાયે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ અસ્વીકાર્ય છે અને સરકારે દોષિતોને પકડવા જોઈએ. બીજા અન્ય મામલાની જેમ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું કે, જે પણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. 

એક રિપોર્ટ અનુસાર, ૨૦ દિવસ પહેલા પણ સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા એક્સપ્રેસ ટ્રિબ્યૂન અનુસાર, આ મામલામાં ફરિયાદી અશોક કુમારે આરોપ લગાવ્યો હતો કે મંદિરમાં તોડફોડ મુહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે ચટ્ટો શીદીએ કરી હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here