પરપ્રાંતિયોને ટ્રેન મારફત વતન મોકલવામાં સુરત દેશમાં મોખરે

 

સુરતઃ ભારત સરકારની એજન્સીએ દાવો કર્યો છે કે, લોકડાઉનના સમયગાળા દરમ્યાન ૨ મેથી ૨૮ મે સુધી પરપ્રાંતિય કામદારોને વતને મોકલવા માટે સૌથી વધુ ટ્રેન ટેક્સટાઇલ સિટી સુરતમાંથી મોકલવામાં આવી છે. જેને સુરતના જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે પણ ટવીટર પર અનુમોદન આપ્યું છે. તે મુજબ ૨૮ મે સુધીમાં સુરતથી ૧૯૫ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાં યુપી ૧૧૨, ઓડિશા ૩૫, બિહાર ૩૧, ઝારખંડ ૧૦, ઉત્તરાખંડ ૩ અને રાજસ્થાન એક ટ્રેનનો સમાવેશ થાય છે. એ રીતે દેશના કોઇ પણ રેલવે સ્ટેશનેથી સૌથી વધુ ટ્રેનો ઉપડી હોય તે સ્ટેશનોમાં સુરત સ્ટેશનનો ક્રમ પ્રથમ રહ્યો છે. રવિવારે સુરતથી ૧૧ ટ્રેનો યુપી, ૨-૨ ટ્રેનો બિહાર અને ઝારખંડ માટે જયારે એક ટ્રેન ઉત્તરાખંડ મોકલવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ માટે ૩ પ્રયાગરાજ, ૨ ફૈઝાબાદ, ૧-૧ ટ્રેનો બાંદા, રાયબરેલી, જોનપુર, ગાજીપુર, ગોરખપુર અને બનારસ રવાના થઇ હતી. બિહારના શિવાન અને કટિહાર પણ એક-એક ટ્રેન જયારે ઝારખંડના ઘનબાદ અને જેસીડી ખાતે પણ એક-એક ટ્રેન રવાના કરાઇ હતી. એ રીતે ૧ દિવસમાં સુરતથી રવિવારે ૧૬ ટ્રેનો રવાના કરવામાં આવી હતી. આમ એક જ દિવસમાં ૨૫૬૦૦ પેસેન્જરોને વતને મોકલવામાં આવ્યા હતા.