પરમાણુ વીજળીથી ભારત સદીઓ સુધી દેશને વીજળી પૂરી પાડી શકે

 

ગાંધીધામઃ પરમાણુ સહેલી તરીકે ઓળખાતા ડો. નિલમ ગોયલે મારવાડી યુવા મંચની મુલાકાત લીધી હતી. મંચ દ્વારા તેમનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા મંચનું યુવા સ્મારીકા પુસ્તક પણ આપવામાં આવ્યું હતું. પરમાણુ સહેલીએ જણાવ્યું હતું કે ભારત પાસે વિશ્વના ૮૫ ટકા થોરીયમ છે. આ થોરીયમ પરમાણુ વીજળી બનાવવામાં ઈંધણના રૂપે કામ કરશે. વર્તમાનમાં ભારત પરમાણુ ઊર્જાથી વીજળી બનાવવાની વિશ્વ કક્ષાની ક્ષમતા અને દક્ષતા ધરાવે છે. ભારત પોતાના ૫૦૦ જિલ્લામાં ૫૦૦-૫૦૦ મેગાવોટના મોડયુલર સંયંત્ર સ્થાપિત કરવા તૈયાર છે પરંતુ ભારતના સામાન્ય માણસોમાં પરમાણુ ઊર્જા બનાવવા સંદર્ભે અનેક ગેરસમજણો ફેલાયેલી છે. 

પરમાણુ ઊર્જાથી વીજળીનું ઉત્પાદન માત્ર સુરક્ષિત જ નથી પરંતુ તેનો ક્ષમતા ઘાતાંક ૮૦ થી ૯૦ ટકા જેટલો હોવાથી ભારતની બેઝલોડ વીજળીની આવશ્યકતાને સદીઓ સુધી પૂરી કરવામાં સમર્થ છે. તેમણે આઝાદી પછી ભારતમાં જળ ઊર્જા અને કૃષિ આધારિત મોટી યોજનાઓને કાર્યરત કરવામાં અને વિકાસના આયોજન માટે જમીની સ્તર ઉપર જનજાગૃતિના કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મંચના પ્રમુખ જીતેન્દ્ર સી. જૈન, સહમંત્રી કેવદારામ પટેલ, પારસ જોયા, પૂર્વ પ્રમુખ નંદલાલ ગોયલ, ઓમપ્રકાશ સરીયાલા, જાગૃતિ શાખાના પ્રમુખ શ્વેતા મહેતા, ખજાનચી રાજુલ જૈન સહયોગી બન્યા હતાં.