પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાત વાવા ઝોડા અમ્ફાને બેસુમાર વિનાશ સર્જયોઃ આખું કોલકતા શહેર અસ્ત- વ્યસ્ત થઈ ગયું.. અનેક લોકો બેઘર,અનેક મકાનો ધરાશાયી, આશરે 72 લોકોનાં મૃત્યુ…

 

          કુદરતી આફતની સામે માણસ લાચાર બની જાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ અને વાવાઝોડાને કારણે માનજીવન વેરવિખેર થઈ જાય છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાએ સમગ્ર પશ્ચિમ બંગાળમાં વિનાશ સર્જયો હતો. કોલકાતા શહેર આખું પાણીમાં તરબોળ બની ગયું હતું. રસ્તાઓ, બજારો, રહેવાસી મકાનો, એરપોર્ટ, ગરીબોની ઝૂંપડપટ્ટીઓ અને રેલવે સ્ટેશનો , રેલવે – લાઈનો – બધું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.      તોફાનને કારણે અનેક મકાનો , વીજળીના થંભલાઓ જમીનદોસ્ત થયા હતા. અનેક લોકોને પોતાના ધર છોડીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના જણાવ્યા અનુસાર, તેમણે આટલો ભયાાનક વિનાશ કદી જોયો નથી. વાવાઝોડાને કારણે રાજ્યના વિવધ વિસ્તારોમાં હજારો મકાનોને નુકસાન થયું હતું. આશરે 6 લાખ લોકોને ઘરની બહાર કાઢીને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા હતા. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીશ કે, તેઓ જાતે પશ્ચિમ બંગાળના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ  કરવા અહીં આવે.

         અમ્ફાને કારણે દેશના પશ્ચિમ બંગાળ અને  ઓડિશા રાજ્યમાં જે વિનાશ થયો છે તે અંગે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાને ટ્વીટ કરીને આ અંગે   ઘેરી ચિંતા અને દુખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું પશ્ચિમ બંગાળમાં અમ્ફાને કરેલા વિનાશના દ્રશ્યો જોઈ રહ્યોછું, આ સમયેે આખો દેશ પશ્ચિમ બંગાળની સાથે છે. અમે રાજયની જનતાની સુખાકારીની ખેવના રાખીએ છીએ. પરિસ્થિતિને સામાન્ય બનાવવાના અમારા પ્રયાસો ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે વાત કરીને તેમને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની ખાત્રી આપી હતી. ગૃહપ્રધાન અમિતશાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશના પત્યેક નાગરિકની સુરક્ષા માટે પ્રતિબધ્ધ છે. 

     દરમિયાન સત્તાવાર સમાચાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકત લેશે. તેઓ તોફાનને કારણે જયાં જયાં વિનાશ સર્જાયો છે તે વિસ્તારોનું હવાઈ- યાત્રા દ્વારા નિરીક્ષણ કરશે.   ત્યારબાદ યોજાનારી સમીક્ષા બેઠકમાં પણ હાજરી આપશે. આ સમીક્ષા બેઠકમાં રાહત અને પુનર્વસવાટના મુદા્ઓ પર વિચાર કરવામાં આવશે.