પલ દો પલ કા ફિલસૂફ

0
791

(ગતાંકથી ચાલુ)
દિવાળીના દિવસોમાં ઘોંઘાટ અને પ્રકાશનું આક્રમણ વેઠનારો માણસ અડધોપડધો ફિલસૂફ બની જાય છે. ઘોંઘાટ વેઠવાની ક્ષમતા ધરાવનાર મનુષ્યને અસભ્ય ગણવાની વાત શોપનહોઅરે કરી હતી. જે મનુષ્ય પુષ્પો, કલાકો અને પ્રેમ વહેંચવાની તકો વેડફી નાખવા તૈયાર હોય તેને અસભ્ય ગણવાનું શરૂ થશે, ત્યારે દુનિયામાં ગરીબી નહિ હોય. ગરીબી જળવાઈ રહે તે માટે ગરીબ પોતે પણ ઓછો જવાબદાર નથી હોતો. દિવાળીના દિવસોમાં જે ગરીબી પ્રગટ થાય છે, તે તો ખાસી મોભાદાર હોય છે. ઝૂંપડી સાથે જોડાયેલી ગરીબી ઝટ નજરે પડે છે, પરંતુ બંગલા સાથે જોડાયેલી ઝળહળતી ગરીબી જોવા માટે ત્રીજી આંખની જરૂર પડે છે.
અમેરિકન સંગીતકાર યુ. બી. બ્લેકની 105મી વર્ષગાંઠ મનાવવા માટે એકઠા થયેલા પ્રશંસકો આગળ પ્રગટ થયેલા શબ્દો હૈયે ચોંટી જાય તેવા છે. એ સંગીતકારે સૌને કહ્યુંઃ
જો મને,
પહેલેથી ખબર હોત
કે હું આવું લાંબું જીવવાનો છું,
તો મેં મારી જાતની
વધારે સારી કાળજી રાખી હોત.
સંગીતકારની વાતમાં દમ છે. પોતાની જાતની પૂરતી કાળજ ન રાખવી એ ઘણાખરા અસભ્ય માણસોની ખાસિયત હોય છે. કડકડતી ઠંડીમાં ઠંડે પાણીએ સ્નાન કરનારા એક સેવક સાથે મારો પરિચય હતો. પોતાની જાતને કષ્ટ પહોંચાડનાર ક્યારેક પોતાના શરીર સાથે હિંસક વ્યવહાર કરતો હોય છે. દ્વેષના અનેક પ્રકાર હોય છે. તેમાંનો એક છેઃ સગવડદ્વેષ. જે સિનિયર સિટિઝન પોતાને પ્રાપ્ત થતી સહજ સગવડ જતી કરવામાં ગૌરવ અનુભવે છે, તે પરિપક્વ નાદાન ગણાય. શરીર નબળું પડી જાય ત્યારે ઓછી મુસાફરી થાય તે ચાલે, પરંતુ એસી ચેરકારમાં અગાઉથી રિઝર્વેશન ન થયું હોય એવી અગવડયુક્ત મુસાફરી ન ચાલે. ગબડી જવાને કારણે થયેલું ફ્રેક્ચર મોંઘું પડે છે. આખી જિંદગી કામ કર્યા પછી પ્રત્યેક સિનિયર સિટિઝનને કેટલીક લઘુતમ સગવડ ભોગવવાનો અધિકાર છે. એવી સગવડ જતી કરવામાં ત્યાગની ભાવના નથી. એ તો જીવનભર પોષેલી, પંપાળેલી અને છાતીએ વળગાડેલી લોભવૃત્તિનો શાંત કોલાહલ છે.
સાન્તા ક્લોઝ પ્રત્યેના મારા આકર્ષણનું કારણ સાવ મૌલિક છે. સાન્તા ક્લોઝ વર્ષમાં એક જ વાર લોકોની અને ખાસ કરીને બાળકોની મુલાકાતે પધારે છે. એ જ સાન્તા ક્લોઝ જો દર અઠવાડિયે કે દર મહિને આવે, તો એનાં માનપાન ઘટી જાય. જે વક્તા પ્રવચનો માટે મળેલાં બધાં જ આમંત્રણો સ્વીકારીને હરખભેર ગમે ત્યાં પહોંચી જાય, તેનો શબ્દ ક્ષીણ થાય છે. જે વક્તાનો એક પણ દિવસ માઇકવિહોણો ન જાય, તે વક્તાને સાંભળવા જનાર મનુષ્ય લગભગ નવરો હોય એ શક્ય છે. ગમે તેવા અસામાન્ય વક્તાની બધી જ ગંગાસ્વરૂપ સભાઓમાં હાજર રહેનાર શ્રોતા પણ દયનીય છે. એ કેવળ વખત મારવા માટે સભામાં જાય છે. વખત મારવો એ પણ એક પ્રકારની હિંસા છે. સમરસેટ મોમ કહે છેઃ એ એક રમૂજી વાત છે કે જો તમે તમારા જીવનમાં શ્રેષ્ઠતાનો આગ્રહ રાખો, તો ઘણુંખરું તમને બધું શ્રેષ્ઠ જ મળી રહે છે.
