પર્યુષણ પર્વ તો જૈનોની આધ્યાત્મિક આઇડેન્ટિટી છે!

0
1004

પર્યુષણ એ જૈનોનું માત્ર આધ્યાત્મિક પર્વ જ નથી, પરંતુ પર્યુષણ તો જૈનોની પર્મેનન્ટ આઇડેન્ટિટી છે.
પર્યુષણ એ કોઈ ઉજવણીનું કે પજવણીનું પર્વ નથી, એ તો આત્માના આંતરિક સાતિ્ત્વક સૌંદર્યને અનુસરવાનું પુણ્યપર્વ છે! વળી એવું પણ નથી કે જૈનો પર્યુષણના આઠ દિવસ માટે કંઈક અલગ લાઇફસ્ટાઇલ અજમાવે છે. ખરેખર તો જૈનો બારે મહિના પર્યુષણની પવિત્રતામય લાઇફસ્ટાઇલ જીવવા ટેવાયેલા જ હોય છે. આમ છતાં જે જૈનો (શ્રાવક-શ્રાવિકાઓ અથવા સાધુ-સાધ્વીજીઓ) કોઈ ખાસ સંજોગોને કારણે જૈન આચારસંહિતાનું ચુસ્ત પાલન નથી કરી શકતા, તેમના માટે પર્યુષણ પર્વ વિશેષ અવસર બની રહે છે.
આખું જગત જાણે છે કે મુખ્યત્વે જીવદયાના સિદ્ધાંત પર જૈન ધર્મ રચાયેલો છે અને ‘જીવદયા’ શબ્દની સાથે કરુણા, અહિંસા, મૈત્રી તથા ક્ષમાપના જેવી ભાવનાઓ આપોઆપ જોડાયેલી રહે છે. પર્યુષણ દરમિયાન આ ચારેય ભાવનાઓ વધારે મજબૂત અને સક્ષમ બને એ હેતુથી જૈનો વ્રત-તપ કરે છે. માણસ અલ્ટિમેટલી માણસ જ હોય છે. ગમે તેટલી કાળજી રાખે તો પણ અજાણતાંય એનાથી કશુંક ખોટું થઈ જાય એ પોસિબલ છે. જે કંઈ ખોટું થઈ ગયું હોય અથવા ઇરાદાપૂર્વક કંઈ ગલત કામ કર્યું હોય તો એમાંથી પ્રાયશ્ચિત્તપૂર્વક બહાર નીકળવાનું પવિત્ર પર્વ એટલે પર્યુષણ પર્વ.
પર્યુષણ શબ્દનો શાબ્દિક અર્થ જોઈએ તો પરિ વસનમ્ એટલે કે બાહ્ય જગતના વ્યવહારોમાંથી મુક્ત થઈને પોતાની જાત સાથે સત્સંગ કરવો.
બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે પર્યુષણ એ પવિત્ર ભાવનાઓ અને ઉત્કૃષ્ટ વિચારોને જીવવાનું પર્વ છે, કારણ કે ભાવના ગમે તેટલી ભવ્ય હોય, પણ તે અમલમાં ન મુકાય તો વ્યર્થ છે અને વિચાર ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય પણ તે આચરણ ન બને તો એ પણ વ્યર્થ છે.
પર્યુષણ એ મૈત્રીનું મહાપર્વ છે એ વાત સાચી, પણ સામાન્ય રીતે ફ્રેન્ડશિપ-ડે ઊજવાય છે એ રીતે આ પર્વ ઊજવાતું નથી. થોડાક સિલેક્ટેડ મિત્રો સાથે મજા માણવી એ ફ્રેન્ડશિપ-ડે હોઈ શકે, પરંતુ જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવ અનુભવવો અને તે વ્યક્ત પણ કરવો એ પર્યુષણની વિશેષતા છે.
