પરમ આશ્ચર્ય પન્નાલાલ પટેલ

0
1413

જગતમાં વિસ્મયકારક ચીજો ઘણી છે. નવાઈ ઉપજાવે એવું કે ચમત્કાર લાગે તેવું પણ ઘણું બધું બનતું હોય છે. ક્યારેક આ ઘટનાઓને માપવા માટે કે સમજવા માટે બુદ્ધિ અને સમજણના માપદંડો ટૂંકા પડતા હોય એવું પણ લાગે. આમ છતાં, વિસ્મયકારક ઘટનાઓ હંમેશાં બનતી હોય છે, જેને સમજવા માટે શ્રદ્ધા અને કોઠાસૂઝની જરૂર પડતી હોય છે. ગુજરાતી સાહિત્યની આવી જ એક અસાધારણ ઘટના એટલે ‘પરમ આશ્ચર્ય પન્નાલાલ પટેલ’.
બેકગ્રાઉન્ડમાં માંડ સાત-આઠ ચોપડીનું માતૃભાષાનું શિક્ષણ. ગુજરાતના અંતરિયાળ ખૂણાના ખેડૂત સમાજમાં જન્મ, પારાવાર યાતનાઓ અને સંઘર્ષો સામે સતત ઝીંક ઝીલવાની અદમ્ય શક્તિ અને આ બધાં જ વિષમ પરિબળોને ભેદી ખુમારીપૂર્વક સાહિત્યના ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતી ભાષા અને રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડવો એ ઘટના સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મૂકે તેવી છે.
પન્નાલાલ પટેલનો જન્મ 7મી મે, 1912ના રોજ માંડલી ગામ (જે હાલ રાજસ્થાનની સરહદમાં આવેલું છે)માં થયો. મેઘરજ તાલુકો અને સાબરકાંઠા જિલ્લો છે. ગ્રામ્ય અને ખેડૂત સમાજમાં જન્મ હોવાના નાતે સાદું અને પરિશ્રમી જીવન એમને હસ્તગત હતું. એમની વાણીમાં તળપદી પારદર્શકતા અને ધરાતલ ઉપરનું અત્યંત સૌમ્ય વ્યક્તિત્વ એ એમના આગવા ગુણ હતા. આંખો વેધક અને ‘હું બધુંય જાણું છું.’ એવી ચમક અને જન્મજાત ખુમારી. લેખનમાં પ્રભાવક અને રસાળ કથાપ્રવાહ, મજબૂત પાત્રાલેખન, વાસ્તવને સ્પર્શતું વિષયવસ્તુ, લોકજીવનના અવનવા રંગ અને પાત્રોની અંતરંગ લાગણીઓનું આબેહૂબ આલેખન એ એમની વિશિષ્ટતા હતી. તળપદાં ગીતો અને ગ્રામ્ય બોલચાલ, કહેવતોને એમણે કુશળતાપૂર્વક પોતાનાં લખાણોમાં પ્રયોજ્યાં છે, જેના કારણે પન્નાલાલ પટેલનું ગદ્ય વાચકોને નવીન અને તાજગીસભર અનુભૂતિ કરાવે છે. એમની ગુજરાતી ભાષા તદ્દન નિરાડંબરી અને ગૌરવશાળી છે. અન્ય સર્જકોની તુલનામાં પન્નાલાલ વધારે મૌલિક કથાકાર લાગે છે, જેણે આપણી માતૃભાષા ગુજરાતીને ગૌરવ બક્ષ્યું છે. એમનાં અસંખ્ય પુસ્તકોને અનેક પારિતોષિકો મળ્યાં છે. ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય માટેનો જ્ઞાનપીઠ એવોર્ડ એમની સુપ્રસિદ્ધ નવલકથા ‘માનવીની ભવાઈ’ માટે મળેલો છે, જેના દ્વારા તેઓ રાષ્ટ્રીય દરજ્જાના જાનપદી કથાકાર તરીકે દેશભરમાં જાણીતા થઈ ચૂક્યા છે.
