પર્વતીય પરી સુરભિ ચાવડા

દઢ મનોબળ ધરાવતી વ્યક્તિને હિમાલય કે સમંદર નડતો નથી.
મુઝે આસમાંકો છૂનેકી આશ હૈ… ચાંદ સિતારો સે ખેલને કી ખ્વાહિશ હૈ… ઇસ લિયે હર વક્ત મેં ગગનચુંબી શિખરો સે દોસ્તી કરતી રહેતી હૂં. બાદલો સે મૈં ભીગી ભીગી બાતે કરતી હૂં…. ઔર તૂફાનો સે ઝાંસીકી રાની બનકર લડતી હૂં… મૈં લડકી હૂં તો ક્યા હુઆ? મેરે સીને મેં ભી કુછ કરકે દિખાને કી આગ જલતી હૈ.. શોલે ભડકતે હૈ.
પર્વતીય સૌંદર્ય અને પર્વતીય વાતાવરણ વચ્ચે ઊછરેલી સુરભિ કહે છે કે પર્વત કે કોઈ પણ નક્કી કરેલા સંકલ્પનું ‘શિખર’ એ મારું જીવન ધ્યેય, લક્ષ્ય રહ્યું છે. જ્યાં સુધી એ શિખર પર પહોંચીને ‘ઓ ગોડ આઇ ડીડ ઇટ’ની બૂમ ન પાડું ત્યાં સુધી હું ઝંપતી નથી!
આજ મેં ઉપર આસમાં નીચે જેવો જુસ્સો ધરાવતી સુરભિ પર્વતીય પરી છે. પર્વતોમાં ફરવાની અને પર્વત જેવું અડગ મનોબળ ધરાવતી સુરભિએ વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી ઊંચો ગણાતો પર્વત ‘કિલિમાંજારો’ સર કરવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
કિલિમાંજારો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલો આ સૌથી ઊંચો પર્વત 19,341 ફૂટની ઊંચાઈ ધરાવે છે. આ કિલિમિાંજારો પર્વત સર કરતાં આપણી ગુજ્જુ ગર્લ સુરભિની ઊંચાઈ 19,436 ફૂટ અને બે ઇંચની થઈ ગઈ હતી!! હા… તે ગુજરાતની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી યુવતી બની છે.
ગુજરાતના ગૌરવસમા, આધ્યાત્મિક અને ઐતિહાસિક એવા ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢની આ સાહસિક યુવતીએ પંદરમી માર્ચ, 2018ના રોજ માઉન્ટ કિલિમાંજારો પર સફળતાના સૂર રેલાવ્યા હતા અને ખૂબ જ ગૌરવથી ભગવાનનો આભાર માનતાં કહ્યું હતુંઃ ઓ ગોડ આઇ ડીડ ઇટ! આ 19,000 ફૂટથી વધુ ઊંચા એવા પર્વતારોહણની રોમાંચક અને યાદગાર ચોથી સફળતા હતી.
વિખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે દ્વારા લખાયેલા, ફિલ્માવાયેલા અને મિલે ડેવિસ દ્વારા આલ્બમમાં સ્થાન પામેલો કિલિમાંજારો ‘કિબો’ ‘મોન્ઝી’ અને ‘શિરા’ નામના ત્રણ જ્વાળામુખી ધરાવતો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. આમ કિલિમાંજારો એક મોટો સ્ટ્રાટો વોલ્કેનો છે. કિબો એ સૌથી ઊંચો 16,493 ફૂટ ઊંચો આવેલો છે, જ્યારે મૌન્ઝી અને શિરા 13,140 ફૂટની ઊંચાઈએ આવેલા છે.
