પરમેશ્વર એ જ પ્રેમેશ્વર આટલું સત્ય સમજાય તો પૃથ્વી પ્રેમનું વૈકુંઠ બની જાય!

0
1031

આપણે વેલેન્ટાઇન્સ ડે ન ઊજવીએ તો એથી પ્રેમની ગરિમા જરાય ઘટી જતી નથી, પરંતુ વેલેન્ટાઇન્સ ડે જરા પણ વિકૃત અને વલ્ગર રીતે ઊજવીએ તો પ્રેમની ગરિમા અવશ્ય ખંડિત થાય છે, નંદવાય છે. સાચો પ્રેમ ક્યારેય ઉજવણીનો ઓશિયાળો નથી હોતો. પ્રાર્થના કરતાં પણ પવિત્ર પ્રેમને આપણે ક્યારેક તો હિંસક અને બીભત્સ બનાવી દઈએ છીએ એ કારણે તે બદનામ થાય છે. આજે જૂની પેઢીના માણસોને વેલેન્ટાઇન્સ ડે ઊજવવાનું પસંદ નથી. ઊલટાનું વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે કેટલાંક પેરેન્ટ્સ ચિંતામાં ડૂબી જતાં હોય છે. પ્રેમના નામે થતી ભ્રષ્ટ ઉજવણીમાં સંડોવાઈ જઈને પોતાનું સંતાન ક્યાંક બરબાદ કે બદનામ તો નહિ થઈ જાય ને એની ચિંતા આજનાં પેરેન્ટ્સને પજવી મૂકે છે.

એક વાત તો નવી પેઢીએ સ્વીકારવી જ પડશે કે માણસને કેરેક્ટરલેસ બનાવી મૂકે એવા તત્ત્વને લવ ન કહેવાય. એ જ રીતે જૂની પેઢીએ પણ એક વાત અવશ્ય સ્વીકારવી પડશે કે પ્રેમની સંવેદના – પ્રેમની અભિવ્યક્તિ હંમેશાં ખરાબ નથી હોતી. મુગ્ધ વયનાં સંતાનોને પેરેન્ટ્સ તરફથી પૂરતું અને યોગ્ય માર્ગદર્શન ન મળે ત્યારે તેઓ ખોટી દિશામાં દોડી જાય એ પોસિબલ છે. પ્રેમના નામે ખોટા માર્ગે ચડેલાં સંતાનો માટે એ સંતાનો જ હંમેશાં જવાબદાર હોય એવું માની લેવાની જરૂર નથી. કેટલાક કિસ્સાઓમાં પેરેન્ટ્સ તરફથી ફ્રીડમ ન મળવાને કારણે પણ સંતાનો ખોટા માર્ગે દોરવાઈ જતાં જોવા મળે છે.
આપણાં સંતાનોને આપણે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરવો, ખાવા-પીવાની કેવી શૈલી અપનાવવી, કેવું અને કેટલું વાંચવું, ધર્મ શું છે – અધર્મ શું છે, રાજકારણ શું છે, અર્થવ્યવસ્થા કેવી હોવી જોઈએ, સમાજવ્યવસ્થા માટે આપણાં કર્તવ્યો અને ફરજો કેવાં હોય છે એ બધી બાબતોની જાણકારી તો આપીએ છીએ; પરંતુ સાચા પ્રેમ વિશેની વાતો ઇરાદાપૂર્વક છુપાવી રાખીએ છીએ, કારણ કે પ્રેમને આપણે જીવનની કોઈ અનિવાર્ય બાબત તરીકે સ્વીકારી શકતા જ નથી. પ્રેમ એ જાણે ખાનગી અને છુપાવવાની ચીજ હોય એ રીતે સદીઓથી એની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરતા રહ્યા છીએ.
આપણે રાધા અને કૃષ્ણના પ્રેમની આરતી ઉતારીએ છીએ, આપણે લયલા અને મજનૂના પ્રેમનાં ગાણાં ગાઈએ છીએ, આપણે રોમિયો-જુલિયટની વિદેશી પ્રેમકથાઓને પણ હોંશે હોંશે આવકારીએ છીએ; પરંતુ આપણી આસપાસ બનતી પ્રેમની કોઈ નાનકડી પવિત્ર ઘટનાને સાંખી શકતા નથી. આપણા સંસારમાં એવાં કેટલાં પેરેન્ટ્સ હશે કે જેમણે પોતાનાં સંતાનોને પાસે બેસાડીને પ્રેમ કેટલો પવિત્ર છે અને એ પ્રેમ માટે કેવું સમર્પણ કરવું જોઈએ એની વાતો પ્રેમપૂર્વક કહી હોય?
પ્રેમ, સેક્સ, બ્રહ્મચર્ય એવા અનેક વિષયો વિશે આપણે જનરેશન-ગેપ ખોટી રીતે ઊભી કરીને બેસી ગયા છીએ. એમાંય માતા તો ક્યારેક પોતાની દીકરીને કેટલીક વાતો શિખામણરૂપે પણ સમજાવતી હોય છે. દીકરી પુખ્ત વયની થાય અને પ્રથમ વખત પિરિયડમાં બેસે ત્યારે માતા એને એ ક્ષણે પ્રોપર ગાઇડન્સ આપવાનું આવશ્યક સમજે છે. એવું મોટા ભાગે પુરુષો માટે શક્ય બનતું નથી. પિતા તરફથી ભાગ્યે જ પોતાના પુત્રને આ બાબતે પ્રોપર ગાઇડન્સ અપાતું હોય છે. તાજા-તાજા યુવાન બનેલા દીકરાને કોઈ પપ્પાએ પ્રેમ અને સેક્સ વિશે નિખાલસ વાત કરી હોય એવું કેમ ન બની શકે? પ્રોપર ગાઇડન્સના અભાવે જ પ્રેમ મોટા ભાગે ખોટી દિશામાં દોરવાઈ જતો હોય છે અને વલ્ગેરિટીના શરણે પહોંચી જતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સાચી વસ્તુ કરતાં ખોટી વસ્તુઓનો ચળકાટ વધારે હોય છે, સોના કરતાં પિત્તળ વધારે ચમકીલું હોય છે. પ્રેમ અને સેક્સની બાબતમાં પણ એવું જ બનતું વારંવાર આપણને જોવા મળે છે. પ્રેમ કરતાં સેક્સનો ચળકાટ અને તેનો ઉચાટ તીવ્રતમ હોય છે. એટલે નવી જનરેશન યુવાવસ્થામાં પહોંચતાં જ સેક્સની દિશા તરફ તરત ફંટાઈ જાય છે. આજકાલની ટીવી સિરિયલો અને ફિલ્મો નવી જનરેશનને સેક્સની ખોટી દિશામાં પાણી જવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહી હોય એવું લાગે છે. આજનાં યુવક-યુવતીઓએ ખાસ વિચારવું અને સમજવું પડશે કે ફિલ્મોમાં જે રીતે દેખાડવામાં આવે છે એ રીતે ક્યારેય પ્રેમ થઈ શકતો નથી. ફિલ્મો અને ટીવી સિરિયલોમાં તો ડાયરેક્ટરે તથા સ્ક્રિપ્ટ-રાઇટરે અગાઉથી બધું આયોજન કરી રાખેલું હોય છે. એટલે પડદા ઉપર હીરો -હીરોઇનને પ્રેમ કરતાં જોઈને દરેક વખતે એમાંથી પ્રેરણા લેવાનું જોખમભરેલું હોય છે.