પન્નાલાલ પટેલનું કથાલેખન એ કોઈ ચોક્કસ વિસ્તાર, પ્રદેશ, જ્ઞાતિ કે સમાજના સીમાડા પૂરતું સીમિત રહેતું નથી. અલબત્ત, એમનાં પાત્રો, બોલી અને પરિવેશ ગુજરાતના ઈશાનિયા પ્રદેશને અને ખેડૂત સમાજના અંતરંગ જીવનને પ્રતિબિંબિત કરે છે. પાત્રાલેખનમાં મુખ્યત્વે ગ્રામ્ય પરિવેશ જ ડોકાતો હોવા છતાં એમની દષ્ટિ હંમેશાં વિશાળ અને વૈશ્વિક રહી છે. પોતાનાં લખાણો થકી એ સમગ્ર માનવચેતનાને ઝંકૃત કરે છે. મનુષ્યના મૂળભૂત સ્વભાવને પ્રગટાવે છે અને એ દ્વારા સમગ્ર માનવીય સંવેદનોને ઉજાગર કરે છે. એમનાં નિરૂપણોમાં એક વૈશ્વિક કક્ષાના લેખકની ખૂબીઓ અને આકર્ષણો અનુભવી શકાય છે. માત્ર પાંત્રીસ વષની ઉંમરે એમણે લખેલી પ્રસિદ્ધ નવલકથા ‘માનવીની ભવાઈ’ એ સમગ્ર મનુષ્ય જાતિની વેદનાને વ્યક્ત કરે છે. પાણીના અભાવે પીડાતો સમાજ, દુકાળિયા મનેખ અને ગ્રામીણ જીવનના હરિત, દુરિત રંગો એમાં ભર્યા છે. સમગ્ર કથામાં એમનું સમતોલ અને તલસ્પર્શી જીવનદર્શન પ્રગટ થાય છે. માનવમાત્રનો મૂળ પ્રશ્ન ભૂખ છે. આપણે ‘રોટી, કપડા ઔર મકાન’ના સૂત્ર થકી આજે પણ રોટીના પ્રશ્નને એટલો જ મહત્ત્વનો ગણીએ છીએ. લેખકે પણ માણસની આ મૂળભૂત મજબૂરીને પકડી છે અને સંવેદનાસભર બનાવી છે. લેખક નિદાન કરે છેઃ
‘દુનિયામાં ભૂંડામાં ભૂંડું કોઈ હોય તો એ ભૂખ છે.’
જગતનો તાત જેને પન્નાલાલ ‘પરથમીનો પોઠી’ કહે છે અને કથાનો નાયક કાળુ જે સ્વયં એક ધરતીપુત્ર ખેડૂત છે. ભૂખની કાળઝાળ જરૂરિયાતો વચ્ચે મજબૂરીવશ કોઈકના ઉપકાર હેઠળ અનાજ મેળવવા તેને લાઇનમાં ઊભા રહેવું પડે છે એ ઘટના એના માટે અસહ્ય છે. લાચાર ખેડૂતની મનોવ્યથાને પન્નાલાલે બખૂબી આલેખી છે, જે તેના ઉદ્ગારોમાં પણ વ્યક્ત થાય છેઃ
‘દુનિયામાં ભૂખથી પણ ભૂંડી ભીખ છે…’
મનુષ્યના આત્મગૌરવથી વધીને બીજી કોઈ બાબત દુનિયામાં હોઈ શકે નહિ એવું સુંદર અને માર્મિક આલેખન અહીં થયું છે, જે કાબિલેદાદ ગણી શકાય.
‘માનવીની ભવાઈ’માંથી જ કેટલીક મર્મસ્પર્શી વાતો જોઈએ તો માનવસ્વભાવ બાબતે પન્નાલાલનું સચોટ નિરીક્ષણ.
‘દાતરડાના વાઢમાંથી કાંકેય બચે, પણ દાંતના વાઢમાંથી તો ફોલવા કે ફૂંકવા કશુંય નઈ રે..’
