પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ કોરોનાની રસી લઇ શકશે

 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધા જ રાજ્યો, ખાનગી હોસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટોક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હોસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે. ખાનગી હોસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચેનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે. ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે અને ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓને જ એ આપી શકાશે. ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિઃશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી બેઠકમાં ૧૮ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપવાની વાતને મંજૂરી અપાઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. વધુમાં વધુ નાગરિકોને ઓછા સમયમાં રસીના ડોઝ મળી રહે એ માટે સરકાર ગત એક વર્ષથી સખત મહેનત કરી રહી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપે લોકોને રસીના ડોઝ આપી રહ્યું છે અને અમે આ ગતિ વધારતા રહીશું.