શ્રીનગરઃ સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં લપેટાઈ ગયું છે. શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ ૬ ડિગ્રી સે.સુધી ગગડી ગયો તો રાજધાની દિલ્હીમાં મંગળવારે લઘુતમ તાપમાન ૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાતા જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. નવા વર્ષની શરૂઆતના કાઉન્ટડાઉન વચ્ચે ઉત્તર ભારતમાં ઠંડીએ બરાબર જોર બતાવ્યું છે. ઝાકળના ટીપાં પણ બરફ બની ગયા છે.
ઉત્તર ભારતમાં પહાડો પર હિમવર્ષા ચાલુ છે. જેને પગલે મેદાની વિસ્તારોમાં શીતલહેર ફરી વળી છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત રાજ્યોમાં ઠંડીએ જાણે કહેર મચાવ્યો છે. કાશ્મીરથી રાજસ્થાન સુધી અનેક શહેરોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે.
ડિસેમ્બર માસ છેલ્લા તબક્કામાં છે અને અનેક રાજ્યોમાં ઠંડી એવી છે કે દિવસે તડકો નિકળવા છતાં ઠંડા પવનો અકળાવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર પહાડો પર પડી રહેલી હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ભીષણ ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં ઠંડીના પ્રકોપ વચ્ચે પાણીની લાઈનો થીજી જતાં મુશ્કેલી સર્જાઈ છે.
હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે હાલ ઠંડીમાં રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. રાત્રીના સમયે લઘુતમ તાપમાન નીચું રહેશે. રાજસ્થાનમાં માઉન્ટ આબુ, ચુરૂ, હનુમાનગઢ, ઝુંઝનું અને સીકરમાં બે દિવસનું એલર્ટ જાહેર કરાયું છે. ફતેપુર શેખાવાટીમાં પારો માઈનસ પાંચ ડિગ્રી સુધી નીચે આવી ગયો છે.