કિબો પરનું સૌથી ઊંચું એટલે કે 19,341 ફૂટ ઊંચાઈએ આવેલું શિખર એ ‘ઉહુરુ’ છે, જે આ કિલિમાંજારોનું સર્વોચ્ચ શિખર છે. ત્રીસ લાખ વર્ષની વય ધરાવતો આ ખડકોવાળો કિલિમાંજારો પર્વત સાઉથ ઇન્ડિયન ડિશ ખાવાની શોખીન સુરભિએ માત્ર સાત દિવસમાં સર કર્યો હતો અને શિર કિલિમાંજારોથી પણ ઊંચું રાખ્યું હતું.
કિલિમાંજારો નેશનલ પાર્કનો એક ભાગ ગણાતા આ પર્વતનું નામ 1860માં યુરોપિયન સંશોધકોએ આપ્યું હતું. જોહન લૂડવિગે 1860માં લખ્યું હતું કે તિબેટથી સ્વાહિલ પર્વત ‘કિલિમાંજારો’ કહેવાય છે, જે પ્રાચીનમાં કિસવાહલી પવત એવું નામ હતું તેને કિલિમાંજારો નામ આપવામાં આવ્યું.
‘માઉન્ટેઇન ઓફ ગ્રેટનેસ’ જેવો અર્થ ધરાવતો આ કિલિમાંજારો પર્વત સર કરીને સુરભિએ પોતાની ગ્રેટનેસ સાબિત કરી છે. નાનપણથી જ કંઈક ગ્રેટ કરવાનાં સ્વપ્નો સેવતી સુરભિને કોઈ વિશિષ્ટ કાર્ય કરવામાં જ મજા આવે છે. જંગલ, ઝરણાં અને પર્વત તેને હંમેશા લોભાવતાં રહ્યાં છે. કુદરતની અણમોલ બક્ષિસસમાં આ ત્રણેય સ્વરૂપ તેને ખૂબ જ ગમે છે. કુદરતનાં આ ત્રણેય સ્વરૂપ જીવનને પરમ શાંતિ અને જીવનસંઘર્ષ સામે જીવન જીવવાની કલા શીખવે છે. તન અને મનને મજબૂત કરવા સાથે અદ્ભુત બનાવે છે. પર્વત અખંડતા, એકતા અને અડગતાનું શક્તિશાળી પ્રતીક છે. પર્વત હંમેશાં ઝંઝાવાતો સામે કેવી રીતે ટકી રહેવું એ શીખવે છે. પર્વત પડકાર ઝીલતા શીખવે છે. ઉચ્ચતમ સફળતા મેળવવા માટે ધીરજ, એકાગ્રતા સાહસ અને આત્મવિશ્વાસની ખાસ જરૂર પડે છે, જે અહીં શિખર સર કરવા માટે ખૂબ ઉપયોગી ગુણ સાબિત થાય છે.
માઉન્ટેનિયરિંગમાં આલ્પાઇન સ્ટાઇલ પસંદ કરતી સુરભિનો જન્મ જૂનાગઢમાં થયો અને જન્મતાંની સાથે જ તેને ગરવા ગિરનારની ટોચનાં દર્શન થયાં હતાં. 15મી ઓગસ્ટના રોજ જન્મેલી સુરભિને એટલે તો વિવિધ શિખરો પર ભારતીય ત્રિરંગો ફરકાવવાનું મન થાય છે. સ્થળ અને સમયની એક ઊંડી અસર સાથે ઊછરેલી સુરભિના વિકાસમાં તેના આદર્શ અને પ્રેરણાત્મક એવા પિતા કમલેશભાઈ ચાવડાનો સિંહફાળો રહ્યો. સ્વામી વિવેકાનંદ સ્કૂલના ફિઝિક્સના ટીચર એવા કમલેશભાઈને જંગલમાં ફરવાનો અને બર્ડ વોચિંગનો જબરો શોખ. પપ્પાએ તો પા પા પગલી જ જંગલમાં પાડતાં શીખવી! અને જેવી