પર્યુષણની સૌથી મોટી વિશેષતા એ એની ક્ષમાપના છે. પોતાની ભૂલોની ક્ષમા માગવા માટે એક વિશિષ્ટ પર્વ ઊજવતો હોય એવો કોઈ ધર્મ હોય તો તે એકમાત્ર જૈન ધર્મ છે. આપણે શિષ્ટાચાર કે મેનર્સ રૂપે આપણી ભૂલ થઈ હોય ત્યારે ‘સોરી’ કહીએ છીએ, પણ એવા શિષ્ટાચાર અને ક્ષમાપના વચ્ચે પણ ભારે મોટો ડિફરન્સ છે. ‘સોરી’ કહેવું એ સારો પ્રયત્ન છે. આપણી જાણમાં થયેલી ભૂલ માટે દિલગીરી વ્યક્ત કરવાની વાત છે, પરંતુ ક્ષમાપના તો અજાણતાં થયેલી ભૂલ કે અપરાધી પ્રવૃત્તિ માટેની દિલગીરી વ્યક્ત કરવાનું પર્વ છે. એની ખૂબી એ છે કે એ કોઈ ચોક્કસ સિલેક્ટેડ વ્યક્તિઓ માટે જ નથી, જગતના સર્વ જીવો સાથે ક્ષમાપના કરવાની હોય છે.
તમે એક વાત માર્ક કરી હશે કે જૈનોએ સરકાર સામે અનેક આંદોલનો કર્યાં છે, પરંતુ તેમણે ક્યારેય પોતાના હકો માટે સરકાર સામે કોઈ આંદોલન કર્યું નથી, પરંતુ નિર્દોષ અને અબોલ પશુઓની હત્યા થતી અટકાવવા માટે ક્યારેક એમણે આંદોલનનો અહિંસક માર્ગ અપનાવ્યો હશે! સ્વાર્થનાં પલાખાં માંડીને કે પોલિટિકલ ગેમ રમવા માટે તો કોઈ પણ વ્યક્તિ આંદોલન કરે, પરંતુ જે જીવો સાથે કોઈ પરિચય નથી – કોઈ નાતો નથી, એવા અબોલ જીવોના રક્ષણ કે કલ્યાણ માટે જ્યારે પણ શાશ્વત અને શાસ્ત્રીય અહિંસાનો માર્ગ અપનાવીને કોઈ આંદોલન કરે તો જાણી લેવું કે એ વ્યક્તિ અથવા તે સમૂહ જૈન જ હશે!
તમે એ પણ માર્ક કર્યું હશે કે અહિંસા તો લગભગ દરેક ધર્મનો શાશ્વત સિદ્ધાંત છે, પરંતુ કતલખાને ગયેલા કોઈ જીવને છોડાવીને પરત લાવવાની નિષ્ઠાપૂર્વકની જવાબદારી નિભાવતો કોઈ ધર્મ હોય તો એ માત્ર અને માત્ર જૈન ધર્મ જ છે!
અલબત્ત, જીવ છોડાવવાની આ ભાવના બાબતે હું સહેજ જુદી રીતે વિચારું છું. તમામ જૈનોએ આ દિશામાં પુનર્વિચાર કરવાની જરૂર છે. કસાઈઓને ખબર જ હોય છે કે પર્યુષણ પર્વ આવે એટલે અનેક જૈનો જીવ છોડાવવા માટે આવશે. એટલે પોતે કતલ કરવા માટે ભેગા કરેલા જીવોની કિંમત રાતોરાત ડબલ કે તેથી પણ વધારે કરી નાખે છે અને જૈનો હોંશેહોંશે કરુણાભાવનાથી એક કિંમત ચૂકવે છે. બને છે એવું કે કસાઈને જીવ છોડવાની જે વધારાની રકમ મળી એમાંથી એ વધારે જીવો ખરીદી લાવી શકશે અને વધારે જીવોની કતલ કરવાની એને તક મળશે! જૈનો જીવ છોડાવવાની સાથે સાથે એને વધારે જીવોની કતલ કરવાની તક આપી બેસે છે. હું ઇચ્છું છું કે તમામ જૈન સંઘો, સાધુ-સાધ્વીજી મહારાજસાહેબો અને જીવદયાપ્રેમી વિચારકો આ બાબત વિશે ગંભીરતાથી વિચારે અને એમાં કંઈક પરિવર્તન લાવે!