સુજ્ઞ શ્રોતાઓને ઉત્તમ વક્તવ્ય પામવાનો અધિકાર છે. જે સભામાં પૂરતી તૈયારી કર્યા વિના પણ જઈ શકાય, તે સભામાં પ્રવચન કરવાનું ટાળવું એ પણ વાણીનું તપ છે. પ્રવચનના કાર્યક્રમમાં જો ટાઇમ બજેટ જેવું કશું ન હોય તો એક જ મૂર્ખ વક્તા બીજા ચાર સુજ્ઞ વક્તાઓનો ટાઇમ ખાઈ જતો હોય છે. માઇક પરથી વહેતા આતંકવાદ સામે બેઠેલા લાચાર શ્રોતાઓનાં બગાસાં તો શ્રોતાઓની મજબૂરી પર થતા બળાત્કારનો અહિંસક પ્રતિકાર ગણાય. બગાસાં પ્રામાણિક હોય છે. એમાં દંભ નથી હોતો. નાની વયના વિદ્યાર્થીઓ સામે ગાંધી પર પ્રવચન કરતી વખતે વક્તાની કસોટી થતી હોય છે. આયરલેન્ડમાં વાર્તાઓ કહેવાની પરંપરા ભારતની માફક પ્રચલિત છે. ગાંધીજીને પણ વાર્તાશૈલીમાં ઢાળવાનું શક્ય છે. ગાંધીજનો જો ટૂંકું બોલે, તો ગાંધીજીના સમ! યુવાનોને પણ સમજાય તેવું કોઈ ગાંધીજન બોલે તો રેંટિયાના સમ! માનવજાત આજે પોતે જ પેદા કરેલા ઘરગથ્થુ ત્રાસનો સામનો કરી રહી છે. માનવીને પજવતા સૌથી વિકરાળ આતંકવાદનું નામ કંટાળો છે. લગ્નજીવન પણ કંટાળાજનક બની શકે છે. ક્યાંક નિર્દોષ પત્ની ક્રૂર પતિનો ત્રાસ વેઠતી રહે છે, તો ક્યાંક સમજુ પતિ અક્કલવિહોણી પત્નીના અત્યાચારો વેઠતો રહે છે. બન્ને વચ્ચેનો કાયમી કુમેળ ઘરનાં બાળકોને રોજ ધરતીકંપનો અનુભવ કરાવે છે. સુમેળથી જીવતો પ્રસન્ન પરિવાર એકવીસમી સદીમાં મંદિરનો દરજ્જો પ્રાપ્ત કરશે. સહજીવનની સુગંધ મંદિરના ગભારામાં પ્રસરતી ધૂપસુગંધ જેવી પવિત્ર હોય છે. પરિવારની જાળવણીની બાબતે અમેરિકન સમાજ નાદાન અસભ્યતામાં જીવનારો પછાત સમાજ ગણાય. એવો સમાજ ફેશનની નિકાસ કરી શકે, ઉમદા વિચારો આયાત કરી શકે અને બહુ બહુ તો હિરોશિમા પર અણુબોમ્બ ઝીંકી શકે. જે સમાજમાં બાળકને ઉઘાડવા માટે એક મધુર હાલરડું ન હોય, એ સમાજમાં ડોલરનાં તોરણિયાં પણ મનની શાંતિ નહિ આપી શકે. એક અમેરિકન દીકરાએ બાપ પાસે વીસ ડોલર માગ્યા. પિતાએ આપી દીધા. બીજે દિવસે પણ દીકરાએ વીસ ડોલર માગ્યા ત્યારે પિતાએ મોં બગાડ્યું, પણ ડોલર આપી દીધા. ત્રીજે દિવસે દીકરાએ ફરીથી વીસ ડોલર માગ્યા ત્યારે બાપે કહ્યુંઃ જ્હોન, તને ખબર છ? હું એક કલાક સખત મહેનત કરું ત્યારે મને વીસ ડોલર મળે છે. દીકરાએ કહ્યુંઃ ડેડ! આ વીસ ડોલર પાછા લઈ લો અને કહો કે મને તમે એક કલાક ક્યારે આપશો?
નવેમ્બર-ડિસેમ્બરમાં અસંખ્ય એનઆરઆઇ મિત્રો આપણાં નગરોમાં આવી પહોંચશે. તેઓ ખાધેપીધે સુખી હોય છે. તમે ધારી ધારીને એમને નીરખશો તો કદાચ એક બાબત જડશે. તેઓ કશીક એવી ચીજ ખોળી રહ્યા છે, જેનો અમેરિકામાં ક્યાંય પત્તો નથી. એ ચીજ તે ઉમળકો. (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.