આશરે 1974માં રમેશ અમીન અમદાવાદ નાટક કરવા આવ્યા. આ અરસામાં મારો નાટ્યોદય થયેલો. મારું નાટક આપણું કંઈક કરોને સફળ થયેલું. અમદાવાદમાં દિનેશ શુક્લ, ચારુબહેન પટેલ, અરવિંદ વૈદ્ય, રાજુ પટેલ, જશવંત ઠાકર આ બધાંનો જમાનો. હું 1971માં અમદાવાદ આવ્યો. 1974માં પ્રથમ વ્યવસાયી નાટક કર્યું. સફળતા મળી. કળાજગતમાં થયું કોઈ નવો આવ્યો છે. આ સમયે ટાઉનહોલમાં બોર્ડ ચડ્યું, અર્પણ કલાકેન્દ્ર – દહેગામનું નાટક. બધા વિચારમાં પડ્યા. દહેગામવાળા નાટક કરશે! માર્યા… ભરાઈ જશે બિચારા…રમેશ અમીન, પંકજ પટેલ, એસ. એ. કાદરી, વસુ અમીન જેવા મિત્રોએ મળીને સંસ્થા બનાવી. પહેલું જ નાટક સફળ થયું. આ પહેલાં આ ટીમ દહેગામ કોલેજના મિત્રો સાથે એકાંકી નાટકો અને યુથ ફેસ્ટિવલ માટે નાટક કરતા, અને એવોર્ડ પણ મેળવતા. આથી પ્રેરાઈને આ ટીમ અમદાવાદ આવી. સમય જતાં રમેશભાઈ અમીને અર્પણ સંસ્થા, અમદાવાદની સ્થાપના કરી. પંકજ પટેલ, રમેશ રાવલ, એસ. એ. કાદરી અને કે. ડી. ઠક્કર જેવા મિત્રોના સહકારથી સંસ્થાએ જોર પકડ્યું. મુંબઈથી ડિરેક્ટર બોલાવનાર આ પ્રથમ સંસ્થા હતી. 1976 પછી આ સંસ્થાએ સતત 44 વર્ષ સુધી સફળ નાટકો આપ્યાં અને 45મા વર્ષની ઉજવણી પણ આ વર્ષે કરી. ગઢ આલા પણ સિંહ ગેલા જેવી પરિસ્થિતિ થઈ. 45મા વર્ષની ભવ્ય ઉજવણી કરી, પણ આ વર્ષે જ સંસ્થાના સ્થાપક રમેશ અમીનને ગુમાવી દીધા.
રમેશ અમીન એટલે દહેગામનો ધીરુ અમીન. બધાનો વહાલો ધીરુ. ગામના મિત્રો આજેય પણ ધીરુ કહીને જ બોલાવે. રાજા વિક્રમ જેવો પરદુઃખભંજન માણસ. એમની પાસે પૈસા હોય કે ન હોય, કોઈ બેકસ્ટેજનો દુઃખિયારો માણસ આવીને મદદ માગે તો અવશ્ય મળે. કેટલાય મિત્રોને મદદ કરી હશે. અનેક શો ખોટ ખાઈને પણ કર્યા છે. કળાકારોના પુરસ્કાર નીકળે અને ટેક્નિશિયનોને વેતન મળે એટલે બસ… પોતાને કંઈ ન મળે – ઉપરથી બે-પાંચ હજાર મૂકવાના આવે તો પણ શો કરે જ કરે. આવા તો અનેક શો કર્યા હશે. અને એટલે જ અંત સમયે પણ મોટું નુકસાન હતું જ. પોતાનો પગાર નાટક પાછળ જ વાપરતા હોવાનું જાણમાં આવ્યું છે.