થોડા સમય પહેલાં એક સાધુમહારાજ એ બાબતનું ગૌરવ લેતા હતા કે તેમણે સરકાર સામે બંડ પોકારીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાંથી સેક્સ-એજ્યુકેશનના પાઠ દૂર કરાવ્યા હતા. મારી દષ્ટિએ આ બહુ જ ખોટું થયું કહેવાય, કારણ કે વિદ્યાર્થીએ ભવિષ્યમાં સામાજિક અને પારિવારિક જીવન જીવવાનું હોય છે. સેક્સ શું છે અને પ્રેમ શું છે એ બન્ને વચ્ચેનો તફાવત નવી જનરેશનને શિક્ષણ દ્વારા સમજવા મળતો હોય તો એમાં ખોટું શું છે? સેક્સ એજ્યુકેશન ખરાબ જ પરિણામ આપશે એવી આશંકા અગાઉથી કેવી રીતે કરી શકાય? સેક્સ એજ્યુકેશનના પાઠ જે વિદ્વાનોએ કે જે શિક્ષણશાસ્ત્રીઓએ ગોઠવ્યા હશે તે અણઘડ તો નહિ જ હોય ને! તેમણે કંઈક તો વિચાર કરીને જ અભ્યાસક્રમનું માળખું ગોઠવ્યું હશે ને! જે દેશનું જડ માનસ સેક્સ-એજ્યુકેશનનો વિરોધ કરવા ધસમસતું હોય એ દેશમાં વેલેન્ટાઇન્સ ડે ચિંતા ન ઊપજાવે તો જ નવાઈ લાગે!
આપણો સમાજ નફરત અને ધિક્કાર અને ઘૃણા તો સહન કરી લે છે, પરંતુ સાચા પ્રેમને સહન કરવામાં તેનો પનો ટૂંકો પડે છે. એ કારણે જ કેટલીક વખત મુગ્ધ વયનાં યુવક-યુવતીઓ પરસ્પરનો હાથ પકડીને કાં તો નદીમાં ઝંપલાવે છે કાં તો પછી કોઈ હોટેલના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લે છે. નાત-જાતના વાડા અને સમાજનું સંકુચિત માનસ પ્રેમની વ્યાપકતાને શી રીતે સ્વીકારી શકે? ટ્રેજેડી તો એ વાતની ગણાય કે આપણા દેશમાં બાળકને દીક્ષા લેવાની પૂરેપૂરી છૂટ છે, પરંતુ યુવાન વ્યક્તિને પ્રેમ કરવાની પૂરેપૂરી છૂટ નથી! અહીં નફરત તો જાહેરમાં કરી શકાય છે, પરંતુ પ્રેમ ખૂબ ખાનગીમાં કરવો પડે છે!

પ્રેમની કોઈ એક જ વ્યાખ્યા આપી શકાય તેમ નથી. દરેક પ્રેમી માટે પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે! એમ કહી શકાય કે પૃથ્વી ઉપર જેટલી માનવવસ્તી છે એટલી જ પ્રેમની વ્યાખ્યાઓ પણ છે. પ્રેમની લાગણીને અને કુદરતી આવેગોની પ્રચંડ તાકાતને સમજવાની જરૂર છે. જો એ બન્નેને સાચી દિશા ન મળે તો તે આક્રમક અને હિંસક બને છે.
સાચો પ્રેમ માણસને પરમેશ્વર બનાવે છે. પરમેશ્વર અને પ્રેમેશ્વર વચ્ચેનો ડિફરન્સ જે દિવસે દૂર થઈ જશે તે દિવસે આ પૃથ્વી સ્વયં પ્રેમનું વૈકુંઠ બની રહેશે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here