ચાલતાં શીખી કે તરત જ તેમણે ગિરનારનાં પગથિયાં ચડતાં કરી દીધી! આમ નાનપણમાં જ પપ્પાના પ્રોત્સાહન અને પ્રેરણાથી જંગલ તેમ જ ગિરનાર પર્વતની ભેટ મળી હતી! ચાલતાં શીખી ત્યારે ચું ચુંવાળા કે લાલ બત્તીવાળા બૂટના બદલે માઉન્ટેનિયરિંગના જ હંટર શૂઝ પહેરાવી દીધા હતા અને 14 વર્ષની વયે તો જૂનાગઢની સંસ્થાના પર્વતારોણનો બેઝિક કોર્સ કરાવી દીધો. જાણે પપ્પા જ મને વહાલથી કાજુકતરી બતાવતાં બતાવતાં પર્વત ચડતાં કરી દીધી હતી. દસ ધોરણ સુધીનો અભ્યાસ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં કર્યો. એ દરમિયાન કમલ રાજપૂત દ્વારા પર્વતારોહણની પ્રાથમિક તાલીમ લીધી હતી અને પછી માઉન્ટ આબુમાં એડવાન્સ કોર્સ કર્યો. આ સમય દરમિયાન પર્વતાધિરાજ મારા દિલો-દિમાગમાં છવાઈ ગયા હતા. મને માઉન્ટેનિયરિંગનો ચસકો બરાબર લાગી ગયો હતો.
પર્વતારોહણને જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હોવાથી ડિગ્રી કોર્સના બદલે અમદાવાદ ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. મમ્મી ઇલાબહેને અમે ત્રણ બહેનો અને એક ભાઈ મળી કુલ ચાર જણનો સંસ્કારી ઉછેર કર્યો. તેમને રસોઈ ખૂબ સરસ આવડે. મોટી બહેન નેહા અને મેધાએ એમ.ઇ.ની ડિગ્રી લીધી, જ્યારે ભાઈ કેયૂરે એમ.બી.એ.ની ડિગ્રી લીધી. મોટી બહેન નેહાને યોગનો ખૂબ શોખ છે. તે યોગટીચર છે. મેઘા પ્રોફેસર છે, જ્યારે ભાઈ કેયૂર બાઇક રાઇડર છે. તેને બાઇકિંગનો જબરો શોખ છે. આમ ચારેય ભાઈ-બહેનમાં મારો શોખ જુદો રહ્યો.
ગુલમહોરની જેમ ખીલી ઊઠતી ‘અકી’ યાને સુરભિને પર્વતારોહણની સાથે સાથે પેરાગ્લાઇડિંગ કરવાનો પણ જબરો શોખ છે. પર્વતારોહણમાં તેની ઇચ્છા સાતેય ખંડના સૌથી ઊંચા સાત પર્વતો સર કરવાની છે. 2014માં 25,000 ફૂટ સુધી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. આ પછી 2015માં હિમાલયની રેન્જમાં આવેલા એક અનામી પહાડ પર 20,554 ફૂટ જેટલું આરોહણ કર્યું હતું.
મે, 2017માં 20,300 ફૂટની ઊંચાઈવાળું ભારદ્વાજ પિક સફળતાપૂર્વક સર કર્યું હતું. આમ દર વર્ષે એક એક પર્વતારોહણ દ્વારા શારીરિક – માનસિક તાકાત વિશ્વના સાત ખંડોના સાત સૌથી ઊંચા પર્વતો સર કરવા વધારી રહી છે.