માણસના આંતિરક સૌંદર્ય અને આત્મગૌરવ માટે એક પાત્ર એવું કહે છે, ‘ફુચ્છીયાળા (મેલાઘેલા) રહીએ, પરંતુ કોઈના ઓશિયાળા ના રહીએ.’
માલી નામનું ખલપાત્ર એ કથામાં મુખ્ય છે. માલી એટલે અસત્યની પરાકાષ્ઠા – આવી વ્યક્તિને સતાવવાથી શું મળે? લેખક સુંદર તુલના આપે છે.
‘રાણીને સતાવીને ચોરે ચડો અને ગોલીને સતાવીને ખૂણે બેસો.’
ખરેખર દુર્જન પ્રકૃતિના માણસને ટોકવાથી આપણે જ શરમાવા જેવું બનતું હોય છે. આ નવલકથાને વર્ષ 1985માં જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવી છે, જે લેખકની સિદ્ધિઓમાં શિખરરૂપ બાબત છે. ‘મળેલા જીવ’ એક નૈસર્ગિક લવસ્ટોરી છે, જે ‘માનવીની ભવાઈ’ કરતાં પણ પહેલાં લખાઈ છે. આ નવલકથામાં પ્રેમીજનોના અમર ઉદ્ગારો ઝિલાયા છે.
‘વાહ રે માનવી તારું હૈયું – એક પા લોહીના કોગળા ને બીજી પા વળી પ્રીતના ઘૂંટડા.’
પન્નાલાલે પોતાના કથાવૈભવ થકી માનવરસથી સભર, વૈવિધ્યપૂર્ણ વાર્તાઓ આપણને આપી છે. ઐતિહાસિક નવલકથાઓ, નાટકો અને પુરાણોમાં પણ કલમ ચલાવી છે. એમણે મબલક અને પ્રચુર માત્રામાં લખ્યું છે. કથાપ્રવાહ એ એમની આગવી સૂઝ છે. આત્મકથનાત્મક લખાણો અને બાળપણનાં સ્મરણોની મંજુષા પણ ખીલી છે, જે વાચકોને તરબતર કરી મૂકે છે. ‘અલપઝલપ’નો નાયક સ્વયં નાનકડો ‘પનો’ છે, જે ‘ગોટમેટ’ ભણી પોતાના ચાતુર્યથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી જાય છે. કોઈને લાગે નહિ કે સાવ ગામડાનો અનાથ લાગે તેવો આ નિર્દોષ ગોળમટોળ કિશોર આટલો બધો આંતરવૈભવ ધરાવતો હશે, જે પોતાની અદમ્ય રસવૃત્તિ અને હૈયાઉકલતથી લેખનની કેડી કંડારી લેખનક્ષેત્રે નામના કાઢે છે. એમની સમગ્ર લેખનપ્રક્રિયા સ્વયં એક વિસ્મયકારક ઘટના છે. સૃષ્ટિમાં અનેક અચરજો પડેલાં છે. પ્રકૃતિનો પરિવેશ જ ચમત્કારિક છે, જેમાં અનેક નવાં સ્પંદનો અને આશ્ચર્યો સતત પ્રગટતાં રહે છે. જગતમાં અનેક એવી ઘટનાઓ બને છે, જે આપણે માત્ર વિસ્ફારિત નેત્રે જોઈ રહેવાનું જ હોય છે. આવું એક આગવું અચરજ એટલે પન્નાલાલનો વાર્તાવૈભવ.
સાત દાયકાની જીવનસફરને ભલે દુન્યવી રીતે લેખકની નિર્વાણ તારીખ 6-4-1989ના રોજ વિરામ મળ્યો હોય, પરંતુ ગુજરાતી ભાષા અને સાહિત્યના જગતમાં આ સર્જક હંમેશાં અમર રહેશે. આ મહાન સર્જક માટે ફક્ત એટલું જ કહી શકાય કે ‘પરમ આશ્ચર્ય એટલે પન્નાવાલ પટેલ.’

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.