પરમાણુ મિસાઈલ્સ સ્ટોર કરવા માટે ૧૦૦ જેટલી સાઈટ્સનુ નિર્માણ કરી રહ્યુ છે ચીન

 

નવી દિલ્હીઃ ભારત સહિતના દુનિયાના સંખ્યાબંધ દેશો સાથે પંગો લેનાર ચીન કોરોનાકાળમાં પણ પોતાની સૈન્ય શક્તિ વધારવામાં પડ્યું છે. ચીનની ઈકોનોમી કોરોના કાળમાં પણ તેજીમાં છે અને બીજી તરફ ચીન હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે, ચીને પોતાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા રણમાં પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલો રાખવા માટે ૧૦૦ જેટલી સ્ટોરેજ સાઈટ તૈયાર કરવા માડી છે.

આ સ્ટોરેજ સાઈટ્સને સાઈલો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આ પ્રકારની મિસાઈલોને સ્ટોર કરીને રાખવામાં આવી છે. ખાસ કરીને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સની રેન્જ ઘણી વધારે હોય છે. આ મિસાઈલ્સ એક ખંડમાંથી લોન્ચ કરાયા બાદ બીજા ખંડમાં આવેલા કોઈ પણ દેશને ટાર્ગેટ કરવા માટે સક્ષમ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મિસાઈલની રેન્જમાં દુનિયાના સંખ્યાબંધ દેશ આવી જતા હોય છે.

ચીન પાસે આ પ્રકારની ડીએફ-૫ અને ડીએપ-૪૧ જેવી મિલાઈલ્સ છે. જે અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે. ખાસ કરીને અમેરિકાને ધ્યાનમાં રાખીને જ ચીને આ મિસાઈલ્સ બનાવી હોવાનુ કહેવાય છે. અમેરિકન અખબારના અહેવાલ અનુસાર કેલિફોર્નિયાના જેમ્સ માર્ટિન સેન્ટરના સંશોધકોએ સેટેલાઈટ તસવીરોની મદદથી તારણ કાઢ્યુ છે કે, ચીન દ્વારા સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રણમાં મિસાઈલ્સ રાખવા માટે ૧૦૦ જેટલી સ્ટોરેજ સાઈટસનુ નિર્માણ થઈ રહ્યુ છે. જેનો એક એ પણ થાય કે ચીન પોતાની પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિસાઈલ્સની સંખ્યા વધારી રહ્યુ છે. આમ ચીનની પરમાણુ ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે હાલમાં ચીન પાસે ૨૫૦ થી ૩૦૦ જેટલા પરમાણુ હથિયારોનો ભંડાર છે.