કરુણા અને જીવદયા માટે જો કતલખાનેથી જીવ છોડાવવાના ન હોય તો બીજું શું કરી શકાય? આવો સવાલ સૌના મનમાં ઊઠે તે સ્વાભાવિક છે. પશુપાલકો કસાઈને પોતાનાં પશુઓ વેચે જ નહિ તે માટે દૂધ ન આપતાં તેમ જ બીમાર અને અશક્ત પશુઓને પશુપાલક લાઇફટાઇમ પાળે તેવી પ્રેરણા અને આર્થિક સહાય આપવી. જીવદયાના મહર્ષિ કુમારપાળભાઈ વી. શાહ આ દિશામાં નક્કર આયોજનપૂર્વક કામ કરી રહ્યા છે તે સમગ્ર જૈન સમાજ જાણે છે.
બહારના સ્થૂળ જગતમાં જૈનોની ઓળખ કાંદા બટાકા એટલે કે કંદમૂળ નહિ ખાનારા અને પાણીને ઉકાળીને પીનારા લોકો તરીકેની જ રહી ગઈ છે, હકીકતમાં જૈનોની જીવનશૈલી પર્યાવરણ-પોષક પણ છે અને પ્રકૃતિનું રિસ્પેક્ટ કરનારી પણ છે એ વાત તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે! માત્ર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય એની કાળજી રાખવાનું કામ જ જૈનો નથી કરતા, વનસ્પતિ વગેરેની માવજત કરવાનું પણ જૈન ધર્મમાં વ્રત-તપ જેટલું જ મહત્ત્વ છે!
આ ઉપરાંત જૈન ધર્મની મને સૌથી પ્રિય બાબત સાધર્મિક ભક્તિ છે. સાધર્મિક ભક્તિ એટલે સમાન ધર્મ પાળનારી વ્યક્તિની તકલીફમાં તેની પડખે ઊભા રહેવાની ભાવના. આ કારણે તમે જોયું હશે કે કોઈ જૈન ગરીબ હશે, લાચાર હશે, પણ એ ભિખારી તો નહિ જ હોય! કારણ કે તેને તેના સમર્થ સાધર્મિકો તરફથી ખાનગીમાં અથવા જાહેરમાં ટેકો મળી જતો હોય છે. સાધર્મિક સહાય માટેની જૈનોની અનેક સંસ્થાઓ ચાલી રહી છે અને તેમાં કેટલાક પ્રભાવક સાધુમહારાજની પ્રેરણા પણ પાયામાં અને કેન્દ્રસ્થાને રહેલી જોવા મળે છે.
કોઈ પણ ધર્મના સિદ્ધાંતો અને આદર્શો ગમે તેટલા ઉત્કૃષ્ટ હોય તો પણ તે સંપૂર્ણપણે પરિણામલક્ષી બની શકતો નથી, કારણ કે અલ્ટિમેટલી એનો અમલ તો એના ફોલોઅર્સ દ્વારા જ થતો હોય છે! અને ફોલોઅર્સ પણ ગમે તેટલા નિષ્ઠાવાન કે ચુસ્ત હોય તો પણ એમના આચરણમાં ક્યારેક તો ગાબડાં પડતાં જ હોય છે. આમ છતાં એટલું અવશ્ય કહી શકાય કે વર્તમાન યુગમાં અન્ય ધર્મમાં જેટલાં ગાબડાં પડ્યાં છે એટલાં જૈન ધર્મમાં નથી પડ્યાં.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.