મેં અર્પણ સંસ્થાનાં લગભગ 12 નાટકોનું સફળ દિગ્દર્શન કર્યું છે. મોટા ભાગના શોમાં રમેશભાઈ પાસે કંઈ જ બચત ન હોય, છતાંય 50મો શો આવે કે 100મો શો આવે, ઉજવણી કરવાની જ. વર્ષમાં બે-ત્રણ જમણવાર તો હોય જ. એમના સંઘર્ષમાં તેમના મિત્રો સુરેન્દ્રભાઈ બક્ષી, ધીરુભાઈ સંઘવી, જે. બી. પટેલ, સંજય પટેલ, શૈલેન્દ્રસિંહ બાપુ, અભિલાષ ઘોડા, કે. ડી. ઠક્કર, મેહુલ પંકજ પટેલ ખડે પગે ઊભા રહેતા. નહિતર કદાચ આજે અર્પણનું અસ્તિત્વ જ ન હોત! ખોટ ખાઈને કે નહિવત્ નફો લઈને 45-45 વર્ષ સુધી માત્ર રમેશ અમીન જ સંસ્થા ચલાવી શકે. તેમના તકલીફના દિવસોમાં તેમનો સાઢુભાઈ શૈલેશ મહેતા (હાલ અમેરિકા) પણ ખડે પગે ઊભો રહેતો જોયો છે. કળાકાર મિત્રો પણ તેમને ખૂબ ચાહતા. તેમને ત્યાં બેકસ્ટેજનું કામ કરતા મૂળજીભાઈ હવેલીવાલાનો જન્મદિવસ ધામધૂમથી ઊજવ્યો હતો. તેમની મૃત્યુતિથિ પ્રસંગે પણ કળાકારોને જમાડીને તેમને યાદ કર્યા હતા. બેકસ્ટેજ આર્ટિસ્ટના પ્રસંગને આ રીતે ઉજવનાર કદાચ આ એક જ વ્યક્તિ હશે.
મારા કાર્યકાળ દરમિયાન રમેશ અમીન – અર્પણ સંસ્થાએ ઘણાં સફળ નાટકો આપ્યાં છે એમ મારા પહેલાં પ્રફુલ્લ ભાવસારે પણ ઘણાં સફળ નાટકો અર્પણ માટે કર્યાં છે. મારા પછી હરિન ઠાકર અને છેલ્લે નિશીથ બ્રહ્મભટ્ટે પણ ઘણાં નાટકોનું દિગ્દર્શન કર્યું છે, પણ આ તમામ દિગ્દર્શકો સાથે છેક છેલ્લે સુધી એટલો જ પ્રેમ. રમેશ અમીનના નામ પર કોઈ પણ હાજર થઈ જાય. રમેશ અમીનનો હવે કોઈ પર્યાય રહ્યો નથી અને મળશે પણ નહિ. આ તો નાટકનો નરસૈંયો હતો. હરિજનવાસમાં પણ નાટક કરવા બેરસી જાય. પ્રેમીઓ મળવા જોઈએ. ક્યારેય પૈસા સામે જોયું નથી.
તેમની ત્રણ દીકરીઓ અને પત્નીને પણ કળાકારો જેટલો સમય તેમણે આપ્યો નહિ હોય! નાટ્યજગત જ રમેશ અમીનનો પરિવાર હતો. આ પરિવારે તેમનો એક મોભી ગુમાવ્યો છે. અર્પણના એ પરદુઃખભંજન રમેશ અમીનને ભાવભરી શબ્દાંજલિ અર્પણ.
રમેશ અમીન – અર્પણ સંસ્થા નિર્મિત નાટકો
(1) એક જ દે ચિનગારી.
(2) સાથ સંગાથ
(3) બંધન
(4) ધરતીકંપ
(5) સગાં સૌ સ્વાર્થનાં
(6) જીવનજ્યોત જલે
(7) સાથિયામાં એક રંગ ઓછો
(8) પથ્થરે પૂર્યા પ્રાણ
(9) તન ઝંખે મન રોવે
(10) મનડું માન સરોવર
(11) તું તારે ઘેર હું મારે ઘેર
(12) પંખી એક ડાળનાં
(13) સમણાં તો પંખીની જાત
(14) આંખે કંકુના સૂરજ આથમ્યા
(15) અર્ધાંગિની
(16) કર્ર્માધીન
(17) ઔર ચાબી ખો જાયે
(18) જૂઠ બોલે કૌવા કાટે
(19) કપટ
(20) ભાગ્યવિધાતા
(21) શૂન્યના સરવાળા
(22) રમત રમાડે રૂપિયો
(23) સંસ્કાર
(24) રાજા ગોપીચંદ
(25) અગન ખેલ
(26) જોગ સંજોગ
(27) પાર્થને કહો ચઢાવે બાણ
(28) સાહ્યબો મારો સવા લાખનો
(29) પપ્પા તો આવા જ હોય
(30) દીકરી નં. 1… આ સિવાય પણ ઘણાં નાટકો નિર્માણ કર્યાં છે.
લેખક યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પૂર્વ ડેપ્યુટી ડાયરેકટર છે.