પરમાણુ ટેક્નિકની ચોરી કરતાં પાકિસ્તાન ઝડપાયુંઃ પાંચ સામે ગુનો

 

વોશિંગ્ટનઃ પાકિસ્તાન પરમાણુ ટેક્નિકની ચોરી કરતાં ફરી એકવાર ઝડપાયું હતું. અમેરિકાએ પાંચ પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાંચેય પાકિસ્તાની મૂળના નાગરિકો ગેરકાયદે ટેક્નિક ચોરીને પાકિસ્તાનના પરમાણુ પ્રોગ્રામ માટે મોકલતા હતા. આ ઘટસ્ફોટ અમેરિકાએ કર્યો હતો.

પરમાણુ પ્રોગ્રામ ગેરકાયદે રીતે આગળ વધારવા માટે પાકિસ્તાન પરમાણુ ટેક્નિકનું સ્મગલિંગ કરતું હોવાનું સામે આવ્યું છે. પાંચ પાકિસ્તાની બિઝનેસમેન પાકિસ્તાનના પરમાણુ પ્રોજેક્ટ માટે અમેરિકાની ટેક્નિકની ચોરી કરતા હતા. અમેરિકન સરકાર અને તપાસ એજન્સીઓએ પાંચ પાકિસ્તાની નાગરિકોની ઓળખ પણ કરી લીધી છે. કેનેડામાં રહેતા મોહમ્મદ  વલી અને વલી મોહમ્મદ શેખ, હોંગકોંગમાં રહેતો અશરફ ખાન, બ્રિટનમાં સ્થાયી થયેલો અહમદ વાહિદ અને પાકિસ્તાનમાં જ રહેતો કામરાન વલી પરમાણુ ટેક્નિકનું સ્મગલિંગ કરતા હોવાનું ઓળખી લેવાયું હતું. અમેરિકાના કહેવા પ્રમાણે આ પાંચેય રાવલપિંડીમાં કાર્યરત બિઝનેસ વર્લ્ડ નામની કંપની સાથે જોડાયેલા છે.

આ કંપનીના નામે પાંચેય અમેરિકાની પરમાણુ ટેક્નિક ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં મોકલતા હતા, જેની મદદથી પાકિસ્તાન પરમાણુ હથિયારો બનાવવાની પ્રક્રિયા હાથ ધરતું હતું.

અમેરિકાએ કહ્યું હતું કે આ પાંચેય પાકિસ્તાની નાગરિકોએ આંતરરાષ્ટ્રીય ઊર્જા, ઇકોનોમિક પાવર એક્ટ, એક્સપોર્ટ કંટ્રોલ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ પાંચેય આરોપીઓ અલગ અલગ સ્થળેથી પરમાણુ ટેક્નિકની તફડંચી કરીને પાકિસ્તાનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરતા હતા. આ પાંચેય વિરુદ્ધ અમેરિકાને ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ગેરકાયદે પરમાણુ ટેક્નિકનાં સ્મગલિંગના ૩૮ દસ્તાવેજો મળ્યા છે. અમેરિકાએ આ ઘટનાને વિશ્વની આંતરિક સલામતી માટે ખતરનાક ગણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here