પહેલીવાર ડ્રોનથી થયો આતંકી હુમલો, એરફોર્સ સ્ટેશન પર પાંચ મિનિટમાં બે ધડાકા

 

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ એરપોર્ટ સંકુલ (એરફોર્સના તકનીકી ક્ષેત્ર)માં રવિવારે (૨૭ જૂન) બપોરે ૨ વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે વિસ્ફોટ થયાં. જેમાં એરપોર્ટના તકનીકી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની છતને નુકસાન થયું છે. આ સ્થાનની જાળવણી કરવાની જવાબદારી એરફોર્સને સોંપવામાં આવી છે. બીજો બ્લાસ્ટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. 

વિસ્ફોટમાં વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કોઈ સાધનને નુકસાન થયું નથી. આ કેસમાં બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. ભારતીય સૈન્ય મથક પર આ પહેલો ડ્રોન હુમલો છે. આ અંગે હજી સુધી એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે એરફોર્સ સ્ટેશન પર ડબલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણાવ્યો હતો. તેમણે બંને વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટક સામગ્રી છોડવાની આશંકા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હવાઇ મથકથી સરહદ સુધી એરપોર્ટથી પાંચ કિલોમીટરનું અંતર છે. એવી આશંકા છે કે આ ડ્રોન સરહદ પારથી હેન્ડલ કરવામાં આવી રહ્યુ છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં આતંકવાદી નેટવર્કની સંભવિત સંડોવણી સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, ભારતીય વાયુ સેનાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી છે