પર્યાવરણજાગૃતિ માટે પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ અભિયાન રેલી


રોટરી કલબ આણંદ રાઉન્ડટાઉન, ઇનરવ્હીલ કલબ આણંદ રાઉન્ડટાઉન તથા રોટરેક્ટ કલબ આણંદ રાઉન્ડટાઉન દ્વારા પ્લાસ્ટિક વપરાશની વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવા માટે પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ અભિયાન રેલીનું આયોજન થયું હતું. તસવીરમાં પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખ સોનલબહેન પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, રોટરી કલબ આણંદ રાઉન્ડટાઉનનાં પ્રમુખ ડો. ઉમા પટેલ, સેક્રેટરી ભાવિક પટેલ, પ્રોજેક્ટ ચેરમેન કલ્પના અમીન વગેરે નજરે પડે છે. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

આણંદઃ આણંદ, વલ્લભ વિદ્યાનગર અને આજુબાજુના વિસ્તારોમાં અવિરત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રોટરી કલબ આણંદ રાઉન્ડટાઉન, ઇનરવ્હીલ કલબ આણંદ રાઉન્ડટાઉન તથા રોટરેક્ટ કલબ આણંદ રાઉન્ડટાઉન દ્વારા આણંદ-વિદ્યાનગરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહકાર દ્વારા પ્લાસ્ટિક વપરાશની વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવા માટે પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ અભિયાન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો અને 1000થી વધારે નાગરિકોએ તેમાં અલગ અલગ બેનર લઇને પ્લાસ્ટિક વિરોધી અભિયાન માટે જનજાગૃતિ ફેલાવી હતી.
આ રેલીનો આરંભ પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખ સોનલબહેન પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલના હસ્તે કરાવવામાં આવ્યો હતો.
રેલીમાં ભાગ લેનારા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ માટે જે બેનરો-પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા. આ બેનરો-પોસ્ટરો બનાવનારા વિદ્યાર્થીઓને નિર્ણાયકો દ્વારા શાળાના ત્રણ અને કોલેજના ત્રણ એવોર્ડ જાહેર કરી તેમનું સન્માન કરાયું હતું.
રોટરી ડિસ્ટ્રિક્ટ અને ઇનરવ્હીલ ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ અને અન્ય સંસ્થાઓના વડાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોટરી કલબ આણંદ રાઉન્ડટાઉનનાં પ્રમુખ ડો. ઉમા પટેલ, સેક્રેટરી ભાવિક પટેલ, પ્રોજેક્ટ ચેરમેન કલ્પના અમીન, સિનિયર રોટેરિયનો અને કલબના સભ્યો, રોટરેક્ટ કલબના પ્રેસિડન્ટ દીપ શાહ, સેક્રેટરી આકાશ શાહ અને રોટરેકટ કલબના સભ્યો, ઇનરવ્હીલ કલબના પ્રેસિડન્ટ નીશા ગાલા, સેક્રેટરી નેહા દોશી, ઇનરવ્હીલના સભ્યોએ આ રેલીને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
આ રેલીમાં અન્ય રોટરી કલબ, ઇનરવ્હીલ કલબ, લાયન્સ કલબ, મહિલા મંડળના સભ્યોએ પણ ભાગ લીધો હતો. આ રેલીનું સમાપન આણંદ ટાઉનહોલમાં કરાયું હતું.