બાજ પક્ષી જેનું પ્રિય પક્ષી છે તે સુરભિ 2015થી પેરાગ્લાઇડિંગ કરી રહી છે. હિમાચલમાં આવેલા બિડ બિલિંગના સ્થળે તેણે તાલીમ લીધી અને પછી પોતાનું ગ્લાઇડર ખરીદીને તે તેની પ્રેક્ટિસ કરી રહી છે. બિડ બિલિંગ ઉપરાંત ગુજરાતમાં સાપુતારા, મહારાષ્ટ્રમાં કામશેતમાં પ્રેક્ટિસ કરી અને અત્યાર સુધીમાં અધિકૃત રીતે 30થી 35 કલાકનું ફ્લાઇંગ કરેલું છે. લગભગ 100 કલાક જેટલું ફ્લાઇંગ કર્યા પછી ફ્લાઇંગનું લાઇસન્સ મળે છે, જે મેળવવાની તેની તીવ્ર ઇચ્છા છે. ગુજરાત અને ભારતમાં પેરાગ્લાઇડિંગ વુમન પાઇલટ બહુ જ ઓછા છે. આથી તે ઝડપભેર વુમન પેરાગ્લાઇડિંગ પાઇલેટ બનવા જઈ રહી છે.
પેરાગ્લાઇડિંગ અને પર્વતારોહણમાં ગુજરાતનું નામ રોશન કરવા થનગનતી સુરભિ કહે છે, એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા સરકારે તેમ જ યોગ્ય સંસ્થાઓએ વિચારવું જોઈએ. પર્વતારોહકને શારીરિક અને માનસિક તકલીફો ખૂબ થતી હોય છે. ઓક્સિજનનો અભાવ, સખત માઇનસ ડિગ્રીવાળી ઠંડી, તીવ્રગતિવાળા પવનો, હિમપ્રપાત, બરફાચ્છાદિત વાતાવરણ શરીરનાં અંગોને ખોટાં પાડી દે છે. મગજ પર સોજો આવી જાય છે. આરોહણ કરીને આવ્યા પછી જેટલેગની જેમ માઉન્ટલેગ લાગી જાય છે. તરત જ બધી દૈનિક ક્રિયાઓ શારીરિક કે માનસિક રીતે થઈ શકતી નથી. કોઈ પણ એક્સપિડિશનનો ખર્ચ પણ પચીસ-ત્રીસ લાખથી ઓછો હોતો નથી. માઉન્ટ એવરેસ્ટનો તો સાઠ લાખથી વધુ થાય છે. આમ આ બધી તકલીફોનો સામનો કરીને એક પર્વતારોહક સમિટ સર કરતા હોય છે.
કવિતાઓ અને વાર્તાઓ લખવાની શોખીન સુરભિ કહે છે, હોસલા બુલંદ હોના ચાહિયે. હમ અવશ્ય કામિયાબ હોંગે. અગર હમને થાન લિયા તો થાન લિયા ફિર હમે કોઈ આંધી યા તૂફાન રોક નહિ શકતા. કદમ બઢાતે જાઓ, સમિટ તક પહોંચ જાયેંગે. રુક જાના નહિ… તૂ કહીં હાર કે… ઓ રાહી ઓ રાહી… પોઝિટિવ વિચાર જ હિંમત આપી શકે છે. હિમાલયના પર્વતો કરતાં આફ્રિકાના પર્વતો અલગ છે. હવામાન, વાતાવરણ, વરસાદ, પર્વતીય સંસ્કૃતિ પણ અલગ છે. ભારતીય ફૂડ પણ મળતું નથી. આ બધા વિપરીત સંજોગો સાથે સમજૂતી કરતાં કરતાં જ આગળ વધવાનું હોય છે. અને ત્યારે જ મંજિલ સુધી પહોંચી શકાય છે. કોઈ કાર્ય અશક્ય નથી. તન અને મન તૈયાર હોવું જોઈએ.
શિખર પર પહોંચવાનો રોમાંચ જ કંઈક અલગ છે. ચંદ્ર પર પગ મૂકવા કરતાં પણ વિશેષ ગૌરવ જાતે પર્વત ચડીને પહોંચ્યાનું થાય છે. શિખર પર પસાર કરેલી ક્ષણો કોહિનૂરથી પણ અમૂલ્ય ક્ષણો હોય છે અને મને તેની અનહદ ખુશી છે.

લેખક રમતગમતના તજ્જ્ઞ છે.